₹૫ લાખની એક FD કે ₹૧ લાખની પાંચ FD? જાણી લો રોકાણનો કયો વિકલ્પ આપે છે વધુ ફાયદો
ભારતીય રોકાણકારો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એ હંમેશાં ગેરંટીડ અને સુરક્ષિત વળતર આપતું સૌથી વધુ ભરોસાપાત્ર માધ્યમ રહ્યું છે. શેરબજારના ઉતાર-ચઢાવ વચ્ચે પણ પોતાના નાણાં સુરક્ષિત રાખવા માંગતા લોકો માટે બેંક એફડી આજે પણ પહેલી પસંદગી છે. પરંતુ જ્યારે રોકાણકારો પાસે ₹૫ લાખ જેવી મોટી રકમ હોય, ત્યારે તેમની સામે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ આખી રકમની એક જ FD કરાવવી, કે પછી ₹૧ લાખની પાંચ અલગ-અલગ FD માં પૈસા રોકવા?
જ્યારે તમે બેંક કે ફાઇનાન્સ કંપનીમાં ₹૫ લાખ રોકવાનું વિચરતા હોવ, ત્યારે વ્યાજના દર અને પરિપક્વતા રકમ (Maturity Amount) ને લઈને ઘણી ગેરસમજો જોવા મળે છે. જો વ્યાજનો દર અને મુદત સમાન હોય, તો આખી રકમ એક જ FD માં રોકો કે તેને પાંચ ભાગમાં વહેંચીને રોકો, મળતું આખરી વ્યાજ અને મેચ્યોરિટી રકમ બિલકુલ સમાન જ રહેશે.
ઉદાહરણ તરીકે, જો તમે ₹૫ લાખની એક જ FD ૭% ના વાર્ષિક વ્યાજ દરે ૫ વર્ષ માટે મૂકો છો, તો તમને આશરે ₹૨,૦૭,૩૮૯ નું વ્યાજ મળશે અને આખરી રકમ ₹૭,૦૭,૩૮૯ થશે. જો તમે ₹૧ લાખની પાંચ FD મૂકશો તો પણ પાંચેયનું મળીને આખરી વ્યાજ આટલું જ થશે. પરંતુ ખરી રમત વળતરની નથી, ખરી રમત લિક્વિડિટી (તરલતા), દંડથી બચાવ અને સુરક્ષાની છે.

એક જ મોટી FD માં રોકાણ કરવાના ફાયદા અને મર્યાદાઓ
આખી રકમ એક જ એફડીમાં જમા કરાવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેને મેનેજ કરવી ખૂબ સરળ છે. રોકાણકારે માત્ર એક જ એકાઉન્ટ સ્ટેટમેન્ટ સાચવવાનું રહે છે, કાગળકામ ઓછું થાય છે અને મેચ્યોરિટી તારીખ પણ એક જ હોય છે.
પરંતુ તેની સૌથી મોટી મર્યાદા એમરજન્સી સમયે સામે આવે છે. જો તમને અચાનક ₹૫૦,૦૦૦ કે ₹૧ લાખની જરૂર પડે, તો તમારે આખેઆખી ₹૫ લાખની FD સમય પહેલાં (Premature Withdrawal) તોડવી પડે છે. આનાથી બેંક તમને આખી રકમ પર ૧% સુધીની પેનલ્ટી લાદે છે અને જે સમયગાળા માટે પૈસા રહ્યા હોય તે મુજબ ઓછું વ્યાજ આપે છે. આમ, નાની રકમની જરૂરિયાત માટે આખી મોટી FD તોડવી એ આર્થિક રીતે મોટું નુકસાન કરાવે છે.
₹૧ લાખની પાંચ FD બનાવવાની વ્યૂહરચના (FD Laddering)
પૈસાને બહુવિધ નાની FD માં વિભાજીત કરવાની પદ્ધતિને ફાઇનાન્સની ભાષામાં ‘એફડી લેડરિંગ’ (FD Laddering) કહેવામાં આવે છે. આ અભિગમના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે:
૧. દંડ વગર નાણાકીય સુગમતા:
જો તમને ભવિષ્યમાં અચાનક નાણાંની જરૂર પડે, તો તમે આખી રકમ તોડવાને બદલે માત્ર એક જ ₹૧ લાખની FD તોડીને તમારી જરૂરિયાત પૂરી કરી શકો છો. બાકીની ૪ FD પર પૂર્વવત ઊંચો વ્યાજદર મળતો રહેશે અને તમારે સમગ્ર રોકાણ પર દંડ ભરવો પડશે નહીં.
૨. વધતા વ્યાજદરનો લાભ:
જો તમે પાંચેય FD અલગ-અલગ સમયગાળા માટે (જેમ કે ૧ વર્ષ, ૨ વર્ષ, ૩ વર્ષ, ૪ વર્ષ અને ૫ વર્ષ) મૂકો છો, તો દર વર્ષે તમારી એક FD પાકશે. જો ભવિષ્યમાં વ્યાજ દરો વધે છે, તો તમે પાકેલી રકમને નવા ઊંચા વ્યાજદરે પુનઃરોકાણ (Reinvest) કરી શકો છો.
૩. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ (DICGC) નો શ્રેષ્ઠ ઉપયોગ:
રિઝર્વ બેંકની સબસિડિયરી DICGC ના નિયમો અનુસાર, એક બેંકમાં પ્રતિ ડિપોઝિટર માત્ર ₹૫ લાખ સુધીની રકમ (મૂળ રકમ + વ્યાજ) જ વીમાકૃત હોય છે. જો તમે ₹૫ લાખની મોટી FD એક જ બેંકમાં મૂકો છો, તો વ્યાજ ઉમેરાતા તે રકમ ₹૫ લાખને વટાવી જાય છે. પરંતુ જો તમે ₹૧ લાખની અલગ-અલગ FD ને બે કે ત્રણ અલગ-અલગ બેંકોમાં વહેંચી દો છો, તો તમારી સમગ્ર રકમ સંપૂર્ણપણે સરકારી વીમા હેઠળ સુરક્ષિત રહે છે.

તમારા માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે?
જો તમારી પાસે પૂરતું ઇમર્જન્સી ફંડ છે અને તમને નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર પડવાની કોઈ શક્યતા નથી, તો સિંગલ FD પસંદ કરી શકાય છે. પરંતુ જો તમે તમારા રોકાણમાં લવચિકતા, સુરક્ષા અને સમયસર નાણાં પાછા મેળવવાની સ્વતંત્રતા ઈચ્છતા હોવ, તો ₹૫ લાખને ₹૧ લાખની પાંચ અલગ-અલગ FD માં વહેંચવી એ જ સૌથી સ્માર્ટ અને નફાકારક નાણાકીય નિર્ણય સાબિત થાય છે.