મુંબઈનું ભવિષ્ય ખતરામાં? કિરીટ સોમૈયાના આ દાવાએ મહારાષ્ટ્રના રાજકારણમાં મચાવ્યો હહોમારો!
ભારતીય જનતા પાર્ટી (BJP)ના અગ્રણી નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લખેલા એક પત્રમાં હિંદુ-મુસ્લિમ જન્મદર અંગે ચોંકાવનારા દાવા કરીને એક નવો રાજકીય વિવાદ ઊભો કર્યો છે. સોમૈયાએ આરોપ લગાવ્યો છે કે મુંબઈમાં દર ત્રણ હિંદુ બાળકો સામે બે મુસ્લિમ બાળકોનો જન્મ થઈ રહ્યો છે. જો આ જ ઝડપે જન્મદર વધતો રહેશે તો આવનારા સમયમાં આપણું ‘મરાઠી મુંબઈ’ બદલાઈને ‘મુસ્લિમ મુંબઈ’ બની જશે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉ ટ્વિટર) પર પોતાના પત્રની નકલ અને આંકડાનું એક કોષ્ટક શેર કરતા સોમૈયાએ આ વસ્તીવિષયક ફેરફારોને મુંબઈનું ડેમોગ્રાફિક સ્વરૂપ બદલવાનું કાવતરું ગણાવ્યું હતું. તેમના આ નિવેદન બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે અને વિપક્ષી નેતાઓ તથા નિષ્ણાતો તરફથી તેના પર આકરા પ્રહારો થઈ રહ્યા છે.
કિરીટ સોમૈયાએ રજૂ કરેલા આંકડા અને દાવાઓ
સોમૈયાએ પોતાના પત્રમાં વર્ષ ૨૦૨૫ દરમિયાન મુંબઈમાં થયેલા ધર્મ આધારિત જન્મોના કેટલાક આંકડા રજૂ કર્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૫માં મુંબઈમાં ૪૮,૫૫૪ મુસ્લિમ બાળકો અને ૭૦,૩૮૦ હિંદુ બાળકોનો જન્મ થયો હતો.
@KiritSomaiya Very Difficult Kiritji
Devendra Fadanvis can’t do it
CM like Suvendu Adhikari, Himantaji & Yogiji need to it
Also need strong intention which is totally laking in present Govt
Jay Hind
— Navin Patel (@navinchandra191) November 6, 2026
ઉપરાંત, તેમણે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ રજૂ કરતા દાવો કર્યો હતો કે આ સમયગાળા દરમિયાન મુંબઈમાં ૩.૩૬ લાખ હિંદુ બાળકો અને ૨.૨૦ લાખ મુસ્લિમ બાળકોનો જન્મ નોંધાયો છે. આ આંકડાઓને ટાંકીને સોમૈયાએ મુખ્યમંત્રી ફડણવીસને વિનંતી કરી છે કે મુંબઈમાં થઈ રહેલા આ વસ્તીવિષયક (ડેમોગ્રાફિક) ફેરફારોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે એક વિશેષ સમિતિની રચના કરવી જોઈએ.
વસ્તીના ટકાવારીના ગણિત અને ભવિષ્યના અંદાજો
વસ્તીના ઇતિહાસની ચર્ચા કરતા પૂર્વ સાંસદે દાવો કર્યો હતો કે વર્ષ ૧૯૪૭માં આઝાદી સમયે મુંબઈમાં મુસ્લિમ વસ્તી ૧૦ ટકાથી પણ ઓછી હતી. જો કે, ૨૦૧૧ની વસ્તી ગણતરી સુધીમાં આ પ્રમાણ વધીને ૨૦ ટકા સુધી પહોંચી ગયું હતું.
પોતાના દાવાને વધુ મજબૂત કરવા માટે સોમૈયાએ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (TISS)ના નામે દર્શાવાયેલા અંદાજો ટાંક્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે હાલના સમયે મુંબઈમાં મુસ્લિમ વસ્તીનું પ્રમાણ વધીને લગભગ ૨૫ ટકા થઈ ગયું હોવાનો અંદાજ છે અને જો આ જ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો વર્ષ ૨૦૫૧ સુધીમાં આ આંકડો ૩૧ ટકા સુધી પહોંચી શકે છે.
આ સાથે જ તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે માત્ર જન્મદર જ નહીં, પરંતુ બાંગ્લાદેશ અને મ્યાનમારથી થતી ગેરકાયદે ઘૂસણખોરી તેમજ ઉત્તર ભારતના રાજ્યોમાંથી મુસ્લિમ સમુદાયનું મુંબઈ તરફ થઈ રહેલું સ્થળાંતર પણ શહેરના ડેમોગ્રાફીને બદલવા માટે જવાબદાર છે.
સોમૈયાના આંકડાઓ પર સવાલો અને ડેટામાં વિસંગતતા
કિરીટ સોમૈયા દ્વારા જાહેર કરવામાં આવેલા આ આંકડાઓ સામે આવ્યા બાદ તરત જ તેના પર સવાલો ઉઠવા લાગ્યા છે. ડેટા વિશ્લેષકો અને આંકડાશાસ્ત્રીઓએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની અધિકૃત ડાયરીના આંકડા ટાંકીને સોમૈયાના દાવાઓ પર શંકા વ્યક્ત કરી છે.
બીએમસી (BMC)ના અધિકૃત રેકોર્ડ મુજબ, વર્ષ ૨૦૨૫માં મુંબઈમાં કુલ ૧,૧૭,૬૦૬ જીવંત બાળકોનો જન્મ થયો હતો. જ્યારે સોમૈયાએ હિંદુ અને મુસ્લિમ બાળકોના જન્મોનો જે સરવાળો (૭૦,૩૮૦ હિંદુ + ૪૮,૫૫૪ મુસ્લિમ = ૧,૧૮,૯૩૪) દર્શાવ્યો છે, તે બીએમસીના કુલ નોંધાયેલા આંકડા કરતાં આશરે ૧,૩૨૮ જેટલો વધુ થાય છે. આ સિવાય અન્ય ધર્મના બાળકોના જન્મનો કોઈ ઉલ્લેખ આ સરવાળામાં જોવા મળતો નથી. પરિણામે, આ આંકડાઓની પ્રમાણભૂતતા અને સ્ત્રોત અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
વિવાદો સાથે જૂનો નાતો
કિરીટ સોમૈયા પર કોમી મુદ્દાઓને લઈને આક્રમક નિવેદનો આપવાનો આ પહેલો આરોપ નથી. ભૂતકાળમાં પણ તેઓ વિવિધ ધાર્મિક અને સામાજિક વિવાદોને લઈને ચર્ચામાં રહ્યા છે. આ પહેલા તેમણે મુંબઈની એક મસ્જિદ સામે “લેન્ડ જેહાદ” (જમીન પચાવી પાડવાનો આરોપ) અને એક શાળા સામે “સ્કૂલ જેહાદ”ના આક્ષેપો કરીને ઝુંબેશ ચલાવી હતી, જેની વ્યાપક ટીકા થઈ હતી.
રાજકીય વિશ્લેષકોના મતે, ચૂંટણી કે રાજકીય ગરમાવા વચ્ચે આવા નિવેદનો ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ હોઈ શકે છે. એક તરફ સોમૈયા વસ્તીમાં થઈ રહેલા ફેરફારોને ગંભીર સુરક્ષા અને સાંસ્કૃતિક જોખમ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષો તેને તથ્યવિહીન અને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે મહારાષ્ટ્ર સરકાર આ પત્ર અને તેના આધારે કરાયેલી સમિતિ રચવાની માંગ પર શું વલણ અપનાવે છે.
