સૌરાષ્ટ્રના પશુપાલકો માટે અગત્યની જાણકારી – ફૂગજન્ય રોગોથી બચાવના સરળ ઉપાય
Mycotoxicosis in animals: ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. અનેક પશુપાલકો દૂધ, ઘી અને દૂધઉત્પાદન દ્વારા લાખો રૂપિયાની આવક મેળવે છે. પરંતુ આ કમાણીનો આધાર પશુઓના સ્વાસ્થ્ય પર ટકેલો છે. જેમ માનવ શરીર વિવિધ રોગોથી પીડાય છે, તેમ પશુઓ પણ અનેક જીવલેણ બીમારીઓનો ભોગ બને છે. જો રોગોનું નિદાન સમયસર ન થાય, તો પશુઓનું મૃત્યુ અને પશુપાલકો માટે મોટું આર્થિક નુકસાન અનિવાર્ય બની શકે છે.
તાજેતરમાં પશુચિકિત્સકો દ્વારા ખાસ ચેતવણી આપવામાં આવી છે કે ફૂગજન્ય રોગો (fungal diseases) પશુપાલકો માટે ચિંતાજનક બની રહ્યા છે. તેમાં સૌથી ગંભીર રોગ છે “માયકોટોક્સિકોસિસ” (Mycotoxicosis) — જે ફૂગથી ઉત્પન્ન થતા માયકોટોક્સિન નામના ઝેરી તત્વોના કારણે થાય છે. આ ફૂગ સામાન્ય રીતે ભેજવાળા વાતાવરણમાં મકાઈ, જુવાર, મગફળી, ઘાસ અથવા અન્ય ચારા પર ઝડપથી ફેલાય છે. જ્યારે પશુઓ આવા ફૂગયુક્ત ચારા ખાય છે, ત્યારે ઝેર શરીરમાં પ્રવેશીને આંતરિક અંગોને નુકસાન પહોંચાડે છે.

આ રોગના મુખ્ય લક્ષણોમાં ચામડી ઉતરવી, શરીર પર પડ ઉખડવા, ખોરાક લેવામાં અણગમો, તાવ આવવો, અને ગંભીર હાલતમાં ગેંગરીન થવું સામેલ છે. દૂધ આપતાં પશુઓમાં આ રોગ થવાથી દૂધ ઉત્પાદનમાં 15%થી વધુ ઘટાડો થાય છે, જેના કારણે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન થાય છે. પશુ ચિકિત્સા અધિકારી ડૉ. રાહુલ જાળેલા જણાવે છે, “ઘણા પશુપાલકોને ફૂગજન્ય રોગો વિશે પૂરતી જાણકારી નથી. ચારા ભેજવાળા વાતાવરણમાં રાખવાથી તેમાં ફૂગ લાગે છે અને તેમાંથી ઝેરી માઈકોટોક્સિન બને છે. એકવાર લક્ષણો દેખાય, તો વિલંબ કર્યા વિના પશુ ડૉક્ટરને બોલાવવો જોઈએ.”
રોગ નિયંત્રણ માટેના સાવચેતીના પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ છે:
ચારો ક્યારેય ભેજવાળી જગ્યાએ લાંબા સમય સુધી ન રાખવો.
સૂર્યપ્રકાશમાં ચારો સુકવીને જ ઉપયોગમાં લેવો.
નિયમિતપણે પશુઓને મિનરલ મિક્સર પાવડર આપવું.
ફૂગનાશક દવાઓનો સમયસર ઉપયોગ કરવો.

જો રોગ થઈ જાય તો પણ ઝડપી સારવાર પશુને બચાવી શકે છે. પશુપાલકો માટે એ જરૂરી છે કે તેઓ ચારા ખરીદતા અને સંગ્રહ કરતી વખતે તેની ગુણવત્તા તપાસે. નાનામાં નાનું લક્ષણ દેખાય તો નજીકના પશુચિકિત્સાલય અથવા ડૉક્ટરનો તાત્કાલિક સંપર્ક કરે. સમયસર પગલાં લેશે તો પશુનો જીવ અને તમારું આર્થિક સ્વાસ્થ્ય બંને બચાવી શકાશે.

