દિલ્હી બ્લાસ્ટ તપાસને કારણે યોજનાઓ મુલતવી
Amit Shah Gujarat visit cancelled: દિલ્હીમાં 10 નવેમ્બર, 2025ના રોજ થયેલા કાર બ્લાસ્ટની તપાસ તેજ ગતિએ આગળ વધી રહી છે. આ વિસ્ફોટમાં આતંકવાદી કનેક્શન સામે આવતાં સમગ્ર દેશમાં હાઈ અલર્ટ જાહેર કરાયું છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાની આવનારી ગુજરાત યાત્રા રદ કરી દીધી છે. તેઓ 13 નવેમ્બરનાં રોજ એક દિવસીય પ્રવાસે ગુજરાત આવવાના હતા, જેમાં અમદાવાદ અને મહેસાણા જિલ્લાઓના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાની હતી.
આતંકી કનેક્શનને પગલે એલર્ટ બાદ નિર્ણય
દિલ્હી બ્લાસ્ટ બાદ તપાસ એજન્સીઓ અનેક ખૂણાઓમાંથી તપાસ શરૂ કરી છે. વિસ્ફોટમાં આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠનોનો હાથ હોવાની શંકા વ્યક્ત થતાં દેશભરના મહત્વપૂર્ણ શહેરોમાં સુરક્ષા કવચ કડક કરાયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂટાન પ્રવાસ દરમ્યાન આ ઘટના અંગે કડક નિવેદન આપતાં જણાવ્યું હતું કે, “આ બ્લાસ્ટના ગુનેગારોને છોડવામાં નહીં આવે.”
આ સંજોગોમાં ગૃહમંત્રી અમિત શાહે પણ પોતાની ગુજરાત યાત્રા રદ કરવાનો નિર્ણય લીધો છે, જેથી તેઓ દિલ્હીમાં તપાસની મોનિટરિંગ કરી શકે.

અમદાવાદ અને મહેસાણાના કાર્યક્રમો હવે મુલતવી
ગૃહમંત્રી અમિત શાહનો 13 નવેમ્બરના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળાના ઉદ્ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનો કાર્યક્રમ હતો. આ મેળાનું આયોજન નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને અમદાવાદ મહાનગર પાલિકાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે, જે 13 થી 23 નવેમ્બર સુધી ચાલશે. તે ઉપરાંત, તેઓ પોતાના સંસદીય ક્ષેત્ર મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામ ખાતે આવેલ મોતીલાલ ચૌધરી સૈનિક શાળામાં યોજાનારા દૂધસાગર ડેરીના ઓર્ગેનિક પ્લાન્ટના લોકાર્પણ સમારંભમાં પણ હાજરી આપવા માટે નિર્ધારિત હતા. હવે આ બંને કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી નહીં આપે.

11 દિવસીય જ્ઞાન મહોત્સવ — અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ
આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળો “Ahmedabad International Book Festival 2025” તરીકે ઓળખાશે. આ વિશાળ મેળો એક લાખથી વધુ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં યોજાશે અને તેમાં 300થી વધુ ઇવેન્ટ્સ સાથે યુવાનો માટે વિશેષ સ્ટેજ પણ તૈયાર કરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલોને આ જ્ઞાનમહોત્સવમાં જોડાવવા ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.

