PF ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર: હવે જરૂર પડ્યે સરળતાથી મળશે તમારી જમા મૂડી, જાણો શું બદલાયું છે!
નોકરી કરતા દરેક વ્યક્તિ માટે તેમનું ‘પ્રોવિડન્ટ ફંડ’ (PF) એ માત્ર પગારનો કપાયેલો હિસ્સો નથી, પરંતુ તે ભવિષ્ય માટેની એક સુરક્ષિત બચત છે. અત્યાર સુધી ઘણા કર્મચારીઓને પોતાનું જ પીએફનું પૈસું ઉપાડતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પોતાના નિયમોમાં મોટો ફેરફાર કરીને લાખો નોકરિયાતોને મોટી રાહત આપી છે. હવે પી.એફ. ઉપાડવાની અને ક્લેમ કરવાની પ્રક્રિયા પહેલા કરતા ઘણી વધુ સરળ બની ગઈ છે.
શું હતો જૂનો નિયમ અને શા માટે પડતી હતી મુશ્કેલી?
અત્યાર સુધીની જૂની વ્યવસ્થામાં, જો કોઈ કર્મચારી લાંબા સમયથી બેરોજગાર હોય, તેની કંપની બંધ થઈ ગઈ હોય અથવા કોઈ કુદરતી આપત્તિ આવી હોય, તો પણ સંપૂર્ણ પીએફની રકમ મેળવવા માટે કર્મચારીએ નક્કર કારણ અને તેના પુરાવા રૂપે ઘણા બધા દસ્તાવેજો (Supporting Documents) જમા કરાવવા પડતા હતા.
ઘણીવાર એવું બનતું કે કર્મચારી દ્વારા આપવામાં આવેલું કારણ EPFO ના કડક નિયમો સાથે મેળ ન ખાતું, પરિણામે તેમનો ક્લેમ રિજેક્ટ થઈ જતો. એક સામાન્ય કર્મચારી પોતાના જ હકના પૈસા મેળવવા માટે સરકારી કચેરીઓના ચક્કર કાપવા મજબૂર બનતો હતો. લોકોની આ જ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે હવે આ પ્રક્રિયામાં ધરખમ ફેરફારો કર્યા છે.
નવા નિયમથી શું બદલાયું છે?
સરકારી અધિસૂચના અનુસાર, EPFO એ હવે ‘વિશેષ પરિસ્થિતિઓ’ હેઠળ આવતા ક્લેમ માટે ‘ઉપાડનું કારણ જણાવવાની’ શરતને આદંશિક રીતે દૂર કરી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે, જો તમે નિર્ધારિત વિશેષ શરતો હેઠળ આવો છો, તો તમારે અરજી કરતી વખતે વધારાનું કોઈ સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી. આ ફેરફારથી ક્લેમ રિજેક્ટ થવાનું જોખમ ઘટી ગયું છે અને પૈસા સીધા અને ઝડપથી તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.
100% પૈસા ઉપાડવા માટેની શરતો
ઘણા લોકોને એવી ગેરસમજ થઈ શકે છે કે હવે ગમે ત્યારે આખું પીએફ ખાતું ખાલી કરી શકાય છે, પરંતુ એવું નથી. 100% રકમ ઉપાડવાની છૂટ માત્ર કેટલીક ખાસ અને ગંભીર પરિસ્થિતિઓમાં જ મળે છે:
-
કંપનીની સ્થિતિ: જો તમારી કંપની 15 દિવસથી વધુ સમયથી બંધ હોય અથવા ત્યાં તાળાબંધી (Lockout) થઈ હોય અને કર્મચારીઓને પગાર ન મળ્યો હોય, તો તમે સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. જો કંપની સતત 6 મહિનાથી બંધ પડી હોય, તો પણ આ સુવિધાનો લાભ મળે છે.
-
નોકરીમાંથી છૂટા થવું: જે કર્મચારીઓને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હોય અથવા છટણી કરવામાં આવી હોય, અને તેમણે આ મામલે કોર્ટમાં કેસ કર્યો હોય, તો તેઓ પણ આ લાભ લઈ શકે છે.
-
તબીબી કટોકટી: પોતાની અથવા પરિવારના કોઈ સભ્યની ગંભીર બીમારીના ઈલાજ માટે પણ તમે સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. જોકે, આ માટે તમારી પાસે કંપની અને ડોક્ટર દ્વારા વેરિફાઈડ મેડિકલ દસ્તાવેજો હોવા જરૂરી છે.
સામાન્ય પરિસ્થિતિમાં કેટલા પૈસા ઉપાડી શકાય?
જો તમારી પાસે કોઈ ગંભીર વિશેષ કારણ નથી અને માત્ર નાણાકીય જરૂરિયાત માટે પૈસા ઉપાડવા છે, તો પણ નિયમો સરળ છે. સામાન્ય સંજોગોમાં, તમે કોઈપણ વધારાના દસ્તાવેજો આપ્યા વિના તમારી જમા રકમના 75% સુધીનો હિસ્સો ઉપાડી શકો છો. આ સુવિધા દ્વારા જરૂરિયાતના સમયે નાણાકીય મદદ મળી રહે છે, જેથી કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર રહેતી નથી.

