શું ચીનમાં પણ અદ્રશ્ય ‘જાતિ વ્યવસ્થા’ છે? ‘હુકોઉ’ પ્રણાલી અને સોશિયલ મીડિયા પર શરૂ થયેલી નવી ચર્ચા
ચીન આજે વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને વૈશ્વિક ‘મેન્યુફેક્ચરિંગ પાવરહાઉસ’ તરીકે ઓળખાય છે. સત્તાવાર રીતે સામ્યવાદી શાસન હેઠળ સમાનતાનો દાવો કરતો આ દેશ અત્યારે એક અજીબોગરીબ સામાજિક ચર્ચાના કેન્દ્રમાં છે. સોશિયલ મીડિયા પર ઈન્ટરનેટ યુઝર્સ, ખાસ કરીને ભારતીય યુઝર્સ દ્વારા ચીનની સામાજિક સંરચનાની તુલના ભારતની પ્રાચીન જ્ઞાતિ વ્યવસ્થા સાથે કરવામાં આવી રહી છે. આ ચર્ચાનું મુખ્ય કેન્દ્રબિંદુ છે – ચીનની ‘હુકોઉ’ (Hukou) ઘરેલુ નોંધણી પ્રણાલી.
પ્રાચીન ચીનની ‘શિનૉંગ-ગોંગ-શાંગ’ રચના
ચીનની વર્તમાન સામાજિક સ્થિતિને સમજવા માટે તેના ઈતિહાસમાં ડોકિયું કરવું જરૂરી છે. હાન રાજવંશ દરમિયાન, ઇ.સ. 111 માં ચીની સમાજને ‘શિ-નોંગ-ગોંગ-શાંગ’ નામના ચાર સ્તંભોમાં વહેંચવામાં આવ્યો હતો:
શિ (Shi): જેમાં વિદ્વાનો અને સરકારી અધિકારીઓ આવતા હતા, જેમને સમાજમાં સૌથી ઊંચું સ્થાન મળતું હતું.
નોંગ (Nong): આ વર્ગમાં ખેડૂતો હતા, જેઓ અનાજ ઉત્પાદક હોવાને કારણે આદરણીય માનવામાં આવતા.
ગોંગ (Gong): આ વર્ગમાં કારીગરો અને શિલ્પકારોનો સમાવેશ થતો.
શાંગ (Shang): જેમાં વેપારીઓ અને દુકાનદારો આવતા, જેમને સમાજમાં સૌથી નીચે ગણવામાં આવતા.
નિષ્ણાતોના મતે, આ વ્યવસ્થા ભારતની વર્ણ વ્યવસ્થા જેવી લાગી શકે છે, પરંતુ તે ભારતની જેમ અત્યંત કઠોર કે વંશાનુગત નહોતી. ચીની ઈતિહાસમાં એક સામાન્ય વેપારીનો પુત્ર પણ શાહી પરીક્ષાઓ પાસ કરીને ઉચ્ચ અધિકારી બની શકતો હતો, જે દર્શાવે છે કે તેમાં સામાજિક ગતિશીલતા (Social Mobility) શક્ય હતી.
આધુનિક સમયની ‘હુકોઉ’ પ્રણાલી: આધુનિક જ્ઞાતિ વ્યવસ્થા?
આજની ચર્ચાનો મુખ્ય વિષય 1950ના દાયકામાં માઓ ઝેડોંગની સરકાર દ્વારા વધુ કડક બનાવવામાં આવેલી ‘હુકોઉ’ પ્રણાલી છે. આ પ્રણાલી દરેક નાગરિકને જન્મના આધારે બે મુખ્ય ભાગોમાં વહેંચે છે: શહેરી (Urban) અને ગ્રામીણ (Rural).
હુકોઉ પ્રણાલી એક પ્રકારનો આંતરિક પાસપોર્ટ જેવું કામ કરે છે. જો કોઈ વ્યક્તિ ગ્રામીણ હુકોઉ ધરાવતું હોય અને તે કામની શોધમાં શહેરમાં જાય, તો તે ત્યાંના સ્થાનિક નાગરિક જેવા સમાન અધિકારો મેળવી શકતું નથી. આ વિભાજને ચીનને વાસ્તવમાં ‘બે અલગ દુનિયા’માં વહેંચી દીધું છે.
એક દેશ, બે દુનિયા: પ્રવાસીઓની દયનીય સ્થિતિ
અહેવાલ મુજબ, હુકોઉ પ્રણાલીને કારણે ચીનમાં એક મોટો ભેદભાવ પેદા થયો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારના લોકો શહેરોમાં જાય છે, ત્યારે તેઓને સૌથી જોખમી અને ઓછો પગાર આપતી નોકરીઓ મળે છે. આર્થિક સુધારાઓ પછી પણ આ ‘ફ્લોટિંગ પોપ્યુલેશન’ (સ્થળાંતરિત વસ્તી) ને શહેરોની શાળાઓ, હોસ્પિટલો કે અન્ય સામાજિક સુવિધાઓનો પૂરો લાભ મળતો નથી.
ચીનના રાષ્ટ્રીય આંકડાકીય બ્યુરોના ડેટા મુજબ, 2025ના અંત સુધીમાં પોતાના ઘરથી દૂર રહેતા પ્રવાસીઓની સંખ્યા આશરે 35.8 કરોડ સુધી પહોંચી છે, જે ચીનની કુલ વસ્તીનો ચોથો ભાગ છે. આ લોકો પોતાની મહેનતથી શહેરને ધબકતું રાખે છે, પરંતુ સામાજિક રીતે તેઓ હંમેશા ‘બાહ્ય’ જ ગણાય છે. આ જ કારણ છે કે લોકો તેને નવી જ્ઞાતિ વ્યવસ્થા સાથે સરખાવી રહ્યા છે, જ્યાં એક વ્યક્તિનો દરજ્જો તેના જન્મના સ્થળ સાથે જોડાઈ ગયો છે.
ચીની વિશ્લેષકોનો બચાવ
બીજી તરફ, ચીની વિદ્વાનો અને સત્તાવાળાઓ આ તુલનાને સંપૂર્ણપણે નકારે છે. પેકિંગ યુનિવર્સિટીના પ્રોફેસર ઝાંગ યિવૂના મતે, આવી સરખામણી કરવી અત્યંત હાસ્યાસ્પદ છે. તેમનું માનવું છે કે ‘શિ-નોંગ-ગોંગ-શાંગ’ માત્ર વ્યવસાયોનું વર્ગીકરણ હતું, કોઈ વંશાનુગત જ્ઞાતિ પ્રથા નહીં. ચીની વિશ્લેષકો દલીલ કરે છે કે પશ્ચિમી અથવા ભારતીય દ્રષ્ટિકોણથી ચીની ઈતિહાસને જોવો એ અધૂરા જ્ઞાનનું પરિણામ છે.

