વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતના કારણે ગુજરાતમાં માવઠું અને કાતિલ ઠંડીની આગાહી
Gujarat weather forecast: ગુજરાતમાં હાલ શિયાળાની ઋતુ ધીમે ધીમે પોતાની હાજરી નોંધાવી રહી છે. હવામાનમાં ઠંડક વધતી જાય છે અને અનેક વિસ્તારોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. ગુજરાતની સાથે રાજસ્થાનમાં પણ પારો ઝડપથી ઘટી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ રાજ્યના પાંચ મુખ્ય શહેરોમાં લઘુત્તમ તાપમાન 15°Cથી ઓછું નોંધાયું છે.
હવામાન વિભાગના અહેવાલ મુજબ, દાહોદ હાલનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યાં તાપમાન 12.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તે પછી ડાંગમાં 12.8 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી, અને વડોદરામાં 15.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આકાશ ખુલ્લું રહ્યું છે અને હવા ઉત્તરપૂર્વ દિશાથી ફૂંકાઈ રહી છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા જાહેર કરાયેલી આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે ખુલ્લું રહેશે. શહેરનું લઘુત્તમ તાપમાન આશરે 15°C રહેવાની શક્યતા છે, જ્યારે હવામાન શુષ્ક રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાના તાજા પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે, 16થી 18 નવેમ્બર વચ્ચે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાતીય સિસ્ટમ સર્જાવાની સંભાવના છે. આ સિસ્ટમના પ્રભાવથી 18થી 24 નવેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે.

તેમણે વધુમાં ઉમેર્યું છે કે, 18થી 20 નવેમ્બર વચ્ચે ચક્રવાતની અસર સ્પષ્ટ રીતે જોવા મળશે અને ત્યારબાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં વધુ પલટો આવશે. ડિસેમ્બર મહિનાના મધ્ય સુધી કમોસમી વરસાદની શક્યતા રહેશે, જ્યારે 16 ડિસેમ્બર પછી માવઠું થવાની શક્યતાઓ રહેશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 20 ડિસેમ્બરથી ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની સ્થિતિ સર્જાશે, જેના કારણે ઠંડીની તીવ્રતા વધશે. 22 ડિસેમ્બરથી “કાતિલ ઠંડી” શરૂ થશે અને 11 જાન્યુઆરીથી ઠંડા પવનના ઝોકા ગુજરાત સુધી પહોંચશે. ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો પ્રભાવ ચાલુ રહેવાની શક્યતા છે. આ રીતે, આગામી અઠવાડિયાથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ વધશે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની સંભાવના છે.

