આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવથી લઈને મહેસાણાના ઓર્ગેનિક પ્લાન્ટ સુધી, અમિત શાહનો વ્યસ્ત દિવસ
Amit Shah Gujarat visit 2025: ગુજરાત ફરી એકવાર રાજકીય રીતે જીવંત બનવા જઈ રહ્યું છે. 14 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લાના આદિવાસી વિસ્તાર ડેડીયાપાડા ખાતે એક વિશાળ સભાને સંબોધન કરવા આવી રહ્યા છે. પરંતુ, તેના એક દિવસ પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 નવેમ્બરે ગુજરાતના એકદિવસીય પ્રવાસે આવી પહોંચશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, અમિત શાહનો આ પ્રવાસ મુખ્યત્વે તેમના સંસદીય ક્ષેત્ર અને અમદાવાદના કાર્યક્રમો પર કેન્દ્રિત રહેશે. 13 નવેમ્બરના રોજ તેઓ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ વિશાળ કાર્યક્રમનું આયોજન નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. આ પુસ્તક મેળો 13 થી 23 નવેમ્બર સુધી ચાલશે. ઉદ્ઘાટન સમારંભમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત, અમિત શાહ તેમના સંસદીય વિસ્તાર મહેસાણાના બોરીયાવી ગામમાં પણ જશે, જ્યાં તેઓ મોતીલાલ ચૌધરી સૈનિક શાળા ખાતે દૂધસાગર ડેરી દ્વારા બનાવાયેલા ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ કાર્યક્રમમાં ભાગ લેશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વખતની જેમ આ વખતે ગુજરાત પ્રવાસ દરમિયાન પોતાના વિસ્તારની મુલાકાત લઈ, સ્થાનિક જનતા અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. આ રીતે 13 નવેમ્બરના રોજ અમિત શાહના પ્રવાસ પછી, 14 નવેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતમાં આવનારી મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ બની રહી છે.

