મહિલા અને બાળકીઓની સુરક્ષામાં ગુજરાતની ઝીરો ટોલરન્સ નીતિ: પોક્સો કેસોમાં ઐતિહાસિક ન્યાય, ૫ વર્ષમાં ૯૦૮ને આજીવન કેદ અને ૧૬ને ફાંસી

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

પોક્સો કેસોમાં ગુજરાત પોલીસનો ઐતિહાસિક રેકોર્ડ! ૫ વર્ષમાં ૯૦૮ને જેલના સળિયા પાછળ ધકેલાયા!

ગુજરાતમાં દીકરીઓ અને બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ જાતીય અપરાધો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ‘ઝીરો ટોલરન્સ’ (Zero Tolerance) ની નીતિ અમલમાં મુકવામાં આવી છે. આ નીતિના સફળ પરિણામે રાજ્યમાં POCSO (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ) કાયદા હેઠળના કેસોમાં ન્યાયિક પ્રક્રિયા અભૂતપૂર્વ ઝડપે આગળ વધી રહી છે.

ગુનાની ગંભીરતા સમજીને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી ‘ટોપ ટુ બોટમ’ સાયન્ટિફિક તપાસ, એફએસએલ (FSL) ના પુરાવા અને પ્રોસિક્યુશનની મજબૂત દલીલોને કારણે આરોપીઓ માટે બચવું અશક્ય બની રહ્યું છે. તાજેતરમાં ગાંધીનગરના કલોલ ખાતે ૧૫ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ચાર્જશીટ રજૂ કર્યાના માત્ર ૭૨ કલાકમાં કોર્ટે કુદરતી આયુષ્યના અંત સુધીની આજીવન કેદ ફટકારીને દાખલારૂપ ન્યાયનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisement -

law 2.jpg

૫ વર્ષના ઐતિહાસિક આંકડા: ૧,૭૮૫ ચુકાદા, ૯૦૮ ને આજીવન કેદ અને ૧૬ ને ફાંસી

રાજ્યમાં વર્ષ ૨૦૨૨ થી ઓગસ્ટ ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન પોક્સો કોર્ટ દ્વારા કુલ ૧,૭૮૫ કેસોમાં આખરી ચુકાદા આપવામાં આવ્યા છે. કાયદાના કડક અમલીકરણને કારણે મોટાભાગના કેસોમાં ગુનેગારોને મહત્તમ સજા ફટકારવામાં આવી છે:

- Advertisement -
  • આજીવન કેદ: ૯૦૮ ગુનેગારોને તેમની બાકીની જિંદગી જેલમાં વિતાવવાની સજા.

  • ફાંસીની સજા: ૧૬ જેટલા અત્યંત નિર્મમ અને ક્રૂર નરાધમોને મૃત્યુદંડની સજા.

અદાલતી ચુકાદાઓની સંખ્યા અને તેમાં મળતી સજાના દરમાં વર્ષ દર વર્ષે મોટો વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૨૨ માં ૧૯૪ ચુકાદામાં ૧૦૭ ને આજીવન કેદ થઈ હતી, જ્યારે વર્ષ ૨૦૨૫ માં ૪૯૯ ચુકાદા આવ્યા જેમાં ૩૪૦ ને આજીવન કેદ મળી હતી.

વર્ષ ૨૦૨૬ ના પ્રથમ ૮ મહિના (ઓગસ્ટ સુધી) ની વાત કરીએ તો, માત્ર આટલા સમયમાં જ ૩૪૬ ચુકાદા આવી ચૂક્યા છે. જેમાંથી ૨૪૧ આરોપીઓને આજીવન કેદ અને ૨ નરાધમોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. નોંધનીય છે કે, માત્ર ઓગસ્ટ મહિનાના એક જ મહિનામાં ૪૮ પોક્સો કેસોના ચુકાદા આવ્યા હતા, જેમાં ૩૫ આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે.

“દીકરીઓ સામે જોનારા નરાધમ માટે કોઈ દયા નહીં હોય”: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે સ્પષ્ટ અને મક્કમ વલણ દાખવતાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દીકરીઓ તરફ કુદ્રષ્ટિ કરનારા કોઈપણ નરાધમ માટે કોઈ દયા કે છૂટછાટ હોઈ જ ન શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે POCSO કેસો માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટ્સ અને મજબૂત કાયદાકીય માળખું ઊભું કર્યું છે.”

- Advertisement -

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આજે પીડિતા અને તેના પરિવારને વર્ષો સુધી કોર્ટના ધક્કા નથી ખાવા પડતા, પરંતુ ગણતરીના દિવસોમાં ઝડપી ન્યાય મળી રહ્યો છે. માત્ર ૭૨ કલાકમાં ચાર્જશીટથી ચુકાદા સુધી પહોંચવું એ ગુજરાત પોલીસની ઉત્કૃષ્ટ અને વૈજ્ઞાનિક તપાસ તથા ન્યાયતંત્રના પ્રશંસનીય અભિગમનું પરિણામ છે.”

law 1.jpg

રેકોર્ડ સમયમાં તપાસ અને ચાર્જશીટ: પોલીસનું મોડેલ

રાજ્યના પોલીસ વડા (DGP) જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું હતું કે પોક્સો કેસોમાં પોલીસ ખાસ કરીને ‘સઘન તપાસ, કડક કાર્યવાહી અને ઝડપી ન્યાય’ ના ત્રિ-સૂત્ર પર કામ કરે છે. પોલીસ દ્વારા મોટાભાગના કેસોમાં ૪૫ દિવસની મર્યાદામાં જ ચાર્જશીટ ફાઈલ કરી દેવામાં આવે છે, જેથી ટ્રાયલ તુરંત શરૂ થઈ શકે.

છેલ્લા ૫ વર્ષમાં ગુજરાત પોલીસે ચાર્જશીટ કરવામાં બનાવેલા રેકોર્ડ્સ નીચે મુજબ છે:

  • ૧ થી ૧૫ દિવસમાં ચાર્જશીટ: ૧૪૦ પોક્સો ગુનાઓમાં પોલીસે માત્ર બે અઠવાડિયાની અંદર તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરી હતી.

  • ૧૬ થી ૩૦ દિવસમાં ચાર્જશીટ: ૧,૩૩૯ ગુનાઓમાં એક મહિનાની અંદર ચાર્જશીટ દાખલ કરવામાં આવી.

  • ૩૧ થી ૪૫ દિવસમાં ચાર્જશીટ: ૫,૪૬૩ કેસોમાં ૪૫ દિવસની અંદર તપાસ પૂર્ણ કરાઈ.

કાયદાનો ડર અને સમાજમાં દાખલારૂપ સંદેશ

રાજ્ય સરકારનું સુદ્રઢ કાયદાકીય માળખું, ઝડપી તપાસ અને પ્રોસિક્યુશનના મજબૂત સંકલનને કારણે આજે ગુજરાતમાં દીકરીઓની સુરક્ષા વધુ મજબૂત બની છે. ગણતરીના દિવસોમાં મળતી ફાંસી અને આજીવન કેદની સજાના કારણે ગુનેગારોમાં કાયદાનો ભારે ખોફ અને ડર ઊભો થયો છે, જે સમાજમાં આવા ગુનાઓ અટકાવવા માટે અત્યંત જરૂરી છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.