પાકિસ્તાનમાં મોટો સત્તાપલટો: હવે પરમાણુ હથિયારો પર સેના પ્રમુખ આસિમ મુનીરનો સીધો કન્ટ્રોલ, કેબિનેટે નવા કાયદાને આપી મંજૂરી
પાકિસ્તાનની રાજકીય અને લશ્કરી વ્યવસ્થામાં એક અત્યંત ચોંકાવનારો અને ચિંતાજનક વળાંક આવ્યો છે. પાકિસ્તાનની શહબાઝ શરીફ સરકારે ૨ નવા કાયદા પાસ કર્યા છે, જે દેશની સૈન્ય અને પરમાણુ કમાન (Nuclear Command) ના માળખાને મૂળમાંથી બદલી નાખશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, આ બંને નવા વિધેયકોને ટૂંક સમયમાં જ પાકિસ્તાની સંસદમાં રજૂ કરીને પસાર કરવામાં આવશે.
આ નવા કાયદાઓ લાગુ થયા બાદ, પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાનો અને તેને એક્ટિવેટ કરવાનો સીધો અને આખરી અધિકાર ફિલ્ડ માર્શલ આસિમ મુનીરના હાથમાં જતો રહેશે. અત્યાર સુધી જે સત્તા ચૂંટાયેલી નાગરિક સરકાર એટલે કે વડાપ્રધાન પાસે હતી, તે હવે સંપૂર્ણપણે સેનાના વડા પાસે ટ્રાન્સફર થઈ જશે.
જૂની વ્યવસ્થા વિરૂદ્ધ નવી સિસ્ટમ: વડાપ્રધાન બન્યા માત્ર ‘માર્ગદર્શક’
અહેવાલ મુજબ, અગાઉ પાકિસ્તાનમાં પરમાણુ હથિયારો ક્યારે, ક્યાં અને કેવી રીતે વાપરવા તે અંગેનો નિર્ણય લેવાની સત્તા નેશનલ કમાન્ડ ઓથોરિટી (NCA) પાસે હતી. આ ઓથોરિટીના અધ્યક્ષ દેશના વડાપ્રધાન હતા, જ્યારે સેના પ્રમુખ (આર્મી ચીફ) માત્ર આ કમિટીના એક સભ્ય તરીકે સામેલ રહેતા હતા.

પરંતુ, નવા સુધારા બાદ આખી સિસ્ટમ બદલાઈ ગઈ છે:
વડાપ્રધાનની ભૂમિકા મર્યાદિત: હવે નેશનલ કમાન્ડ ઓથોરિટી માત્ર એક ‘માર્ગદર્શક મંડળ’ (Advisory Board) તરીકે કામ કરશે, એટલે કે તેની પાસે આખરી નિર્ણય લેવાની સત્તા રહેશે નહીં.
આસિમ મુનીર આખરી નિર્ણાયક: ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પાસે પરમાણુ હથિયારોના ઉપયોગ સંબંધિત નિર્ણય લેવાનો સીધો અને એકહથ્થુ અધિકાર રહેશે.
નેશનલ સ્ટ્રેટજિક કમાન્ડની રચના: આસિમ મુનીરના નિર્ણયોને જમીની સ્તરે લાગુ કરવા માટે ‘નેશનલ સ્ટ્રેટજિક કમાન્ડ’ ની ખાસ જાહેરાત કરવામાં આવી છે. આ કમાન્ડના પ્રમુખ તરીકે આસિમ મુનીરના અત્યંત નજીકના માનવામાં આવતા આમેર રઝાની નિમણૂક કરવામાં આવી છે.
પાકિસ્તાન પાસે કેટલા પરમાણુ હથિયાર છે?
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે આ સમયે અંદાજે ૧૭૦ પરમાણુ હથિયારો (Nuclear Warheads) નો વિશાળ જથ્થો છે. પાકિસ્તાન સમગ્ર વિશ્વનો એકમાત્ર એવો મુસ્લિમ દેશ છે જે પરમાણુ શક્તિ ધરાવે છે.
પરમાણુ કમાનનો ઇતિહાસ:
ફેબ્રુઆરી ૨૦૦૦: પાકિસ્તાને પરમાણુ શસ્ત્રોની દેખરેખ અને સંચાલન માટે પહેલીવાર ‘નેશનલ કમાન્ડ ઓથોરિટી’ (NCA) ની રચના કરી હતી. તે સમયે દેશના રાષ્ટ્રપતિ તેના પ્રમુખ હતા.
વર્ષ ૨૦૦૯: તત્કાલીન રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ બંધારણીય સુધારો કરીને NCA ની કમાન રાષ્ટ્રપતિ પાસેથી લઈને વડાપ્રધાનને સોંપી દીધી હતી.
વર્ષ ૨૦૨૬ સુધી: ૨૦૦૯થી લઈને અત્યાર સુધી વડાપ્રધાન જ NCA ના વડા રહ્યા અને સેનાની ભૂમિકા સલાહકાર તરીકેની હતી. પરંતુ આ નવા કાયદાએ સેના પ્રમુખને દેશના સૌથી શક્તિશાળી નિર્ણાયક બનાવી દીધા છે.
આ નવો ફેરફાર વિશ્વ અને દક્ષિણ એશિયા માટે શા માટે અત્યંત ખતરનાક છે?
નિષ્ણાતોના મતે, પરમાણુ બટનનો સીધો કન્ટ્રોલ સેનાના હાથમાં જવો એ માત્ર પાકિસ્તાન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે અત્યંત ભયજનક સંકેત છે. તેના મુખ્ય ૩ કારણો છે:
૧. પાકિસ્તાનનું આંતરિક અને સરહદી સંકટ:
પાકિસ્તાન અત્યારે ચોતરફી સંકટથી ઘેરાયેલું છે. એક તરફ દેશની અંદર બલુચિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા, ગિલગિટ-બાલટિસ્તાન અને પાકિસ્તાન કબ્જા હેઠળના કાશ્મીર (PoK) માં સરકાર અને સેના સામે ખુલ્લો બળવો ચાલી રહ્યો છે. બીજી તરફ, તેના પાડોશી દેશો ભારત અને અફઘાનિસ્તાન સાથેના સંબંધો પણ અત્યંત તણાવપૂર્ણ સ્થિતિમાં છે.
૨. સાઉદી અરેબિયા અને તુર્કી સાથે ‘મક્કા કરાર’:
પાકિસ્તાને તાજેતરમાં જ સાઉદી અરેબિયા અને તુર્કી સાથે એક મહત્વપૂર્ણ સુરક્ષા કરાર કર્યો છે, જેને ‘મક્કા સમજૂતી’ કહેવામાં આવે છે. વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં સાઉદી અરેબિયાનો મુખ્ય વિરોધી ઈરાન છે અને તુર્કીનો વિરોધી ઈઝરાયેલ છે. આ દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધની સ્થિતિ સર્જાઈ શકે તેમ છે.
૩. ન્યુક્લિયર પ્રોટેક્શન અને ગ્લોબલ રિસ્ક:
‘ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટજિક સ્ટડીઝ’ (IISS) ના અગ્રણી એક્સપર્ટ ડો. હસન અલહસનના મતે, તુર્કી અને સાઉદી અરેબિયાએ પાકિસ્તાન સાથે આ કરાર મુખ્યત્વે ‘ન્યુક્લિયર પ્રોટેક્શન’ (પરમાણુ છત્ર) મેળવવા માટે જ કર્યો છે. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનના પરમાણુ હથિયારોનો ઉપયોગ મધ્ય પૂર્વના સંઘર્ષોમાં પણ થઈ શકે છે.

