ગતિ, ગુણવત્તા અને ગૌરવ: માર્ગ અને મકાન વિભાગની ચિંતન શિબિરમાં રોડ નેટવર્ક મજબૂત કરવા પર ભાર
વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનો સંકલ્પ હવે વધુ મજબૂત બની રહ્યો છે. રાજ્યના નાગરિકોને અત્યાધુનિક, સુરક્ષિત અને શ્રેષ્ઠ રોડ નેટવર્ક તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. આ જ શ્રેણીમાં, ગાંધીનગર ખાતે માર્ગ અને મકાન વિભાગની પ્રથમ ઐતિહાસિક દ્વિદિવસીય ચિંતન શિબિરનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. ‘ગતિ, ગુણવત્તા અને ગૌરવ – એક્સેલરેટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર વિકસિત ગુજરાત 2047’ ની પ્રેરણાદાયી થીમ પર યોજાઈ રહેલી આ શિબિરમાં વર્ક આસિસ્ટન્ટથી લઈને સચિવ કક્ષા સુધીના અધિકારીઓ એક મંચ પર બેસીને રાજ્યના ભવિષ્યના વિકાસ માટે સામૂહિક મંથન કરી રહ્યા છે.

‘ગતિ, ગુણવત્તા અને ગૌરવ’ સાથે આગળ વધવાનો નિર્ધાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ શિબિરનો શુભારંભ કરાવતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, નાગરિકોને મળેલી ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની ગુણવત્તા માત્ર જાળવી રાખવાની નથી, પરંતુ ભવિષ્યમાં તેને વધુ ગૌરવપૂર્ણ બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધવાનું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩માં શરૂ કરવામાં આવેલી ચિંતન શિબિરની પરંપરાને યાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “સાથે આવવું એ શરૂઆત છે, સાથે વિચારવું એ પ્રગતિ છે અને સાથે કામ કરવું એ સફળતા છે.”
તેમણે ‘મેં નહીં, હમ’ (હું નહીં, આપણે સૌ) ની ભાવના સાથે કામ કરીને ‘સ્વયંથી વ્યમ’ ના ધ્યેયને સાકાર કરવા પર ભાર મૂક્યો હતો. ગુજરાત આજે દેશભરમાં રોલ મોડલ બન્યું છે, ત્યારે આખી દુનિયાની નજર આપણા વિકાસ પર છે. તેથી, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ (ટકાઉ વિકાસ) ના માર્ગ પર ચાલીને આપણે ગુજરાતને વૈશ્વિક સ્તરે અગ્રેસર રાખવાનું છે.
રોડ-રસ્તા અને પુલોના કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં
માર્ગ અને મકાન વિભાગને સરકારનો અત્યંત મહત્વનો અને લોક-અનુભવી વિભાગ ગણાવતા મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક તાકીદ કરી હતી. તેમણે કહ્યું કે, જ્યારે રસ્તાઓ કે પુલોના સારા કામો થાય છે, ત્યારે જનતા ખુલ્લેઆમ પ્રશંસા કરે છે, પરંતુ જો કામમાં જરાય ઉણપ દેખાય તો લોકો આલોચના કરતા પણ અચકાતા નથી.

આથી, કામની ગુણવત્તા (ક્વોલિટી) બાબતે ક્યારેય કોઈ બાંધછોડ થવી જોઈએ નહીં. ટેન્ડર પ્રક્રિયામાં પારદર્શિતા રાખવી, નિર્ધારિત એસ.ઓ.પી. (SOP) મુજબ જ તમામ કામો પાર પાડવા અને સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂરા કરવા પર વિશેષ ધ્યાન આપવું અનિવાર્ય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અજાણતા થયેલી ભૂલ સુધારી શકાય છે, પરંતુ જાણીબૂજીને કરેલી ક્ષતિઓ ક્યારેય માફ થઈ શકે નહીં.
ગુજરાતની અર્થવ્યવસ્થા અને ૩.૫ ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય
મુખ્ય સચિવ એમ. કે. દાસે આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના ઐતિહાસિક મહત્વને રેખાંકિત કરતા જણાવ્યું હતું કે આ વિભાગ રાજ્યના વિકાસને વેગ આપનાર અને આપત્તિના સમયે સૌથી પહેલો પ્રતિસાદ આપનાર મહત્વનો સ્તંભ છે. તેમણે પૌરાણિક કાળના રામસેતુથી લઈને શેરશાહ સૂરીના ગ્રાન્ડ ટ્રંક રોડ અને ઇતિહાસના ઉદાહરણો આપીને લોકસેવામાં માર્ગ માળખાના સનાતન યોગદાનને યાદ કર્યું હતું.
આગામી સમયની રૂપરેખા આપતા મુખ્ય સચિવે જણાવ્યું કે વિભાગનું બજેટ ૧૨,૦૦૦ કરોડથી વધીને હવે ૩૦,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ‘વિકસિત ગુજરાત @ ૨૦૪૭’ ના સંકલ્પ સાથે રાજ્યની અર્થવ્યવસ્થાને ૩.૫ ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આગામી બે દાયકામાં અગાઉની સદીઓ કરતાં ૧૧ ગણું વધુ નિર્માણ કાર્ય કરવાનું છે. હેવી ટ્રાફિકનો સામનો કરી શકે તેવા ઝડપી, ટકાઉ અને મજબૂત રસ્તાઓ બનાવવા માટે અધિકારીઓએ ‘ફ્રોમ ધ ગ્રાઉન્ડ અપ’ (પાયાથી શરૂઆત) નો અભિગમ અપનાવવો પડશે.

ટેકનોલોજી, પારદર્શિતા અને નવા સુધારાઓની પહેલ
વિભાગના સચિવ પી.આર.પટેલિયાએ શિબિરની રૂપરેખા આપતા જણાવ્યું કે આ મંથનનો મુખ્ય ઉદ્દેશ્ય રૂટિન કામગીરીથી આગળ વધીને નવીન ટેકનોલોજી અને ભવિષ્યની જરૂરિયાતો અનુસાર ફાસ્ટ, સેફ એન્ડ સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાનો છે. વિભાગમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારવા માટે અનેક નવી પહેલો લાગુ કરવામાં આવી છે:
અધિકારીઓ માટે ગવર્નન્સ પરફોર્મન્સ ઇન્ડેક્ષ (GPI) ની વ્યવસ્થા.
કોન્ટ્રાક્ટરો માટે પરફોર્મન્સ બેઝ્ડ રેટિંગ અને QCBS (ક્વોલિટી કંટ્રોલ બેઝ્ડ ઇવેલ્યુએશન સિસ્ટમ).
ટેન્ડર મંજૂરીની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવી.
આ શુભારંભ સમારોહ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે ‘બિલ્ડીંગ હેલ્થ મોનિટરીંગ’ અને ‘બ્રિજ એસેટ મેનેજમેન્ટ’ જેવી મહત્વપૂર્ણ પુસ્તિકાઓનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, GPI ના માનદંડ અનુસાર શ્રેષ્ઠ કામગીરી કરનાર ઇજનેરો અને અધિકારીઓને વિશેષ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જનકલ્યાણ અને અવિરત સેવાઓનું વિશાળ નેટવર્ક
માર્ગ અને મકાન વિભાગ હાલમાં રાજ્યભરમાં ગ્રામીણથી લઈને શહેરી વિસ્તારોમાં અંદાજે ૧ લાખ ૨૯ હજાર કિલોમીટર લાંબા રોડ નેટવર્ક, ૧૧ હજારથી વધુ પુલો અને અસંખ્ય સરકારી ઇમારતોની જાળવણીની જવાબદારી સંભાળી રહ્યો છે. આ ઉપરાંત ‘મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના’ હેઠળ ૧૮ હજારથી વધુ ગામો અને ૧૪ હજાર જેટલા પરાંઓને ચોક્કસ માર્ગોથી જોડવાની કામગીરી અવિરત ચાલી રહી છે.
આ ચિંતન શિબિરમાં પૂજ્ય સંત રેયારામ દાસજી દ્વારા પણ સહભાગીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બે દિવસીય મંથન દ્વારા તમામ અધિકારીઓ હોદ્દાના ભેદભાવ વગર મુક્તપણે ચર્ચા કરીને વર્ષ ૨૦૪૭ માટે એક સ્પષ્ટ અને મજબૂત ‘એક્શન પ્લાન’ તૈયાર કરી રહ્યા છે, જે ગુજરાતના ભવિષ્યને વધુ સમૃદ્ધ અને ગૌરવશાળી બનાવશે.
