ઘૂસણખોરીના મુદ્દે રાજકારણમાં ગરમાવો! રામલીલા મેદાનની રેલી બાદ ભાજપ-કોંગ્રેસ વચ્ચે સામસામે આકરા પ્રહારો!
દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાયેલી વિપક્ષી ગઠબંધન ‘ઈન્ડિયા’ (INDIA) ની રેલીને લઈને દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રેલીને ‘ઘૂસણખોરોને બચાવવાનું આયોજન’ (ઘુસપેઠિયા બચાઓ ઇવેન્ટ) ગણાવતા જ કોંગ્રેસ પક્ષે તેના પર અત્યંત તીખી પ્રતિક્રિયા આપી છે.
કોંગ્રેસે ગૃહમંત્રી સામે સખત વિરોધ નોંધાવતા કહ્યું છે કે અમિત શાહ પોતાનું ગૃહ મંત્રાલય સંભાળવામાં સાવ નિષ્ફળ રહ્યા છે અને દેશની રક્ષા કરવાના બદલે રાજકારણ રમી રહ્યા છે. કોંગ્રેસે ત્યાં સુધી કહી દીધું કે જો તેમનાથી દેશની આંતરિક સુરક્ષા ન સંભળાતી હોય તો તેમણે હોદ્દો છોડીને ફરીથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ બની જવું જોઈએ.

અમિત શાહનો આક્ષેપ: ‘આ વોટ બચાવો નહીં, પણ ઘૂસણખોરોને બચાવવાની રેલી હતી’
હરિયાણાના કરનાલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજાયેલા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ માર્ચ બાદ એક વિશાળ જનસભાને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષી ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે રામલીલા મેદાનની રેલીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “ઈન્ડિયા બ્લોક દ્વારા યોજાયેલી આ સભા કોઈ દેશનું લોકશાહી કે વોટ બચાવવા માટેનું અભિયાન નહોતું, પરંતુ તે માત્રને માત્ર ગેરકાયદેસર રીતે દેશમાં ઘૂસી આવેલા ઘૂસણખોરોને બચાવવાની રેલી હતી.” શાહના આ નિવેદન બાદ ભાજપ અને વિપક્ષ વચ્ચે રાજકીય યુદ્ધ વધુ ઉગ્ર બન્યું હતું.
કોંગ્રેસનો પલટવાર: ‘૭ વર્ષમાં ઘૂસણખોરી રોકી શક્યા નથી’
અમિત શાહના આ નિવેદનનો જવાબ આપતા કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (અગાઉનું ટ્વિટર) પર હિન્દીમાં એક પોસ્ટ શેર કરીને ગૃહમંત્રી પર આકરા પ્રહારો કર્યા હતા.
પવન ખેડાએ ગૃહમંત્રીની કાર્યશૈલી સામે સવાલો ઉઠાવતા લખ્યું કે, “જો તમારાથી દેશનું ગૃહ મંત્રાલય નથી સંભળાતું અને તે તમારા કાબૂ બહાર થઈ ગયું છે, તો પછી તમે હજુ સુધી એ ખુરશીને કેમ વળગી રહ્યા છો? છેલ્લા ૭ વર્ષથી તમારાથી દેશમાં કહેવાતા ૩ કરોડ ઘૂસણખોરો પર નિયંત્રણ મેળવી શકાયું નથી.“
સરહદી સુરક્ષા અને આંતરિક સ્થિતિ પર સવાલો
પોતાની પોસ્ટમાં પવન ખેડાએ દેશના વિવિધ રાજ્યોની પરિસ્થિતિ અને ભૂતકાળમાં થયેલા આતંકી હુમલાઓનો ઉલ્લેખ કરીને સરકારની નિષ્ફળતાઓને રેખાંકિત કરી હતી:
મણિપુર હિંસા: તેમણે લખ્યું કે છેલ્લા ૩ વર્ષથી મણિપુર રાજ્ય સળગી રહ્યું છે અને ત્યાંની પરિસ્થિતિ ગૃહ મંત્રાલયના નિયંત્રણ બહાર છે.
અરુણાચલ પ્રદેશ અને સરહદી વિવાદ: હવે મણિપુર પછી અરુણાચલ પ્રદેશ જેવા સરહદી રાજ્યોની સ્થિતિ પણ યોગ્ય રીતે સંભાળવામાં આવી રહી નથી.
સુરક્ષામાં ચૂક: પુલવામામાં થયેલો ભયાનક આતંકી હુમલો હોય કે પછી પહેલગામની ઘટનાઓ હોય, દેશની આંતરિક સુરક્ષા જાળવવામાં વર્તમાન નેતૃત્વ સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે.

‘ગૃહમંત્રી પદ છોડી ફરી ભાજપ પ્રમુખ બની જાઓ’
કોંગ્રેસના નેતાએ ગૃહમંત્રી અમિત શાહને સલાહ આપતા અને કટાક્ષ કરતા કહ્યું કે, “દેશની આંતરિક સુરક્ષા અને મંત્રાલય ચલાવવું એ તમારા કદ અને ક્ષમતા બહારની વાત છે. આ જવાબદારી તમારાથી સંભાળી શકાય તેમ નથી, તેથી આ હોદ્દો છોડી દો.“
પવન ખેડાએ વધુમાં ઉમેર્યું હતું કે અમિત શાહે દેશના ગૃહમંત્રી તરીકે કામ કરવાના બદલે ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની કમાન સંભાળી લેવી જોઈએ, કારણ કે તેઓ દેશની સુરક્ષા કરવા કરતા પક્ષનું રાજકારણ રમવામાં વધુ રસ ધરાવે છે. રામલીલા મેદાનની રેલી બાદ શરૂ થયેલો આ વાક્યુદ્ધ હવે દેશના આગામી રાજકીય માહોલને વધુ ગરમ કરી રહ્યો છે.
