ગુજરાત સરકાર એક્શન મોડમાં! હોટલ-રેસ્ટોરન્ટના રસોડાંથી લઈને ખોરાકની ગુણવત્તા સુધી થશે તપાસ
ગુજરાતના નાગરિકો અને રાજ્યભરમાંથી પસાર થતા મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે કડક અને નિર્ણાયક પગલાં ભરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બહારના ખોરાકમાં ભેળસેળ અને અસ્વચ્છતાની ફરિયાદો વચ્ચે આરોગ્ય વિભાગ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ઉચ્ચ અધિકારીઓની એક અત્યંત મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાદ્ય પદાર્થોના વેચાણમાં પારદર્શિતા લાવવા, ગુણવત્તા જાળવવા અને જનઆરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય મંત્રીએ નેશનલ હાઈવે તથા રાજ્યના મુખ્ય હાઈવે પર આવેલી તમામ હોટલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા અને ફૂડ સર્વિસ સાથે સંકળાયેલી તમામ પેઢીઓનું સઘન અને કડક ચેકિંગ કરવા અધિકારીઓને સ્પષ્ટ આદેશો આપ્યા છે. મંત્રીના દિશાનિર્દેશ મુજબ, ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬’ હેઠળ આજથી એટલે કે તા. ૧૯ નવેમ્બર, ૨૦૨૬થી સમગ્ર રાજ્યમાં “ઓપરેશન હેલ્થ” અંતર્ગત ખાસ તપાસણી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
હાઈવે કોરિડોર પર ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખમાં તપાસ
આ મહાઅભિયાન અંગે વધુ વિગતો આપતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આ ઝુંબેશને સફળ અને અસરકારક બનાવવા માટે તમામ મહાનગરપાલિકાઓ સહિત રાજ્યના તમામ જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરઓને ખાસ આદેશો જારી કરવામાં આવ્યા છે. આ ઝુંબેશ માત્ર શહેરો પૂરતી મર્યાદિત ન રહેતા, લાંબા અંતરની મુસાફરી કરતા લોકો જ્યાં જમવાનું પસંદ કરે છે તેવા નેશનલ અને રાજ્યના મુખ્ય હાઈવે કોરિડોર પર ધમધમતી તમામ હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ઢાબાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
આ તમામ હાઈવે એકમોનું ચેકિંગ સંબંધિત જિલ્લાના ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે. ઘણી વખત હાઈવે પરના ઢાબા અને હોટલોમાં સ્વચ્છતાના અભાવ, વાસી ખોરાક કે હલકી ગુણવત્તાના તેલ-મસાલાના ઉપયોગની ફરિયાદો ઉઠતી હોય છે, ત્યારે આ વિશેષ ડ્રાઈવ મુસાફરોના સ્વાસ્થ્ય માટે અત્યંત રાહતરૂપ અને સુરક્ષાદાયક સાબિત થશે.
FoSCoS પોર્ટલ દ્વારા ઓનલાઈન ઈન્સ્પેક્શન અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન
તપાસણી પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા, ચોકસાઈ અને ગતિશીલતા જળવાઈ રહે તે માટે તમામ ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા તમામ ખાદ્ય એકમોનું ઓનલાઈન ઈન્સ્પેક્શન ‘FoSCoS’ (Food Safety Compliance System) પોર્ટલના માધ્યમથી કરવામાં આવશે. આ ડિજિટલ વ્યવસ્થાને કારણે તપાસણીના અહેવાલો ત્વરિત નોંધાશે અને નિયમોના ભંગ સામે ઝડપી કાર્યવાહી કરવી સરળ બનશે.
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપતા જણાવ્યું છે કે, ખાદ્ય એકમો સાથે સંકળાયેલા તમામ રસોઈયા, વેઈટર અને અન્ય કર્મચારીઓએ કામ દરમિયાન ફરજિયાતપણે કેપ, એપ્રોન અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવા પડશે. આ ઉપરાંત, રસોડા અને આસપાસના સમગ્ર પરિસરમાં ઉચ્ચ સ્તરીય સ્વચ્છતા અને હાઈજીન જળવાય તે બાબતનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. ખોરાક બનાવવાની જગ્યાએ ગંદકી કે જંતુઓનો ઉપદ્રવ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં.
ભેળસેળિયા અને બેદરકાર એકમો સામે કડક દંડાત્મક કાર્યવાહીની ચેતવણી
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, સામાન્ય નાગરિકો અને મુસાફરોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારના ચેડાં અથવા બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં. “ઓપરેશન હેલ્થ” દરમિયાન જ્યાં પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ, અસ્વચ્છતા કે નિયમોનો ભંગ શંકાસ્પદ જણાશે, ત્યાં ત્વરિત ધોરણે ખાદ્યચીજોના સેમ્પલ લેવામાં આવશે અને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
એટલું જ નહીં, ફૂડ સેફ્ટી એક્ટના ‘શિડ્યુલ-૪’ ની જોગવાઈઓનો ભંગ કરનારા એકમો સામે કડક પગલાં લેવાશે. જેમાં શરૂઆતના તબક્કે ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવાથી લઈને, ગંભીર બેદરકારી જણાય તો એકમનું લાયસન્સ સસ્પેન્ડ કરવા અથવા કાયમી ધોરણે રદ કરવા સુધીની દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ વાન દ્વારા પણ વિવિધ સ્થળોએ જરૂરી તપાસ અને ખાદ્ય ચીજોનું સ્થળ પર જ ટેસ્ટીંગ કરવામાં આવશે, જેથી લોકોને તાત્કાલિક ગુણવત્તાની ખાતરી મળી શકે.
વેપારીઓ અને સંચાલકોને સ્વયંભૂ નિયમો પાળવાની અપીલ
આ મહાઅભિયાનના ભાગરૂપે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ રાજ્યના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરો — ખાસ કરીને હાઈવે અને શહેરોની હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને હાર્દિક અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ગ્રાહકો તથા મુસાફરોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને સુરક્ષિત આહાર મળી રહે તે આપણી સહિયારી જવાબદારી છે. તેથી તમામ વેપારીઓ અને સંચાલકોએ ફૂડ સેફ્ટીના કાયદાઓ અને સ્વચ્છતાના નિયમોનું સ્વયંભૂ અને ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે.
ગુજરાતભરમાં શરૂ થયેલી આ ફૂડ સેફ્ટી મેગા ડ્રાઈવને કારણે હવે ભેળસેળ કરતા અને સ્વચ્છતાના નિયમો નેવે મૂકતા એકમોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે બીજી તરફ જાગૃત નાગરિકો અને મુસાફરોએ સરકારના આ કડક અને લોકહિતલક્ષી નિર્ણયને આવકાર્યો છે.
