ભક્તિના નામે ગ્રાહકોને ગેરમાર્ગે દોરવાનું મોંઘું પડ્યું: CCPA એ એમેઝોનની દલીલો ફગાવી દીધી
ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોન (Amazon) ને અયોધ્યાના શ્રી રામ મંદિરના નામે અનધિકૃત રીતે ‘પ્રસાદ’ વેચવો અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરવો ભારે પડ્યો છે. ગ્રાહક સુરક્ષા માટે કામ કરતી સરકારી સંસ્થા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ એમેઝોન પર ₹૧ લાખનો આકરો દંડ ફટકાર્યો છે. સીસીપીએ દ્વારા જારી કરાયેલા ૧૯ પાનાના વિગતવાર આદેશ અનુસાર, રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી કે પરવાનગી વિના એમેઝોન પર સામાન્ય મીઠાઈઓને “શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ” તરીકે લિસ્ટ કરીને વેચવામાં આવી રહી હતી.
ભક્તોની આસ્થા અને વિશ્વાસ સાથે રમત
સીસીપીએ એ પોતાના આદેશમાં સ્પષ્ટ નોંધ્યું છે કે “શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ” શબ્દાવલી કરોડો હિન્દુ શ્રદ્ધાળુઓ માટે અત્યંત પવિત્ર અને વિશેષ શ્રદ્ધા ધરાવે છે. આ નામનો સીધો અર્થ અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના ચરણોમાં અર્પણ કરાયેલા અને આશીર્વાદિત પ્રસાદ સાથે જોડાયેલો છે. આવી સ્થિતિમાં બજારની સામાન્ય મીઠાઈઓને ‘મંદિરના પ્રસાદ’ તરીકે બ્રાન્ડ કરીને વેચવી એ ગ્રાહકો અને ભક્તો સાથે સીધો વિશ્વાસઘાત અને ગેરમાર્ગે દોરનારી વેપાર નીતિ છે.

ઓથોરિટીએ ભારપૂર્વક જણાવ્યું કે એમેઝોન જેવા વિશાળ અને વૈશ્વિક ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જ્યારે આવી વસ્તુઓ ઉપલબ્ધ થાય છે, ત્યારે સરેરાશ ગ્રાહક તેની પ્રામાણિકતા પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લે છે. સીસીપીએ એ એમેઝોનને ભવિષ્ય માટે કડક નિર્દેશ આપ્યો છે કે સત્તાવાર મંદિર ટ્રસ્ટ કે ધાર્મિક સંગઠનની લેખિત પરવાનગી વગર પ્લેટફોર્મ પર ‘પ્રસાદ’, ‘પ્રસાદમ’ કે ‘મહાપ્રસાદ’ જેવા નામે કોઈ પણ સામગ્રી વેચી શકાશે નહીં.
વેપારી સંગઠન CAIT ની ફરિયાદ બાદ ખુલાસો
આ સમગ્ર કૌભાંડ કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) ની ફરિયાદ બાદ પ્રકાશમાં આવ્યું હતું. CAIT દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, એમેઝોનના પ્લેટફોર્મ પર ‘શ્રી રામ મંદિર અયોધ્યા પ્રસાદ’ ના નામે ચાર અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ ₹૨૯૯ થી લઈને ₹૩૮૫ સુધીની કિંમતે ખુલ્લેઆમ વેચાઈ રહી હતી. ફરિયાદ મળતાં જ સીસીપીએ એ એમેઝોનને તાત્કાલિક કારણ બતાવો નોટિસ ફટકારી હતી.

તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો અનુસાર, એમેઝોન પર આ ચાર બનાવટી પ્રસાદ પ્રોડક્ટ્સનું કુલ વેચાણ ₹૨૫,૨૬,૩૦૯ (અંદાજે ૨૫.૨૬ લાખ રૂપિયા) સુધી પહોંચી ગયું હતું. આ ગેરકાયદેસર વેચાણ મધ્યસ્થી કરવા બદલ એમેઝોન કંપનીએ પોતે સેવા ફી (Service Fee) તરીકે ₹૧૫,૧૬૫.૯૦ ની કમાણી પણ કરી હતી. આ ઉપરાંત, પ્લેટફોર્મ પર વિક્રેતા (Seller) ની પૂરી માહિતી યોગ્ય રીતે દર્શાવવામાં આવી નહોતી, જે ઈ-કોમર્સ નિયમોનો સ્પષ્ટ ભંગ છે.
IT એક્ટની સેફ હાર્બર દલીલ ફગાવાઈ
કેસની સુનાવણી દરમિયાન એમેઝોને પોતાનો બચાવ કરતા દલીલ કરી હતી કે તે માત્ર એક ડિજિટલ પ્લેટફોર્મ અથવા મધ્યસ્થી (Intermediary) છે, તેથી માહિતી ટેકનોલોજી કાયદા (IT Act) ની કલમ ૭૯ હેઠળ તેને સુરક્ષા (Safe Harbour Protection) મળવી જોઈએ.
જોકે, સીસીપીએ એ આ દલીલને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. ઓથોરિટીએ સ્પષ્ટ કર્યું કે એક ઈ-કોમર્સ એન્ટિટી તરીકે ગ્રાહક સુરક્ષા કાયદા અને ઈ-કોમર્સ નિયમો ૨૦૨૦ હેઠળ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવાની પ્રાથમિક જવાબદારી એમેઝોનની પોતાની છે. પ્લેટફોર્મ પર શું વેચાઈ રહ્યું છે તેમાંથી કંપની પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં.
