શું વિદેશી રોકાણકારો ભારત છોડીને જાપાન જશે? બેંક ઓફ જાપાનના નિર્ણયથી રોકાણકારોમાં ખળભળાટ.
શુક્રવારે બેંક ઓફ જાપાન (BOJ) એ એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેતા પોતાના નીતિગત વ્યાજદરો વધારીને 1.25% કરી દીધા છે. છેલ્લા 31 વર્ષોમાં જાપાનમાં વ્યાજદરનો આ સૌથી ઉચ્ચ સ્તર છે. દેશમાં ફુગાવો (મોંઘવારી) 2 ટકાના લક્ષ્યાંકથી ઉપર જવાની શક્યતાઓને રોકવા માટે બેંકે આ પગલું ભર્યું છે.
બે દિવસીય પોલિસી મીટિંગના અંતે, બોર્ડના સભ્યોએ 7-2 ની બહુમતીથી પોલિસી રેટને 1% થી વધારીને 1.25% કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયમાં બોર્ડના બે સભ્યો તોઈચિરો અસાડા અને અયાનો સાતોએ વિરોધ દર્શાવ્યો હતો. આ નિર્ણય બાદ ગવર્નર કાઝુઓ ઉએદાએ પત્રકાર પરિષદ યોજીને બેંકના આ કડક વલણ અંગે વિગતવાર માહિતી આપી હતી.

BOJ, ફેટ અને ECB નું એકસાથે કડક વલણ: વૈશ્વિક અર્થતંત્રમાં મોટો ફેરફાર
ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે બેંક ઓફ જાપાન, યુએસ ફેડરલ રિઝર્વ (US Fed) અને યુરોપિયન સેન્ટ્રલ બેંક (ECB) એ એક જ મહિનામાં ધિરાણ ખર્ચ (વ્યાજદરો) માં વધારો કર્યો હોય. જાપાન લાંબા સમયથી શૂન્ય અથવા નેગેટિવ વ્યાજદરની નીતિ માટે જાણીતું હતું, પરંતુ આ સમકાલીન નિર્ણય બતાવે છે કે જાપાન પણ હવે વૈશ્વિક નાણાકીય નીતિઓના મુખ્ય પ્રવાહમાં સક્રિય થઈ ગયું છે.
બેંક ઓફ જાપાને સ્પષ્ટ કર્યું છે કે જો દેશનું આર્થિક આઉટલુક અને ફુગાવાના આંકડા ધારણા મુજબ રહેશે, તો તેઓ આગામી સમયમાં પણ વ્યાજદરમાં વધારો કરવાનું ચાલુ રાખશે. 1.25% નો આ દર ન્યુટ્રલ રેટની નીચલી સપાટીએ ગણાય છે, જે અર્થતંત્રને ન તો બહુ પ્રોત્સાહન આપે છે કે ન તો મર્યાદિત કરે છે.
વૈશ્વિક રોકાણકારો અને ભારતીય બજારો પર અસર
સેબી-રજિસ્ટર્ડ માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જાપાનના આ નિર્ણયની સીધી અસર યુએસ ટ્રેઝરી યીલ્ડ અને યુએસ ડોલર પર જોવા મળશે. આ નિર્ણયથી અમેરિકી ડોલર અને બોન્ડ માર્કેટ પર દબાણ વધશે. તેના પરિણામે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FIIs) પોતાનું ભંડોળ યુએસ એસેટ્સમાંથી જાપાન તરફ ડાઈવર્ટ કરી શકે છે. જોકે, બેંક ઓફ જાપાને સંકેત આપ્યો છે કે તે ભવિષ્યમાં વ્યાજદર 3.20% સુધી લઈ જઈ શકે છે, તેથી એફઆઈઆઈ હાલમાં યોગ્ય તકની રાહ જોઈ રહ્યા છે.
ઉભરતા અર્થતંત્રો (Emerging Economies) જેવા કે ભારત માટે ટૂંકા ગાળામાં આ નિર્ણય સકારાત્મક સાબિત થઈ શકે છે, કારણ કે યુએસ ડોલર અને યુએસ બોન્ડ પર દબાણ આવવાથી ઈમર્જિંગ માર્કેટ્સમાં વિદેશી રોકાણની આવક જળવાઈ રહેશે.

એશિયન બજારો અને ચલણ પર અસર: યેનનો ગ્રાફ
નિર્ણયની જાહેરાત થતાની સાથે જ યુએસ ડોલર સામે જાપાની યેન 0.5% ઘટીને 156.75 પ્રતિ ડોલર થયો હતો, પરંતુ તેમ છતાં ચાલુ મહિનામાં યેનમાં 2% જેટલો સુધારો નોંધાયો છે. જુલાઈ મહિનામાં યુએસ અને જાપાનના સંયુક્ત હસ્તક્ષેપ બાદ યેન તેના 40 વર્ષના નીચલા સ્તર (163.99) થી રિકવર થઈ ચૂક્યો છે.
બીજી તરફ, પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં છેલ્લા છ મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $100 થી ઉપર પહોંચી ગયા છે. આ વૈશ્વિક તણાવને કારણે સમગ્ર વિશ્વમાં ફુગાવાનો ભય ફરી મજબૂત થયો છે, જેણે તમામ દેશોની સેન્ટ્રલ બેંકોને વ્યાજદરો વધારવા મજબૂર કરી છે.
