રશિયા-યુક્રેન વચ્ચેના અબજો ડોલરના વિવાદનો ઉકેલ લાવશે પૂર્વ CJI ડી.વાય. ચંદ્રચૂડ: પુતિન સરકારે સોંપી મોટી જવાબદારી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષ અને રાજકીય તણાવ વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કાનૂની સમાચાર સામે આવ્યા છે. રશિયાએ ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય. ચંદ્રચૂડને એક હાઈ-પ્રોફાઈલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી વિવાદમાં પોતાના પંચ (Arbitrator) તરીકે નિયુક્ત કર્યા છે. આ વિવાદ યુક્રેનની સરકારી માલિકીની મોટી બેંક ‘ઓશચાડબેંક’ (Oschadbank) દ્વારા રશિયા સામે દાખલ કરવામાં આવ્યો છે. ‘ગ્લોબલ આર્બિટ્રેશન રિવ્યુ’ ના અહેવાલમાં આ મોટી માહિતી જાહેર કરવામાં આવી છે.
આ વિવાદની સુનાવણી ૧૯૯૮માં રશિયા અને યુક્રેન વચ્ચે થયેલી દ્વિપક્ષીય રોકાણ સંધિ (Bilateral Investment Treaty) હેઠળ રચાયેલી ત્રણ સભ્યોની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ દ્વારા કરવામાં આવી રહી છે. ગ્લોબલ કાનૂની વર્તુળોમાં ભારતના પૂર્વ સીજેઆઈની આ નિયુક્તિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
કોણ કોનું પ્રતિનિધિત્વ કરશે? ટ્રિબ્યુનલની રચના
આ આંતરરાષ્ટ્રીય વિવાદના ઉકેલ માટે બનાવવામાં આવેલી ત્રણ સભ્યોની ટ્રિબ્યુનલમાં વૈશ્વિક કક્ષાના કાનૂની નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે:
ટ્રિબ્યુનલના અધ્યક્ષ: કોસ્ટા રિકાના પૂર્વ વેપાર મંત્રી અને અનુભવી મધ્યસ્થ ડિયાલા જિમેનેજ (Diala Jimenez) ને બંને દેશોની સંમતિથી સંયુક્ત રીતે ટ્રિબ્યુનલના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
યુક્રેન (ઓશચાડબેંક) ના મધ્યસ્થ: નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરના પ્રોફેસર અને ગ્રીક મધ્યસ્થ સ્ટેવરોસ બ્રેકોલાકીસ (Stavros Brekoulakis) ને ઓશચાડબેંક દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે.
રશિયાના મધ્યસ્થ: રશિયાએ પોતાના પક્ષ રજૂ કરવા અને મધ્યસ્થતા માટે ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

યુક્રેનના ચાર પ્રદેશોની સંપત્તિ અને કરોડો ડોલરનો દાવો
આ કાનૂની લડાઈનો મુખ્ય મુદ્દો ૨૦૨૨માં રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા આક્રમણ બાદ સરહદી વિસ્તારોમાં થયેલા નુકસાન સાથે જોડાયેલો છે. યુક્રેનની સરકારી બેંક ‘ઓશચાડબેંક’ નો દાવો છે કે ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ખેરસોન અને ઝાપોરિઝિયા પ્રદેશોમાં આવેલી તેની અબજો ડોલરની સંપત્તિઓ અને બેંકિંગ કામગીરી રશિયન સૈન્ય કાર્યવાહીના કારણે નાશ પામી છે અથવા તેના પર ગેરકાયદેસર કબ્જો કરી લેવામાં આવ્યો છે.
‘બાર એન્ડ બેન્ચ’ ના અહેવાલ મુજબ, ઓશચાડબેંકે જુલાઈ ૨૦૨૫માં રશિયાને આ વિવાદ અંગે ઔપચારિક નોટિસ મોકલી હતી. પરંતુ રશિયા તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા બેંકે ૧૯૯૮ની પ્રોત્સાહન અને પરસ્પર રોકાણ સંરક્ષણ સમજૂતી હેઠળ આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન પ્રક્રિયા શરૂ કરી હતી. આ દાવો કરોડો (અબજો) ડોલરનો હોવાનું માનવામાં આવે છે.
ક્રિમિયા સાથે જોડાયેલા જૂના કેસથી અલગ છે આ વિવાદ
અહીં નોંધનીય છે કે ઓશચાડબેંક અને રશિયા વચ્ચેનો આ નવો કેસ ૨૦૧૪ના ક્રિમિયા વિવાદથી સંપૂર્ણપણે અલગ છે. ૨૦૧૪માં રશિયાએ જ્યારે ક્રિમિયા પર કબજો કર્યો હતો, ત્યારે પણ ઓશચાડબેંકની સંપત્તિઓને નુકસાન થયું હતું.
તે જૂના કેસમાં ‘પરમાનેન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશન’ (PCA) હેઠળ ગઠિત ટ્રિબ્યુનલે રશિયાને ગેરકાયદેસર અધિગ્રહણ માટે દોષિત ઠેરવ્યું હતું અને બેંકને વ્યાજ તથા કાનૂની ખર્ચ સાથે આશરે ૧.૧ અબજ ડોલરનું વળતર ચૂકવવાનો રશિયાને આદેશ આપ્યો હતો. જોકે, રશિયાએ તે કાર્યવાહીમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો, છતાં ટ્રિબ્યુનલે નિયમો અનુસાર પોતાનો ચુકાદો આપ્યો હતો. પરંતુ આ વખતે રશિયાએ જસ્ટિસ ચંદ્રચૂડને પોતાના આર્બિટ્રેટર બનાવીને પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવાનો સંકેત આપ્યો છે.
જસ્ટિસ ચંદ્રચૂડના વલણમાં મોટો ફેરફાર
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની આ નિયુક્તિ એટલા માટે પણ ચર્ચામાં છે કારણ કે ભૂતકાળમાં તેમણે રશિયા તરફથી મળેલા આવા પ્રસ્તાવોને ફગાવી દીધા હતા. અગાઉ જર્મન એનર્જી કંપની વિન્ટરશોલ (Wintershall Dea) અને યુક્રેનની સરકારી ઉર્જા કંપની ઉક્રેનર્ગો સાથેના વિવાદોમાં રશિયાએ જસ્ટિસ ચંદ્રચૂડને મધ્યસ્થ બનવા ઓફર કરી હતી, જે તેમણે સ્વીકારી નહોતી.
જસ્ટિસ ચંદ્રચૂડને પીસીએ દ્વારા વિન્ટરશોલ પ્રક્રિયામાં નિમણૂક સત્તાધિકારી તરીકે પણ નામાંકિત કરવામાં આવ્યા હતા, પરંતુ રશિયા સાથેના સંપર્કનો ખુલાસો કરીને તેઓ તે ભૂમિકામાંથી હટી ગયા હતા. પરંતુ હવે ઓશચાડબેંક કેસમાં રશિયાના આર્બિટ્રેટર તરીકે જોડાવું એ તેમના અગાઉના સ્ટેન્ડમાં એક મોટો અને મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે.
બંને પક્ષોની તગડી લીગલ ટીમ
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં વિશ્વની સર્વશ્રેષ્ઠ કાનૂની ટીમો સામસામે છે:
ઓશચાડબેંક તરફથી: આંતરરાષ્ટ્રીય લો ફર્મ ‘ક્વિન એમાસ્યુઅલ અર્કુહાર્ટ એન્ડ સુલિવાન’ ના પાર્ટનર એપામિનોન્ટાસ ટ્રાયન્ટફિલો અને એલેક્સ ગર્બી તેમજ ‘એસ્ટર્સ’ લો ફર્મના પાર્ટનર્સ ઓલેક્સી ડિડકોવસ્કી, એન્દ્રી પોઝિદાહેવ અને ઓક્સાના લેગા કેસ લડી રહ્યા છે.
રશિયા તરફથી: ‘પિન્ના ગોલ્ડબર્ગ’ ના પાર્ટનર એન્ડ્રિયા પિન્ના, વકીલ પ્રત્યુષ પંજવાની અને સીનિયર એસોસિએટ ડિમિત્રિયોસ પાપાજ્યોર્જિઓ રશિયન સરકારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારી રોકાણો અને સંપત્તિઓને જે જંગી નુકસાન થયું છે, તેના ઉકેલ માટે આ કેસ એક મોટો નમૂનો (Precedent) સાબિત થશે. ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ પર રશિયાએ બતાવેલો આ વિશ્વાસ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ન્યાયિક પ્રણાલી અને ન્યાયાધીશોની વિશ્વસનીયતા પણ છતી કરે છે.
