FSSAI ની કડક કાર્યવાહી: બોર્નવિટાએ હેલ્થ દાવાઓ બદલ્યા, એમવેએ નાળિયેર તેલમાંથી ‘100% શુદ્ધ’ શબ્દ હટાવ્યો
દેશમાં ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા પર નજર રાખતી સર્વોચ્ચ સંસ્થા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI) દ્વારા કરવામાં આવેલી આકરી કાર્યવાહી બાદ દેશની ઘણી દિગ્ગજ ફૂડ પ્રોસેસિંગ કંપનીઓએ પોતાના ઉત્પાદનો પરથી ગેરમાર્ગે દોરતા દાવાઓ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. FSSAI દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના “FBOs દ્વારા લેવામાં આવેલા સુધારાત્મક પગલાં” ના અપડેટ અનુસાર, મોન્ડેલેઝ ઈન્ડિયા, એમવે ઈન્ડિયા, જુઝા ફૂડ્સ અને વીચી એગ્રો જેવી પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓએ પોતાની ભૂલો સ્વીકારીને પેકેજિંગ અને જાહેરાતોમાં સુધારા કર્યા છે.
બોર્નવિટા અને મોન્ડેલેઝ ઇન્ડિયા સામે કાર્યવાહી
પોપ્યુલર હેલ્થ ડ્રિંક ‘બોર્નવિટા’ નું ઉત્પાદન કરતી કંપની મોન્ડેલેઝ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડને FSSAI દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા સ્વાસ્થ્ય દાવાઓ અને અવાસ્તવિક પોષક તત્ત્વોની સરખામણી કરવા બદલ નોટિસ આપવામાં આવી હતી. FSSAI ના રિપોર્ટ મુજબ, કંપનીએ આ ઉલ્લંઘનને સ્વીકારીને તમામ ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સ અને વિવિધ પ્રચાર માધ્યમો પરથી આવા ભ્રામક દાવાઓ અને જાહેરાતો તાત્કાલિક અસરથી પાછી ખેંચી લીધી છે તથા ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાની ખાતરી આપી છે.

એમવે ઇન્ડિયા: ‘એનર્જી ડ્રિંક’ અને ‘૧૦૦% શુદ્ધ’ ના ટેગ હટાવાયા
બીજી તરફ, એમવે ઈન્ડિયા એન્ટરપ્રાઈઝિસને તેના કેફીનયુક્ત પીણા ઉત્પાદનો માટે અનધિકૃત રીતે “એનર્જી ડ્રિંક” શબ્દનો ઉપયોગ કરવા બદલ FSSAI ની કાર્યવાહીનો સામનો કરવો પડ્યો છે. નિયમનકારના આદેશનો સ્વીકાર કરતા એમવેએ પુષ્ટિ આપી છે કે તે પોતાની લોકપ્રિય ‘XS’ પ્રોડક્ટ રેન્જમાંથી “એનર્જી ડ્રિંક” વર્ણનકર્તા સંપૂર્ણપણે બંધ કરી દેશે. આ નવું અને સુધારેલું પેકેજિંગ ઓગસ્ટ ૨૦૨૬ માં આગામી ઉત્પાદન ચક્રથી બજારમાં અમલમાં આવશે. કંપનીએ જૂના સ્ટોકને ઇન્વેન્ટરીમાંથી ખાલી કરવા માટે મંજૂરી માંગી છે, જે પૂરી થતાં જ નવુ પેકેજિંગ ઉપલબ્ધ કરાવાશે.

આ ઉપરાંત, એક અન્ય કડક કાર્યવાહી હેઠળ એમવેને તેના નાળિયેર તેલના પેકેજિંગ પરથી “૧૦૦% શુદ્ધ નાળિયેર તેલ” માંથી “૧૦૦%” શબ્દ દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કોઈ પણ ખાદ્ય પદાર્થ પર પૂરતા પુરાવા વિના ‘૧૦૦% શુદ્ધ’ લખવું નિયમોનું ઉલ્લંઘન ગણાય છે. કંપનીએ સ્વેચ્છાએ આ શબ્દ પેકેજિંગમાંથી હટાવવાની સંમતિ આપી છે. આ સુધારેલું નવું પેકેજિંગ હાલમાં પ્રિન્ટિંગમાં છે અને સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર ૨૦૨૬ થી બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે.
જુઝા ફૂડ્સ અને અન્ય પ્રોડક્ટ્સ પર બ્રેક
કેરળના મલપ્પુરમ સ્થિત ‘જુઝા ફૂડ્સ’ પર પણ FSSAI દ્વારા અનેક દાવાઓ અંગે ફ્લેગ કરવામાં આવ્યો હતો. કંપની કોઈપણ યોગ્ય વૈજ્ઞાનિક આધાર વિના શાકાહારી હોવાના દાવા, આરોગ્ય સંબંધી અતિશયોક્તિભર્યા દાવાઓ અને પોષક તત્ત્વોની ખોટી સરખામણી કરી રહી હતી. તપાસ બાદ જુઝા ફૂડ્સે પોતાની ભૂલોનો સ્વીકાર કર્યો છે અને ભ્રામક દાવાઓને દૂર કરવા સંમતિ દર્શાવી છે. નિયમોનું પાલન ન થાય ત્યાં સુધી કંપનીએ પોતાની વેચાણ વેબસાઇટ બંધ કરી દીધી છે અને ઈ-કોમર્સ પ્રવૃત્તિઓ માટે પોતાના લાયસન્સમાં જરૂરી ફેરફાર માટે અરજી કરી છે.
અલગથી, મેસર્સ જાનકી જય બારોટ (જેજે ફૂડ્સ) દ્વારા પ્રોસેસ અને પેક કરવામાં આવતી તથા મેસર્સ વિચી એગ્રો પ્રોડક્ટ્સ દ્વારા વેચાતી સામગ્રી સામે ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર ગેરમાર્ગે દોરતા બ્રાન્ડ નામ અંગે ફરિયાદ મળી હતી. જેનો જવાબ આપતાં કંપનીએ તે પ્રોડક્ટને ડિલિસ્ટ કરી દીધી છે. આ સાથે જ મેસર્સ સેપિયન્સ લેબ્સે પણ FSSAI ની નોટિસનો યોગ્ય પ્રતિભાવ આપીને વિવાદિત તમામ દાવાઓ અને જાહેરાતો પાછી ખેંચી લેવાની ખાતરી આપી છે. FSSAI ની આ આકરી કાર્યવાહીથી બજારમાં ગ્રાહકોને સાચી માહિતી અને ગુણવત્તાસભર ઉત્પાદનો મળે તે સુનિશ્ચિત થશે.
