દુનિયાના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binance પર થયેલા અત્યાર સુધીના સૌથી મોટા સાયબર હુમલાએ સમગ્ર ક્રિપ્ટો માર્કેટમાં ચકચાર મચાવી દીધી છે. આ હુમલામાં આશરે 6.3 અબજ ડોલર એટલે કે લગભગ 52 હજાર કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીને અસર થઈ હોવાના અહેવાલ છે. આ ઘટના વચ્ચે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક એલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કટાક્ષ કર્યો હતો. જોકે, Binanceના સ્થાપક ચાંગપેંગ ઝાઓ (CZ)ને મસ્કની આ મજાક પસંદ આવી નહોતી. તેમણે જાહેરમાં મસ્કને આવી ટિપ્પણીઓ બંધ કરવા વિનંતી કરી હતી.
એલોન મસ્કે સોશિયલ મીડિયા પર શું કર્યું?
Binance પર સાયબર હુમલાના સમાચાર સામે આવ્યા બાદ એલોન મસ્કે X પર ‘Everyday is Zeroday’ લખીને પોસ્ટ કરી હતી. આ ટિપ્પણી સોફ્ટવેરની એવી સુરક્ષા ખામીઓ તરફ ઇશારો કરતી હતી, જેનો ઉપયોગ હેકર્સ કંપનીને જાણ થાય તે પહેલાં હુમલો કરવા માટે કરે છે.
આ ઉપરાંત CZ દ્વારા અગાઉ લોકોને અજાણી ઈમેઇલ લિંક અને શંકાસ્પદ એટેચમેન્ટ ન ખોલવાની ચેતવણી આપવામાં આવી હતી. આ પોસ્ટ પર પણ મસ્કે હસતા અને આગના ઇમોજી સાથે પ્રતિક્રિયા આપી હતી. મસ્કની આ હરકતથી ક્રિપ્ટો સમુદાયમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી.
CZએ મસ્કને આપ્યો સ્પષ્ટ જવાબ
એલોન મસ્કની ટિપ્પણીઓ બાદ Binanceના સ્થાપક CZએ X પર જવાબ આપતાં લખ્યું હતું કે, “એલોન, હું તમારું ખૂબ સન્માન કરું છું, પરંતુ અત્યારે મજાક કરવાનો સમય નથી. કૃપા કરીને આવું કરવાનું બંધ કરો.”
CZએ આ સાથે Binanceના સ્પેસએક્સમાં રહેલા રોકાણનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે એલોન મસ્કના ટ્વિટર અધિગ્રહણ દરમિયાન Binanceએ 500 મિલિયન ડોલરનું રોકાણ કર્યું હતું. આ રોકાણના પરિણામે મળેલા શેરની કિંમત હવે એક અબજ ડોલરથી પણ વધારે હોવાનું તેમણે જણાવ્યું હતું. CZએ મસ્કને મુશ્કેલ સમયમાં થોડો સહકાર અને સમર્થન આપવાની અપીલ પણ કરી હતી.
આખરે Binance સાથે શું થયું?
અહેવાલો અનુસાર, હેકર્સે Binanceના ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સાથે જોડાયેલા વોલેટ્સને નિશાન બનાવ્યાં હતાં. શરૂઆતની તપાસમાં એક એન્જિનિયરના લેપટોપ સાથે ચેડાં થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તપાસમાં સુરક્ષાની અન્ય ખામીઓ પણ સામે આવી હતી.
બ્લોકચેન સુરક્ષા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હેકર્સે ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપતી સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને ગેરકાયદેસર રીતે નાણાં ટ્રાન્સફર કર્યા હતા. Binanceએ અસરગ્રસ્ત સંપત્તિમાંથી આશરે 3 અબજ ડોલર ફ્રીઝ કરવામાં સફળતા મેળવી હોવાનો દાવો કર્યો હતો.
આ હુમલા પાછળ ઉત્તર કોરિયા સાથે જોડાયેલા હેકર્સનો હાથ હોવાની પણ કેટલીક બ્લોકચેન વિશ્લેષણ કંપનીઓએ આશંકા વ્યક્ત કરી છે. જોકે, તપાસમાં હજુ સુધી જવાબદારોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ગ્રાહકોના પૈસા સુરક્ષિત રાખવાનો કંપનીનો દાવો
આટલી મોટી ઘટના બાદ Binanceએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને થયેલા નુકસાનની ભરપાઈ કંપની કરશે. કંપનીએ આ માટે 6.34 અબજ ડોલરથી વધુની રકમ અનામત રાખી હોવાની માહિતી આપી છે.
Binanceના સહ-CEO યી હેએ પણ જણાવ્યું હતું કે કંપનીની વાર્ષિક આવક નુકસાનની ભરપાઈ કરવા માટે પૂરતી છે. તેથી સ્પેસએક્સમાં રહેલા શેર વેચવાની હાલ જરૂર નથી.
ક્રિપ્ટો માર્કેટમાં વધશે સુરક્ષાની ચિંતા
આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડિજિટલ કરન્સીની દુનિયામાં સુરક્ષા કેટલી મહત્વપૂર્ણ છે. મોટી કંપનીઓ પણ સાયબર હુમલાથી સંપૂર્ણપણે સુરક્ષિત નથી. હવે Binanceની તપાસ, ગ્રાહકોના નાણાંની સુરક્ષા અને ચોરી થયેલી ક્રિપ્ટોકરન્સીની વસૂલાત પર સમગ્ર વિશ્વના રોકાણકારોની નજર રહેશે.


