પરાગ્વેમાં યુનો બેંકનું પતન: 30 લાખ ગ્રાહકોની બચત ફસાઈ, રાજકીય ભૂકંપથી સરકાર પણ ભીંસમાં
દક્ષિણ અમેરિકાના દેશ પરાગ્વેમાં એક મોટી બેંકિંગ કટોકટીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. દેશની જાણીતી ડિજિટલ બેંક યુનો બેંક (Ueno Bank) સામે સેન્ટ્રલ બેંકે કાર્યવાહી કરતાં લાખો ગ્રાહકોની બચત અટવાઈ ગઈ છે. બેંક સાથે જોડાયેલા આશરે 30 લાખ ગ્રાહકો અચાનક પોતાના જ ખાતામાંથી પૈસા ઉપાડી શકતા નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હવે આર્થિક સંકટે રાજકીય વિવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે.
પરાગ્વેની લગભગ 40 ટકા વસ્તી બેંક સાથે જોડાયેલી હતી
યુનો બેંક પરાગ્વેની સૌથી ઝડપથી વિકસતી ડિજિટલ બેંકોમાંની એક હતી. દેશની આશરે 70 લાખની વસ્તીમાંથી લગભગ 30 લાખ લોકો આ બેંકના ગ્રાહક હતા. એટલે કે દેશની મોટી વસ્તી કોઈને કોઈ રીતે આ બેંકની સેવાઓ પર નિર્ભર હતી.
બેંક માત્ર સામાન્ય લોકોની બચત જ નહીં, પરંતુ અંદાજે 85 કરોડ ડોલરના જાહેર ભંડોળનું પણ સંચાલન કરતી હતી. રોજિંદા નાણાકીય વ્યવહારો, પગાર, ખરીદી અને પેન્શનની ચુકવણી માટે પણ અનેક લોકો યુનો બેંકનો ઉપયોગ કરતા હતા.

આખરે કેમ ડૂબી યુનો બેંક?
પરાગ્વેની સેન્ટ્રલ બેંકે 2 નવેમ્બર, 2026ના રોજ યુનો બેંક સામે રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. તપાસમાં જાણવા મળ્યું કે બેંકની નાણાકીય સ્થિતિ અત્યંત નબળી બની ગઈ હતી અને તેનો સોલ્વન્સી રેશિયો કાયદાકીય લઘુતમ મર્યાદાની સરખામણીમાં અડધાથી પણ નીચે પહોંચી ગયો હતો.
સ્થાનિક અહેવાલો અનુસાર, બેંકની કટોકટી પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
પ્રથમ, બેંકની મૂડી અને નાણાકીય ક્ષમતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. બીજું, બેંકના સંચાલકો સાથે જોડાયેલી કંપનીઓને મોટા પ્રમાણમાં લોન આપવામાં આવી હોવાના અને તેની વસૂલાતમાં ગંભીર સમસ્યાઓ ઊભી થઈ હોવાના આક્ષેપો થયા છે. ત્રીજું, બેંકની રોકડ ઉપલબ્ધતા અને લિક્વિડિટીની સ્થિતિ પણ નબળી પડી હતી.
આ બાબતોને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંકે બેંકનું નિયંત્રણ પોતાના હાથમાં લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.
ગ્રાહકોને મળશે પૈસા પાછા?
સૌથી મોટો સવાલ એ છે કે ગ્રાહકોની વર્ષોની મહેનતની કમાણીનું શું થશે?
પરાગ્વેના સેન્ટ્રલ બેંકના જણાવ્યા અનુસાર, ડિપોઝિટ ગેરંટી યોજના હેઠળ દરેક ગ્રાહકને મહત્તમ 75 લઘુતમ માસિક વેતન જેટલી રકમની સુરક્ષા આપવામાં આવી છે. હાલમાં આ મર્યાદા 22.83 કરોડ પરાગ્વેયન ગુઆરાની (આશરે 37,400 અમેરિકી ડોલર) છે.
પ્રાથમિક અંદાજ મુજબ, યુનો બેંકના લગભગ 97 ટકા ગ્રાહકોની જમા રકમ આ ગેરંટીની મર્યાદામાં આવે છે. જોકે, આ મર્યાદાથી વધુ રકમ જમા કરાવનારા ગ્રાહકોને સંપૂર્ણ પૈસા પાછા મળશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી.
બેંક કૌભાંડથી સરકાર સામે પણ મુશ્કેલી
આ સમગ્ર ઘટનાએ પરાગ્વેના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. યુનો બેંકના માલિકી હક ધરાવતા ગ્રૂપ સાથે રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના અગાઉ વ્યવસાયિક રીતે જોડાયેલા હતા. તેમણે માર્ચ 2025માં પોતાનો હિસ્સો વેચી દીધો હતો. તેમ છતાં આ સંબંધને લઈને વિપક્ષે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

બેંકની તપાસ વચ્ચે સેન્ટ્રલ બેંકના પ્રમુખ કાર્લોસ કારવાલોએ રાજીનામું આપ્યું છે. બીજી તરફ, તપાસ એજન્સીઓએ બેંક સાથે સંકળાયેલા આઠ લોકોની ધરપકડના આદેશ આપ્યા છે. વિપક્ષી સાંસદોએ રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવાની પણ તૈયારી દર્શાવી છે.
નાણાકીય વ્યવસ્થામાં વિશ્વાસ સામે મોટો પડકાર
યુનો બેંકનું પતન માત્ર એક બેંકની નિષ્ફળતા નથી, પરંતુ ડિજિટલ બેંકિંગ વ્યવસ્થામાં લોકોના વિશ્વાસ માટે પણ મોટો પડકાર છે. જે લોકો ટેક્નોલોજી અને સરળ બેંકિંગના નામે પોતાની બચત એક જ સંસ્થામાં રાખતા હતા, તેઓ આજે મુશ્કેલીમાં મુકાયા છે.
જોકે પરાગ્વેની સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ એક ચોક્કસ બેંકનો મામલો છે અને સમગ્ર દેશની બેંકિંગ વ્યવસ્થા જોખમમાં નથી. હવે સરકાર અને સેન્ટ્રલ બેંક સામે સૌથી મોટો પડકાર ગ્રાહકોની બચત સુરક્ષિત રાખવાનો, જવાબદારો સામે કાર્યવાહી કરવાનો અને લોકોનો નાણાકીય વ્યવસ્થા પરનો વિશ્વાસ ફરી સ્થાપિત કરવાનો છે.
