શેખ હસીનાનો મોટો દાવ: અવામી લીગ પરનો બેન હટાવવા સંયુક્ત રાષ્ટ્ર (UN)માં અરજી!
બાંગ્લાદેશના રાજકારણમાં વધુ એક વખત મોટો ભૂકંપ આવ્યો છે. દેશ વાપસીની તૈયારીઓ વચ્ચે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ એક ખૂબ મોટો દાવ ખેલ્યો છે. હસીનાએ સંયુક્ત રાષ્ટ્ર (UN) ના દરવાજા ખટખટાવતા માગ કરી છે કે 2026માં બાંગ્લાદેશમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીઓને તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમની પાર્ટી ‘અવામી લીગ’ પર લાદવામાં આવેલો પ્રતિબંધ હટાવવામાં આવે.
વર્ષ 2024માં થયેલા તખ્તાપલટ પછી અવામી લીગને સંપૂર્ણપણે દરકિનાર કરી દેવામાં આવી હતી અને 2026ની ચૂંટણીમાં તમામ પ્રયાસો છતાં પાર્ટીને ચૂંટણી લડવાની મંજૂરી મળી નહોતી. હવે શેખ હસીનાના આ વલણથી બાંગ્લાદેશની વર્તમાન તારિક રહેમાન સરકારની ઊંઘ હરામ થઈ ગઈ છે.

હસીનાએ અરજીમાં કઈ-કઈ દલીલો કરી છે?
બાંગ્લાદેશી મીડિયા અનુસાર, શેખ હસીનાએ યુએન (UN) માં પોતાની અરજી દ્વારા તારિક રહેમાન સરકારને સંપૂર્ણપણે ‘ગેરકાયદેસર’ ગણાવી છે. તેમનું કહેવું છે કે આજના બાંગ્લાદેશમાં લોકશાહી જેવી કોઈ વસ્તુ બચી નથી.
હસીના તરફથી દાખલ અરજીમાં જણાવાયું છે કે વર્તમાન સરકાર આંતરરાષ્ટ્રીય માનવાધિકારોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહી છે. જેમાં ખાસ કરીને:
અનુચ્છેદ 19: અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન.
અનુચ્છેદ 21: શાંતિપૂર્ણ રીતે એકઠા થવાના અધિકાર પર રોક.
અનુચ્છેદ 22: સંગઠન કે રાજકીય પક્ષ બનાવવાની આઝાદી પર હુમલો.
અનુચ્છેદ 25: નાગરિકોના રાજકીય અધિકારોનું હનન.
શેખ હસીનાનું કહેવું છે કે અવામી લીગ બાંગ્લાદેશની સૌથી જૂની અને ઐતિહાસિક પાર્ટી છે. જો તેમની પાર્ટીને ચૂંટણી મેદાનમાં ઉતરવા દેવામાં આવી હોત, તો આજે દેશમાં તારિક રહેમાનની સરકાર ક્યારેય ન બની હોત.
બાંગ્લાદેશમાં ન્યાય મળવો અશક્ય: UN વકીલનો દાવો
યુએનમાં શેખ હસીનાનો પક્ષ રજૂ કરી રહેલા પ્રખ્યાત બ્રિટિશ વકીલ સ્ટીવન પૌવેલ્સ કેસી (કિંગ્સ કાઉન્સિલ) એ અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. અરજીમાં જણાવાયું છે કે બાંગ્લાદેશની ન્યાય પ્રણાલી પર હવે ભરોસો કરી શકાય તેમ નથી.

વકીલના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશમાં આ સમયે એવો ખૌફનો માહોલ છે કે કોઈ પણ સ્થાનિક વકીલ અવામી લીગના કાર્યકરો કે નેતાઓનો કેસ લડવાની હિંમત કરી શકતા નથી. જે વકીલો આગળ આવવાનો પ્રયાસ કરે છે, તેમના પર જીવલેણ હુમલા કરવામાં આવે છે. આ જ કારણે મજબૂર થઈને આંતરરાષ્ટ્રીય મંચ (UN) નો આશરો લેવો પડ્યો છે.
શું છે શેખ હસીનાની મુખ્ય માગણીઓ?
ચૂંટણી રદ થાય: 2026માં યોજાયેલી ચૂંટણીઓને ગેરબંધારણીય જાહેર કરીને સંપૂર્ણપણે રદ કરવામાં આવે.
પ્રતિબંધ હટે: અવામી લીગ પર લાદવામાં આવેલો બેન તાત્કાલિક હટાવવામાં આવે.
ફરીથી યોજાય ચૂંટણી: તમામ પ્રમુખ રાજકીય પક્ષોની હાજરીમાં નિષ્પક્ષ રીતે ફરીથી ચૂંટણીઓ યોજવામાં આવે.
બાંગ્લાદેશનું રાજકારણ કઈ તરફ જશે, તે તો આવનારો સમય જ બતાવશે, પરંતુ શેખ હસીનાના આ માસ્ટરસ્ટ્રોકે આંતરરાષ્ટ્રીય સ્તરે બાંગ્લાદેશના રાજકીય સંકટને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધું છે!
