પૂરની હોનારત વચ્ચે વલસાડની ઉપેક્ષા: જગદીશ વિશ્વકર્મા વાપી-પારડી ગયા, પણ વલસાડ શહેર-તાલુકો કેમ ભુલાયો?

3 Min Read

શું વલસાડ શહેરની પ્રજા કનુભાઈ દેસાઈ માટે ગૌણ બની? પૂરગ્રસ્તોની અવગણના પર ઉઠ્યા ગંભીર સવાલો!

વલસાડ: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરના કારણે ભારે તારાજી સર્જાઈ છે. વલસાડ જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર થતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આવી વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોની વહારે આવવા અને સ્થિતિનો તાગ મેળવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. જોકે, આ પ્રવાસ બાદ જિલ્લાના રાજકારણમાં અને સ્થાનિક પ્રજામાં અનેક સવાલો અને અસંતોષની લાગણી જન્મી છે.

વાપી અને પારડીમાં હાજરી, પણ પૂરથી બેહાલ વલસાડ શહેર કેમ અછૂત?

જગદીશ વિશ્વકર્માએ રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના વિસ્તારો એવા વાપી અને પારડી તાલુકાની મુલાકાત લઈને પૂર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે, પૂરની સૌથી વધુ અસર વેઠનારા વલસાડ શહેર અને વલસાડ તાલુકાની મુલાકાત લેવાનું તેમણે ટાળ્યું હોય તેમ લાગી રહ્યું છે. નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ જ્યાં દોરી ગયા ત્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ ગયા, પરંતુ વલસાડ શહેર અને તાલુકા તરફ જવાનો સમય કેમ ન મળ્યો? શું રાજ્યના મહત્વના નેતાઓ માટે વલસાડ તાલુકાની પ્રજા અને ખેડૂતોની વેદના ગૌણ બની ગઈ છે?

- Advertisement -

વલસાડના કયા વિસ્તારોમાં સર્જાઈ છે તારાજી?

પૂરના કારણે વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અબજો રૂપિયાનું નુકસાન થયું છે:

શહેરી વિસ્તારો: છીપવાડ, દાણાબજાર, હનુમાન ભાંગડા, બારૂડિયાવાડ, તરીયાવાડ અને કાશ્મીર નગર જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં વેપારીઓ અને રહીશોના ઘરોમાં ભારે નુકસાન થયું છે.

- Advertisement -

ગ્રામ્ય વિસ્તારો: લીલાપોર, બરેલી અને દાંતી જેવા વલસાડ તાલુકાના અનેક ગામો પૂરના પાણીથી પ્રભાવિત થયા છે.

ખેડૂતો અને ઝીંગા ઉછેરકોને ફટકો: દાંતી જેવા દરિયાકાંઠાના ગામોમાં કરોડો રૂપિયાના ઝીંગાના તળાવો (Aquaculture) પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે. આ સાથે જ સ્થાનિક ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સામે ઉઠતા સવાલો

જિલ્લાના એકમાત્ર કેબિનેટ મંત્રી અને રાજ્યના નાણાં મંત્રી તરીકે કનુભાઈ દેસાઈ સમગ્ર વલસાડ જિલ્લાના પ્રતિનિધિ છે. તેમ છતાં, પૂર હોનારત બાદ તેમણે પણ વલસાડ શહેર અને તાલુકાના આ અસરગ્રસ્ત વિસ્તારોની વિઝિટ ન લેતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

- Advertisement -

સ્થાનિકોના મનમાં ઉઠતા મુખ્ય સવાલો:

શું નેતાઓનું ધ્યાન માત્ર ચોક્કસ રાજકીય વિસ્તારો પૂરતું જ મર્યાદિત છે?

જ્યારે વલસાડ શહેર અને દાંતી જેવા ગામો આર્થિક રીતે ભાંગી પડ્યા છે, ત્યારે જિલ્લાના વાલી કે મંત્રી ત્યાં કેમ ન પહોંચ્યા?

નેતાઓની આ મુલાકાતમાં વલસાડ શહેર અને તાલુકાની ખુલ્લેઆમ અવગણના થઈ હોવાનું કેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે?

જનતાની માંગ: ભેદભાવ વગર મદદ અને તાત્કાલિક રાહત

રાજકીય નેતાઓ અને વહીવટી તંત્ર મુલાકાતોમાં ભલે પસંદગી કરે, પરંતુ પૂરની હોનારત કોઈ વિસ્તાર જોઈને આવતી નથી. વલસાડ શહેરના વેપારીઓ, ગરીબ પરિવાર અને દાંતીના ઝીંગા ઉછેરક ખેડૂતો આજે સરકાર પાસે આશા રાખીને બેઠા છે. સ્થાનિક પ્રજાની માંગ છે કે રાજકીય ગણતરીઓ બાજુ પર મૂકીને સમગ્ર વલસાડ તાલુકા અને શહેરના પૂરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે યોગ્ય વળતર અને રાહત પૂરી પાડવામાં આવે.

Share This Article