₹400 ની દવાનો ખર્ચ હવે માત્ર ₹10 માં! જુઓ આ યુવા ખેડૂતનો અદભુત પ્રયોગ
આજના સમયમાં ખેતીમાં સૌથી મોટો પડકાર હોય તો તે છે ‘નિંદામણ’ (બિનજરૂરી ઘાસ). જો ખેડૂત મજૂરો પાસે નિંદામણ કરાવે તો મજૂરીનો ખર્ચ ગગને આંબી જાય છે, અને જો રાસાયણિક નિંદામણનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા ધીમે ધીમે નષ્ટ થવા લાગે છે. આ ધર્મસંકટમાંથી બહાર નીકળવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામના ૩૪ વર્ષીય યુવા ખેડૂત પરેશભાઈ ડુમાણીયાએ પોતાની સૂઝબૂઝથી એક એવો અનોખો દેશી પ્રયોગ કરી બતાવ્યો છે, જેણે આખા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન ખેંચ્યું છે.
૫ દિવસમાં મળ્યું આશ્ચર્યજનક પરિણામ: માત્ર ₹10નો ખર્ચ
સામાન્ય રીતે ખેડૂતો ખેતરના શેઢા-પાળે ઉગેલા નિંદામણ માટે એક પંપ દીઠ આશરે ₹૪૦૦ની રાસાયણિક દવાનો ઉપયોગ કરતા હોય છે. પરેશભાઈએ આ મોંઘી અને જમીનને નુકસાન પહોંચાડતી દવાનો વિકલ્પ પોતાના ઘરમાં જ શોધી કાઢ્યો.
તેમણે ૧૫ લીટર ગૌમૂત્રમાં માત્ર ૧ કિલો સાદું મીઠું મેળવીને એક સ્પ્રે પંપ તૈયાર કર્યો અને નિંદામણ પર છંટકાવ કર્યો. માત્ર ૫ જ દિવસની અંદર આશ્ચર્યજનક રીતે મોટાભાગનું નિંદામણ સુકાઈ ગયું! ગૌમૂત્ર ઘરમાંથી જ મળી રહેતું હોવાથી તેમનો કુલ ખર્ચ માત્ર ₹૧૦ (મીઠાની કિંમત) થયો.

જમીનના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડ્યા વિના કરાયેલા આ સફળ અખતરાથી પ્રભાવિત થઈને સુરેન્દ્રનગર ‘આત્મા’ (ATMA) પ્રોજેક્ટના ડિરેક્ટર ભરત પટેલે તેમના ખેતરની રૂબરૂ મુલાકાત લીધી હતી અને રાજ્યના અન્ય ખેડૂતોને પણ આ સરળ અને બજેટ-ફ્રેન્ડલી પ્રયોગ અપનાવવા સુઝાવ આપ્યો છે.
પ્રાકૃતિક ખેતી તરફનું પગરણ અને ‘મોડેલ ફાર્મ’નો સંકલ્પ
પરેશભાઈના પરિવારમાં જમીન પ્રત્યેનો પ્રેમ વારસામાં મળેલો છે. તેમના પિતાજી પણ કેમિકલયુક્ત ખાતરોનો અતિરેક ટાળતા હતા. પરેશભાઈએ ખેતીનો કાર્યભાળ સંભાળ્યા પછી ગીર ગાયોનું પાલન શરૂ કર્યું, ટપક સિંચાઈ પદ્ધતિ (Drip Irrigation) અપનાવી અને વર્ષ ૨૦૧૬થી પ્રાકૃતિક કૃષિ તરફ આગળ વધ્યા.
વર્ષ ૨૦૧૮-૧૯થી તેમણે પોતાની જમીનમાં કોઈપણ પ્રકારનું કેમિકલ નાખવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું. તેમની પાસે કુલ ૧૩ એકર જમીન છે, જેમાંથી હાલ ૪.૫ એકરમાં તેઓ સંતોષકારક રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. આમાંથી ૨ એકર જમીનમાં તેમણે ખાસ ‘મોડેલ ફાર્મ’ તૈયાર કર્યું છે. તેમનો દ્રઢ સંકલ્પ છે કે આવનારા ૩ થી ૪ વર્ષમાં તેઓ પોતાની તમામ ૧૩ એકર જમીનને સંપૂર્ણ પ્રાકૃતિક કૃષિમાં ફેરવી દેશે.
પાક પરિવર્તન: કપાસ છોડી ગલગોટા વાવ્યા અને થયો લાખોનો નફો
પરેશભાઈની સફળતાનું મોટું રહસ્ય તેમનું ચોક્કસ આયોજન અને ‘ક્રોપ રોટેશન’ (પાક પરિવર્તન) છે. તેઓ ચોમાસા દરમિયાન કપાસ અને તલની સાથે મગ, જ્યારે શિયાળામાં ચણા, જીરું, ધાણા, મેથી, ગલગોટા (ગેલડીયાના ફૂલ) અને વઢવાણના પ્રખ્યાત ‘વઢવાણી મરચાં’નું ઉત્પાદન લે છે.
પરંપરાગત કપાસની ખેતીમાં વીઘે માંડ ૩૦ થી ૩૫ મણનું ઉત્પાદન મળતું હતું. તેની સામે પરેશભાઈએ પ્રયોગાત્મક ધોરણે માત્ર ૧૦ ગુંઠા જમીનમાં ગલગોટાનું વાવેતર કર્યું. પરિણામ સ્વરૂપે તેમને ૧૦૦ મણથી વધુ ફૂલોનું ઉત્પાદન મળ્યું. રોજ સવારે સ્થાનિક માર્કેટમાં તાજા ફૂલો પહોંચાડીને ₹૬૦ પ્રતિ કિલોના સરેરાશ ભાવે તેમણે માત્ર ૧૦ ગુંઠામાંથી જ ₹૧ થી ૧.૨૫ લાખનો ચોખ્ખો નફો મેળવ્યો છે.
‘રેસિડ્યુ ફ્રી’ જીરું: બજાર ભાવ કરતા બમણી કિંમતે વેચાયું
પરેશભાઈએ દોઢ એકર જમીનમાં ગૌમૂત્ર અને છાણના ઉપયોગથી સંપૂર્ણ ‘રેસિડ્યુ ફ્રી’ (રાસાયણિક અવશેષ મુક્ત) જીરું પકવ્યું. તેમણે આણંદ લેબોરેટરીમાંથી આ જીરાનું સર્ટિફિકેશન કરાવ્યું હતું.
જ્યારે બજારમાં સામાન્ય જીરાનો ભાવ ₹૫,૦૦૦ પ્રતિ મણ ચાલી રહ્યો હતો, ત્યારે પરેશભાઈના આ ઓર્ગેનિક અને સર્ટિફાઇડ જીરાની ગુણવત્તા જોઈને ગ્રાહકો ખેતર સુધી ખેંચાઈ આવ્યા. આ જીરું સુરતમાં ₹૮,૫૦૦ અને નાસિક, ઔરંગાબાદ તથા પુણે જેવા શહેરોમાં ₹૧૦,૦૦૦ પ્રતિ મણના અસાધારણ ભાવે વેચાયું હતું.
સંસ્કાર, પ્રકૃતિપ્રેમ અને ધર્મપત્નીનો મજબૂત સાથ
૩૪ વર્ષની નાની વય ધરાવતા પરેશભાઈએ ધોરણ ૭ સુધીનો અભ્યાસ કર્યા બાદ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી પ્રેરિત મુંબઈ જ્ઞાનપીઠ ખાતેથી ૭ વર્ષ સુધી ‘તપોવન પદ્ધતિ’માં શિક્ષણ મેળવ્યું હતું. આ અભ્યાસ દરમિયાન જ તેમનામાં ગૌમાતા, પ્રકૃતિ અને માટી પ્રત્યે ઊંડી આસ્થા અને પ્રેમ જાગ્યા હતા.
જ્યારે તેમના લગ્ન નક્કી થઈ રહ્યા હતા, ત્યારે પણ તેમણે શરત મૂકી હતી કે તેઓ એવી યુવતી સાથે જ લગ્ન કરશે જે તેમને ખેતીકામમાં ખાંધેથી ખાંધા મિલાવીને સાથ આપે. આજે તેમનાં ધર્મપત્ની ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાથી લઈને બીજામૃત અને જીવામૃત જેવા પ્રાકૃતિક ખાતરો જાતે બનાવે છે. તેઓ પરેશભાઈની આ સફળતાના સાચા અર્થમાં અર્ધાંગિની બની રહ્યા છે.
સરકારી પ્રોત્સાહન અને સન્માન
ખેતરમાં પાકને રોગ અને જીવાતથી બચાવવા માટે પરેશભાઈ કોઈ કેમિકલ નહીં પણ ગૌમૂત્ર, દૂધ, ગોળ અને આંકડાના બોળાનો ઉપયોગ કરે છે. જમીનમાં અળસિયા અને હ્યુમસનું પ્રમાણ વધારવા માટે તેઓ જીવામૃત અને ઘન જીવામૃત વાપરે છે.
તેમની આ કોઠાસૂઝ અને પ્રાકૃતિક ખેતી પ્રત્યેના સમર્પણ બદલ:
‘આત્મા’ પ્રોજેક્ટ દ્વારા તેમને ‘બેસ્ટ તાલુકા ફાર્મર એવોર્ડ’ અને ₹૧૦,૦૦૦નો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
મોડેલ ફાર્મ વિકસાવવા માટે રાજ્ય સરકાર તરફથી ₹૧૩,૫૦૦ની સહાય મળી છે.
જીવામૃત બનાવવાના સાધનો અને પાકા તળિયાના બાંધકામ માટે પણ તેમને સરકારી યોજનાઓનો લાભ મળ્યો છે.
