ભારતમાં વધતા અલ્ઝાઈમરના કેસો: ૨૦૫૦ સુધીમાં દર ૫ માંથી ૧ વડીલ હોઈ શકે છે પ્રભાવિત
રોજિંદા જીવનમાં વપરાતી નાની-નાની વસ્તુઓ ગલત જગ્યાએ મૂકી દેવી, પરિચિત વ્યક્તિઓ કે પરિવારના સભ્યોના નામ અચાનક ભૂલી જવા અથવા પોતાના ઘરનો રસ્તો શોધવામાં મુશ્કેલી પડવી એ તમામ બાબતોને આપણે મોટાભાગે વધતી ઉંમરની એક સ્વાભાવિક અસર માનીને નજરઅંદાજ કરી દઈએ છીએ. જોકે, આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો અને ન્યુરોલોજિસ્ટ્સ આ પ્રકારની માનસિક બેદરકારી સામે ગંભીર ચેતવણી આપી રહ્યા છે. તેમના મતે, વારંવાર બનતી આવી ઘટનાઓ માત્ર સામાન્ય વિસરજન નથી, પરંતુ અલ્ઝાઈમર રોગના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે.
ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાલના વર્ષોમાં અલ્ઝાઈમર અને ડિમેન્શિયાના દર્દીઓની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer’s Day) નજીક આવી રહ્યો છે ત્યારે વડીલોમાં આ રોગ અંગે સમયસર જાગરૂકતા કેળવવી અને વહેલું નિદાન કરાવવું અત્યંત જરૂરી બની ગયું છે.
૨૦૫૦ સુધીમાં દર પાંચમાંથી એક વડીલ પ્રભાવિત થવાની આશંકા
અલ્ઝાઈમર સાથે જોડાયેલી ગંભીર માનસિક સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. વિવિધ સ્વાસ્થ્ય અહેવાલો અને સંશોધનોના અંદાજ અનુસાર, વર્ષ ૨૦૫૦ સુધીમાં ભારતમાં દર પાંચમાંથી લગભગ એક વડીલ કોઈને કોઈ સ્તરે અલ્ઝાઈમર અથવા ડિમેન્શિયાથી પીડિત હોઈ શકે છે.
સામાન્ય રીતે અલ્ઝાઈમરના લક્ષણો ૬૦ થી ૬૫ વર્ષની ઉંમર પછી વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે અને વધતી ઉંમર સાથે તેનું જોખમ પણ વધતું જાય છે. પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે, આ રોગ માત્ર વૃદ્ધો પૂરતો મર્યાદિત નથી; ૬૫ વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં પણ ‘અર્લી ઓનસેટ ડિમેન્શિયા’ ના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે. સામાજિક સ્તરે ભૂલવાની ટેવને “ઉંમરનો સહજ ભાગ” ગણવાની જૂની માનસિકતા જ આ રોગના સમયસર નિદાનમાં સૌથી મોટો અવરોધ સાબિત થઈ રહી છે.
કયા લક્ષણો દેખાય ત્યારે સાવધાન થવું?
અલ્ઝાઈમરના પ્રારંભિક તબક્કામાં મગજની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થાય છે. જો નીચે મુજબના લક્ષણો વારંવાર જોવા મળે, તો તેને બિલકુલ નજરઅંદાજ ન કરવા જોઈએ:
વારંવાર એક જ પ્રકારની માહિતી ભૂલી જવી અથવા એક જ પ્રશ્ન વારંવાર પૂછવો.
ભૂતકાળમાં સરળતાથી કરી શકાતા રોજિંદા કામો કરવામાં મુશ્કેલી અનુભવવી.
વાતચીત કરતી વખતે યોગ્ય શબ્દો શોધવામાં કે વાક્ય રચવામાં પરેશાની થવી.
સામાન્ય નિર્ણય લેવામાં કે આયોજન કરવામાં અસમર્થતા દેખાવી.
જાણીતી જગ્યાઓ કે પરિચિત રસ્તાઓ પર પહોંચ્યા પછી દિશા ભૂલી જવી.
સ્વભાવ અને વર્તનમાં અચાનક ચીડિયાપણું અથવા ગુમસુમ રહેવા જેવા ફેરફારો આવવા.
ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર, ક્યારેક ક્યારેક કોઈ વસ્તુ મૂકીને ભૂલી જવી કે નામ યાદ ન આવવું સામાન્ય હોઈ શકે છે. પરંતુ અલ્ઝાઈમરમાં આ સમસ્યાઓ સમય જતાં વધતી જાય છે અને વ્યક્તિના રોજના જીવન તથા કામકાજ પર ગંભીર અસર પહોંચાડે છે.
કોને છે વધુ જોખમ અને શું છે ઇલાજ?
ન્યુરોલોજી ક્ષેત્રના નિષ્ણાતો અનુસાર, જે લોકો સતત અતિશય તણાવપૂર્ણ જીવન જીવી રહ્યા છે, જેમના શરીરમાં બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવા ક્રોનિક રોગો નિયંત્રણમાં નથી, તેમજ જેમના પરિવારમાં અલ્ઝાઈમરનો હિસ્ટ્રી રહી છે, તેમને આ રોગ થવાની શક્યતા વધુ રહે છે.
જોકે, અલ્ઝાઈમરને સંપૂર્ણપણે નાબૂદ કરવાનો કોઈ કાયમી ઇલાજ નથી, પરંતુ જો શરૂઆતી તબક્કામાં જ લક્ષણો ઓળખીને યોગ્ય તબીબી સારવાર શરૂ કરવામાં આવે, તો મગજના કોષોને થતા નુકસાનની પ્રક્રિયા અને રોગ વધવાની ઝડપને નોંધપાત્ર રીતે ધીમી કરી શકાય છે.
બચાવ અને માનસિક સ્વાસ્થ્ય સુધારવાના ઉપાયો
મગજને સતત સક્રિય રાખતી પ્રવૃત્તિઓ કોગ્નિટિવ હેલ્થ એટલે કે માનસિક ક્ષમતાને સુધારવામાં મોટી ભૂમિકા ભજવે છે. એક્સપર્ટ્સ વડીલોને એકલતાથી દૂર રહેવાની અને સામાજિક રીતે સક્રિય રહેવાની સલાહ આપે છે.
માનસિક રીતે ફિટ રહેવા માટે હોબી કલાસમાં જોડાવું, નવી ભાષા કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ શીખવું, પઝલ અને ક્રોસવર્ડ ઉકેલવા, સારા પુસ્તકો વાંચવા, લેખન કામ કરવું કે કવિતા રચવા જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ મગજને વ્યસ્ત રાખે છે. આ ઉપરાંત, દૈનિક કામો માટે ટેકનોલોજી અને ડિજિટલ ડિવાઈસ પર અતિશય નિર્ભરતા ઘટાડીને મગજ પાસે ગણતરીઓ કરાવવાની ટેવ પાડવી જોઈએ. ૪૦ વર્ષની ઉંમર વટાવ્યા પછી નિયમિત યોગ, પૌષ્ટિક આહાર અને બ્લડ પ્રેશર-ડાયાબિટીસનું નિયંત્રણ અલ્ઝાઈમરના જોખમને ઘણું ઓછું કરી શકે છે.
