UN જિનેવા કાર્યાલયમાં ભારતની અનોખી ભેટ: 45 વર્ષ પછી ફરી કેમ મોકલવામાં આવ્યા પાંચ રાષ્ટ્રીય પક્ષી મૂર?
રાજદ્વારી સંબંધો માત્ર ઔપચારિક વાટાઘાટો કે કરારો સુધી સીમિત નથી હોતા, પરંતુ તે સંસ્કૃતિ, પર્યાવરણ અને લાગણીઓના આદાન-પ્રદાનથી વધુ મજબૂત બને છે. આવો જ એક રોચક અને ઐતિહાસિક પ્રસંગ સ્વિટ્ઝર્લેન્ડના જિનેવા ખાતે આવેલા સંયુક્ત રાષ્ટ્ર (UN) કાર્યાલયમાં જોવા મળ્યો. ભારતે પૂરા 45 વર્ષના લાંબા અંતરાલ બાદ જિનેવા સ્થિત સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયને પાંચ સુંદર મોર ભેટમાં આપ્યા છે.
આ ખાસ ભેટમાં ચાર પરંપરાગત વાદળી રંગના મોર અને એક દુર્લભ સફેદ રંગનો મોર સામેલ છે. ખાસ વાત એ છે કે આ પાંચેય નર મોર છે. ભારત માટે મોર માત્ર એક પક્ષી નથી, પરંતુ દેશનું રાષ્ટ્રીય પક્ષી હોવાની સાથે સાથે તે ભારતીય સંસ્કૃતિમાં સુંદરતા, ગૌરવ અને દયાનું પ્રતિક માનવામાં આવે છે.
ખાસ કાર્યક્રમમાં ભેટનું હસ્તાંતરણ
શુક્રવારે જિનેવા ખાતે યોજાયેલા એક ખાસ રાજદ્વારી સમારોહ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત અરિંદમ બાગચીએ આ પાંચેય મોર સંયુક્ત રાષ્ટ્ર જિનેવા (UNOG) ના મહાનિર્દેશક તાતિયાના વાલોવાયાને સત્તાવાર રીતે સોંપ્યા હતા.
આ પ્રસંગે ભારતીય મિશને પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, આ ભેટ ભારત અને સંયુક્ત રાષ્ટ્ર વચ્ચેના દાયકાઓ જૂના મજબૂત અને ગાઢ સંબંધોની યાદ અપાવે છે. સાથે જ આ વૈશ્વિક પ્લેટફોર્મ પર બહુપક્ષીય વ્યવસ્થા, શાંતિ અને વિભિન્ન દેશો વચ્ચે પરસ્પર સહયોગ પ્રત્યેની ભારતની અવિરત કટિબદ્ધતાને પણ વ્યક્ત કરે છે.
UN પરિસર અને મોરનો ઐતિહાસિક સંબંધ: 1951ની રોચક ઘટના
જિનેવામાં આવેલા સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયના વિશાળ અને સુંદર પરિસર સાથે મોરનો સંબંધ કંઈ નવો નથી, પરંતુ તેનો ઇતિહાસ લગભગ એક સદી જૂનો છે. આજે જ્યાં સંયુક્ત રાષ્ટ્રનું જિનેવા કાર્યાલય આવેલું છે, તે જમીન અગાઉ સ્વિટ્ઝર્લેન્ડના જાણીતા કળા સંગ્રાહક ગુસ્તાવો રેવિલિયોડની ખાનગી સંપત્તિ હતી. તેઓ પોતાના બગીચામાં મોર પાળવાના શોખીન હતા, તેથી ત્યાં છેલ્લા 100 વર્ષથી પણ વધુ સમયથી મોર વસવાટ કરતા આવ્યા છે.
આ ઇતિહાસ સાથે જોડાયેલો એક રસપ્રદ કિસ્સો વર્ષ 1951નો છે. તે સમયે એક સ્વિસ અખબારે UN પરિસરમાં રહેતા એકમાત્ર મોર વિશે એક વિશેષ અહેવાલ છાપ્યો હતો. તે મોરનું નામ ‘પિયરે’ રાખવામાં આવ્યું હતું. અખબારે ખૂબ જ ભાવુક થઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, “શું આ એકલા અટૂલા પિયરેને ક્યારેય કોઈ સાથી કે તેની જગા લેનારું બીજું મોર મળશે?” આ અહેવાલે તે સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
સોવિયેત ડેલિગેશન અને પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનું યોગદાન
આ જ પરિસરમાં 1954માં બનેલી બીજી એક યાદગાર ઘટનાએ મીડિયાનું ભારે ધ્યાન ખેંચ્યું હતું. તે સમયે એક મોર અચાનક સોવિયેત સંઘ (USSR) ના પ્રતિનિધિમંડળની કાર પર જઈને બેસી ગયો હતો. પરિસરમાં હાજર ફોટોગ્રાફરોએ આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી હતી અને આ તસવીરો તે સમયે વિશ્વભરના અખબારોમાં ખૂબ ચર્ચાઈ હતી.
ત્યારબાદ, ૧૯૮૧ માં, ભારતના તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ યુએન પરિસરમાં મોરની ઘટતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું. તેમણે દિલ્હી પ્રાણી સંગ્રહાલયમાંથી ભારતીય મોરની એક ખાસ સંવર્ધન જોડી ભેટ તરીકે જીનીવા કાર્યાલયમાં મોકલી. તે ઘટનાના બરાબર ૪૫ વર્ષ પછી, ભારતે ફરી એકવાર આ પરંપરાને પુનર્જીવિત કરી છે.
🦚🇮🇳 A vibrant symbol of India’s commitment to multilateralism! 🦚🇮🇳
Adding to @UNGeneva‘s biodiversity, PR @abagchimea, on behalf of 🇮🇳, presented five Indian Peacocks 🦚 (Pavo cristatus), the National Bird of India, in UN colours to DG @UN_Valovaya.
The symbolic gift… pic.twitter.com/B7GG100kGp
— India at UN, Geneva (@IndiaUNGeneva) August 7, 2026
નવા મોર માટે વિશેષ વ્યવસ્થા અને સંભાળ
શુક્રવારના આ ખાસ કાર્યક્રમ પહેલાં UNOG ના વિશાળ ‘એરિયાના પાર્ક’ (Ariana Park) માં માત્ર એક જ મોર બચ્યો હતો, જે પણ ભાગ્યે જ લોકોને જોવા મળતો હતો. પાંચ નવા મોરના આવવાથી હવે આ પરિસરમાં ફરીથી મોરનો કલરવ સંભળાશે.
UNOG ના મહાનિર્દેશક તાતિયાના વાલોવાયાએ જણાવ્યું કે, નવા આવેલા પાંચેય મોર માટે પરિસરમાં એક સુરક્ષિત અને અસ્થાયી આશય સ્થાન (Temporary Home) બનાવવામાં આવ્યું છે. આગામી ત્રણ મહિના સુધી આ મોર આ સુરક્ષિત વાતાવરણમાં રહેશે જેથી તેઓ સ્થાનિક આબોહવા અને વાતાવરણ સાથે અનુકૂળ થઈ શકે. ત્યારબાદ તેમને એરિયાના પાર્કના ખુલ્લા વાતાવરણમાં મુક્તપણે વિચરવા માટે છોડી દેવામાં આવશે.
આ પક્ષીઓની ખાસ દેખભાળ માટે ડૉ. ટોબિયાસ બ્લાહાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ એક તાલીમબદ્ધ પશુ ચિકિત્સક (Veterinarian) છે અને સ્વિટ્ઝર્લેન્ડના પ્રખ્યાત ‘જિનેવા બાયોપાર્ક’ના નિયામક છે.

પર્યાવરણ સુરક્ષાનો સંદેશ અને નામકરણ સ્પર્ધા
સમારોહ દરમિયાન આ પાંચેય મોર અત્યંત શાંત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ભારતે આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય મોર એ માત્ર સુંદરતાનું જ નહીં પરંતુ ગૌરવ, સહનશીલતા અને મજબૂતીનું પ્રતિક છે. આ ભેટ દ્વારા ભારતે જૈવ વિવિધતા (Biodiversity) અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પોતાની વૈશ્વિક પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે.
સંયુક્ત રાષ્ટ્ર જિનેવા કાર્યાલય (UNOG) એ જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં જ આ પાંચેય નવા મોરોના સુંદર નામ રાખવા માટે એક વિશેષ નામકરણ સ્પર્ધા (Naming Competition) નું આયોજન કરશે, જેમાં UN ના કર્મચારીઓ અને સ્થાનિક લોકો ભાગ લઈ શકશે.
