તમિલનાડુ રાજકારણમાં મોટો ઉથલપાથલ: નીટ (NEET) વિરોધી પ્રસ્તાવ બાદ હવે લોકસભા સીટો 543 પર સીમિત રાખવા અને મહિલા અનામત માટે મુખ્યમંત્રી વિજય લ લાવશે પ્રસ્તાવ
તમિલનાડુના રાજકારણમાં અને દક્ષિણ ભારતના રાજકીય વર્તુળોમાં અત્યારે એક નવો ગરમાવો જોવા મળી રહ્યો છે. તમિલનાડુ વિધાનસભામાં નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) વિરુદ્ધ સફળતાપૂર્વક પ્રસ્તાવ પસાર કર્યા બાદ, તમિલગા વેટ્રી કઝગમ (TVK) ના વડા અને રાજ્યના મુખ્યમંત્રી સીએમ જોસેફ વિજય હવે કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સીટ સીમાંકન (Delimitation) ની નીતિ સામે મોરચો માંડવાની તૈયારી કરી રહ્યા છે.
વિધાનસભામાં રજૂ થનારા આ નવા પ્રસ્તાવમાં દેશમાં લોકસભા સીટોની કુલ સંખ્યા 543 પર જ સીમિત રાખવાની અને તેની સાથે જ મંજૂર થયેલા 33 ટકા મહિલા અનામતને તાત્કાલિક ધોરણે અમલમાં મૂકવાની માંગણી કરવામાં આવી છે. આ નિર્ણયથી દક્ષિણ ભારતના રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સંઘીય માળખા (Federal Structure) અને પ્રતિનિધિત્વને લઈને ફરી એકવાર ઉગ્ર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
લોકસભા અને રાજ્યસભાની ક્ષમતા 543 પર ફ્રીઝ કરવાની માંગ
આ પ્રસ્તાવનો મુખ્ય મુદ્દો લોકસભા અને રાજ્યસભાના સભ્યો વચ્ચેનું ગુણોત્તર (Ratio) 2.2 : 1 જાળવી રાખવાનો છે. મુખ્યમંત્રી વિજયના નેતૃત્વ હેઠળની સરકારનો આગ્રહ છે કે દેશમાં લોકસભાની કુલ બેઠકો 543 ની વર્તમાન સંખ્યા પર જ સ્થિર રાખવામાં આવે.
કેન્દ્ર સરકાર દ્વારા સીમાંકન પ્રક્રિયા હેઠળ સંસદના સભ્યોની સંખ્યા વધારીને 850 સુધી લઈ જવાની અટકળો અને બંધારણીય સુધારા બિલના પ્રસ્તાવોની ચર્ચા વચ્ચે, તમિલનાડુ સરકારનું માનવું છે કે કોઈપણ કિંમતે સીટો વધારવાને બદલે જૂની સંખ્યા જ જાળવી રાખવી જોઈએ.
જો સીમાંકન કરવું જ પડે, તો તે વર્ષ 2011 ની વસ્તી ગણતરીના આધારે થવું જોઈએ અથવા બંધારણીય સુધારો લાવીને તમામ રાજ્યોનું વર્તમાન પ્રતિનિધિત્વ સુરક્ષિત રાખવું જોઈએ. જો માત્ર વસ્તીના આધારે સંસદીય બેઠકોની સંખ્યામાં ફેરફાર કરવામાં આવશે, તો તમિલનાડુ સહિત સમગ્ર દક્ષિણ ભારતના રાજ્યો સાથે રાજકીય અન્યાય થશે.

33 ટકા મહિલા અનામત તાત્કાલિક અમલી બનાવવાની તાકીદ
પ્રસ્તાવનો બીજો મહત્ત્વનો ભાગ મહિલા સશક્તિકરણ સાથે જોડાયેલો છે. તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા મહિલા અનામત બિલ મુજબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત નક્કી કરવામાં આવી છે. જોકે, કેન્દ્ર સરકારની યોજના મુજબ આ અનામત ભવિષ્યમાં થનારા વસ્તી ગણતરી અને સીમાંકન બાદ જ અમલમાં આવવાની છે.
મુખ્યમંત્રી વિજયના પ્રસ્તાવમાં સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે મહિલા અનામતના અમલને ભવિષ્યના સીમાંકન સાથે સાંકળવાને બદલે તેને હાલની 543 લોકસભા બેઠકો પર જ તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવો જોઈએ. તમિલનાડુ સરકારનું કહેવું છે કે જો મહિલાઓને દેશના નિર્ણય લેવાની પ્રક્રિયામાં ભાગીદાર બનાવવી હોય તો આ કામમાં વધુ વિલંબ કરવો યોગ્ય નથી.
50 વર્ષથી વસ્તી નિયંત્રણનું પાલન કરનારા રાજ્યોને ‘દંડ’ કેમ?
આ પ્રસ્તાવ પાછળ તમિલનાડુ સરકારની સૌથી મજબૂત અને વાજબી દલીલ વસ્તી નિયંત્રણ અને વિકાસના સૂચકાંકો પર આધારિત છે. છેલ્લા 50 કરતાં પણ વધુ વર્ષોથી કેન્દ્ર સરકારની નીતિઓ અને રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને તમિલનાડુ અને અન્ય દક્ષિણી રાજ્યોએ સફળતાપૂર્વક વસ્તી નિયંત્રણના કાર્યક્રમો અમલમાં મૂક્યા છે.
વર્ષ 1971 ની વસ્તી ગણતરીના આધારે જ અત્યાર સુધી લોકસભાની બેઠકોની વહેંચણી જાળવી રાખવામાં આવી છે. પરંતુ જો હવે નવી વસ્તી ગણતરીના આધારે સીટોની ફાળવણી ફરીથી કરવામાં આવે, તો જે રાજ્યોમાં વસ્તી ઝડપથી વધી છે (જેમ કે ઉત્તર ભારતના કેટલાક રાજ્યો) તેમને વધુ લોકસભા સીટો મળશે.
બીજી તરફ, જે રાજ્યોએ વસ્તી પર કાબૂ મેળવ્યો છે, તેમની સંસદીય બેઠકોની ટકાવારી અને રાજકીય પ્રભાવ ઘટી જશે. તમિલનાડુ સરકાર આ બાબતને પોતાના માટે મોટો અન્યાય ગણાવી રહી છે અને દાવો કરે છે કે દેશના કલ્યાણ માટે વસ્તી નિયંત્રણ કરનારા રાજ્યોને રાજકીય રીતે નુકસાન પહોંચાડવું એ લોકશાહીના મૂલ્યોથી વિપરીત છે.
NEET અને FCRA બિલ સામે તમિલનાડુ વિધાનસભાનો આકરો વિરોધ
આ સીમાંકન પ્રસ્તાવ પહેલાં જ તમિલનાડુ વિધાનસભામાં બે અત્યંત મહત્ત્વના પ્રસ્તાવો ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી કે.જી. અરુણરાજ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં દેશભરમાં મેડિકલ પ્રવેશ માટે લેવાતી NEET પરીક્ષા સિસ્ટમને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ કરવામાં આવી છે.
વિધાનસભામાં દલીલ કરવામાં આવી હતી કે NEET પરીક્ષા સામાજિક ન્યાય, સમાનતા અને રાજ્યોના અધિકારો પર પ્રહાર કરે છે. એક જ દિવસની પરીક્ષાના આધારે વિદ્યાર્થીઓના 12 વર્ષના અભ્યાસનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી.

આ સિસ્ટમને કારણે ખાનગી કોચિંગ સેન્ટરોનું મોટું માળખું ઊભું થયું છે જે લાખો રૂપિયાની ફી વસૂલે છે, જેના કારણે ગ્રામીણ, ગરીબ અને વંચિત વર્ગના વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાના પોતાના સપનાથી દૂર થઈ રહ્યા છે.
વિધાનસભાએ એવી પણ માંગ કરી હતી કે મેડિકલ પ્રવેશ પ્રક્રિયામાં ધોરણ 12 ના બોર્ડના ગુણના આધારે પ્રવેશ આપવાની જૂની પદ્ધતિ પુનઃસ્થાપિત થવી જોઈએ. આ ઉપરાંત, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) સુધારા બિલ સામે પણ વિધાનસભામાં પ્રસ્તાવ પસાર કરીને તેનો સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
રાજકીય ચિત્ર અને વિપક્ષનો વોકઆઉટ
તમિલનાડુ વિધાનસભામાં NEET અને FCRA મુદ્દે રજૂ થયેલા પ્રસ્તાવોને શાસક પક્ષ TVK ઉપરાંત કોંગ્રેસ, મુખ્ય વિરોધ પક્ષ DMK અને AIADMK સહિત મોટાભાગના પ્રાદેશિક પક્ષોનું સમર્થન મળ્યું હતું. તમામ પક્ષોએ એકસૂરે સ્વીકાર્યું હતું કે રાજ્યના અધિકારો અને સામાજિક ન્યાયની રક્ષા માટે આ પગલું જરૂરી છે.
જોકે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ આ પ્રસ્તાવોનો સખત વિરોધ કર્યો હતો. ભાજપના ધારાસભ્યએ ગૃહમાં દલીલ કરી હતી કે રાષ્ટ્રીય ધોરણો અને પારદર્શિતા માટે NEET જરૂરી છે અને ત્યારબાદ તેમણે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.