ICCનો ખુલાસો: ટેકનિકલ ખામીથી ODI રેન્કિંગમાંથી ગાયબ થયા વિરાટ અને રોહિતના નામ
બુધવારે જાહેર થયેલી આઈસીસીની નવીનતમ વન-ડે રેન્કિંગે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો. હકીકતમાં, આ યાદીમાંથી ટીમ ઈન્ડિયાના બે સૌથી મોટા સ્ટાર્સ વિરાટ કોહલી અને રોહિત શર્માના નામ જ ગાયબ હતા. આ જોઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો કે ક્યાંક આ બંને ખેલાડીઓ વન-ડે ફોર્મેટમાંથી પણ નિવૃત્તિ લેવાના તો નથી ને.
નોંધનીય છે કે કોહલી અને રોહિત પહેલાથી જ ટેસ્ટ અને ટી20 ફોર્મેટને અલવિદા કહી ચૂક્યા છે. એવામાં જ્યારે રેન્કિંગમાંથી તેમના નામ ન દેખાયા, તો અટકળો વધુ તેજ બની ગઈ. જોકે, આઈસીસીએ હવે આ અંગે સ્પષ્ટતા કરી છે. સંસ્થાએ સ્પષ્ટ કર્યું કે આ માત્ર એક ટેકનિકલ ખામી હતી. આઈસીસીએ ‘વિઝડન’ને કહ્યું – “આ સપ્તાહની રેન્કિંગમાં ઘણી ટેકનિકલ સમસ્યાઓની તપાસ કરવામાં આવી રહી છે.” બાદમાં સુધારો કરતા બંને ખેલાડીઓના નામ ફરીથી યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા.

નવીનતમ રેન્કિંગ
નવીનતમ યાદી અનુસાર, રોહિત શર્મા નંબર 2 અને વિરાટ કોહલી નંબર 4 પર છે. જ્યારે, બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલ 784 પોઈન્ટ સાથે ટોચના સ્થાને યથાવત છે. શ્રેયસ ઐયર પણ ટોપ-10માં સ્થાન જાળવી રાખ્યું છે અને આઠમા ક્રમે છે.
બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો ભારતના કાંડાના સ્પિનર કુલદીપ યાદવ ત્રીજા સ્થાને ખસી ગયા છે. દક્ષિણ આફ્રિકાના કેશવ મહારાજે ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કરીને ટોચનું સ્થાન ફરીથી હાંસલ કરી લીધું છે. તેમણે કેર્ન્સમાં રમાયેલી પહેલી વન-ડેમાં 5 વિકેટ લઈને પોતાની ટીમને 98 રનની મોટી જીત અપાવી. આ પ્રદર્શનના દમ પર તે નવેમ્બર-ડિસેમ્બર 2023 બાદ ફરી એકવાર નંબર-1 બોલર બન્યા.
ભારતીય ખેલાડીઓમાં કુલદીપ ઉપરાંત માત્ર રવીન્દ્ર જાડેજા ટોપ-10 બોલરોની યાદીમાં સામેલ છે. ભારતની ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ કોઈ વન-ડે મેચ રમી નથી, આ કારણે ખેલાડીઓની રેન્કિંગ પર તેની અસર પડી છે.

આ દરમિયાન, વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેડન સીલ્સએ પાકિસ્તાન સામેની સીરીઝમાં શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ લીધી. આના કારણે તે 15 સ્થાનની છલાંગ લગાવીને 18મા નંબરે પહોંચી ગયા છે. પાકિસ્તાનના અબરાર અહેમદ અને વેસ્ટ ઈન્ડિઝના રોસ્ટન ચેઝે પણ પોતાની રેન્કિંગમાં સુધારો કર્યો છે.
એકંદરે, ટેકનિકલ ખામીએ ભલે ક્રિકેટ પ્રેમીઓને થોડા સમય માટે મૂંઝવી દીધા હોય, પરંતુ વિરાટ અને રોહિત હજુ પણ વન-ડે ફોર્મેટના દિગ્ગજ ખેલાડીઓની યાદીમાં મજબૂતીથી યથાવત છે.

