કચ્છમાં સિંચાઈના કામોની આડમાં ખનીજ ચોરીનો ખેલ: કરોડોની રોયલ્ટીનું નુકસાન
ભૂજ: કચ્છ જિલ્લામાં વિકાસ કામોની આડમાં ગેરકાયદેસર ખનન અને ખનીજ ચોરીના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. તાજેતરમાં સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતા તળાવ ઊંડા કરવાના કામોમાં મોટાપાયે ખનીજ ચોરી થતી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. તળાવ ઊંડા કરવાના બહાને કિંમતી ખનીજનો ગેરકાયદેસર વેપાર કરીને તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
વિકાસ કામો બની રહ્યા છે ખનીજ ચોરીનું માધ્યમ
સ્થાનિક સ્તરે થઈ રહેલા સિંચાઈના વિકાસ કાર્યોમાંથી નીકળતા ખનીજનો કોઈ પણ પ્રકારનો સત્તાવાર હિસાબ રાખવામાં આવતો નથી, જે આખી પ્રક્રિયા પર શંકાના વાદળો ઊભા કરે છે. આક્ષેપ છે કે, વહીવટીતંત્રની મિલીભગત કે બેદરકારીને કારણે સિંચાઈ કામોના નામે કરોડો રૂપિયાની કિંમતી ખનીજ સરકારની પરવાનગી વગર બહાર કાઢીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેનાથી રાજ્ય સરકારને મળતી રોયલ્ટીનું મોટું નુકસાન થઈ રહ્યું છે.
માત્ર વાહનો જપ્તી નહીં, મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાની માંગ
સામાન્ય રીતે આવી ઘટનાઓમાં માત્ર ટ્રકો કે જેસીબી જેવા વાહનોને પકડીને સંતોષ માનવામાં આવે છે, પરંતુ આ કૌભાંડના ખરા ‘માસ્ટરમાઈન્ડ’ હંમેશા બચી જાય છે. આ મામલે હવે આકરા પાણીએ આવેલા સંગઠનોએ માંગ કરી છે કે, માત્ર વાહનો જપ્ત કરવાથી કશું નહીં વળે. આ કૌભાંડના મૂળ સુધી પહોંચીને તેની પાછળના સૂત્રધારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી ભવિષ્યમાં આવી ગેરરીતિ અટકી શકે.
કલેક્ટરને આવેદનપત્ર: પારદર્શક તપાસની માંગ
આ ગંભીર મુદ્દાને લઈને આંતરરાષ્ટ્રીય ભીમ સેનાના મયુર મહેશ્વરીએ આકરા શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કચ્છમાં ચાલી રહેલા આ અંધેરને તાત્કાલિક ધોરણે રોકવું જોઈએ. આ સંદર્ભમાં તેમણે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને સમગ્ર મામલે પારદર્શક તપાસ કરાવવાની અને જવાબદાર લોકો સામે કાયદેસરના કડક પગલાં ભરવાની માંગ કરી છે. હવે જોવું રહ્યું કે, વહીવટીતંત્ર આ આવેદનપત્ર બાદ કેટલા ગંભીર પગલાં ભરે છે.
