આંબલીવાળી પોળથી વિશ્વવ્યાપી થયેલી બી.એ.પી.એસ. સંસ્થાની સેવા પરંપરાને યાદ કરતો વિશાળ મહોત્સવ
વિક્રમ સંવત 2006ના જેઠ સુદ 4ના રોજ, અમદાવાદના શાહપુર સ્થિત આંબલીવાળી પોળમાં એક નાનકડા પરંતુ પવિત્ર સ્થાને શાસ્ત્રીજી મહારાજે શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને બી.એ.પી.એસ. સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. સાંજે 5 વાગ્યે થયેલી આ નિમણૂક માત્ર સંસ્થાની જ નહીં, પરંતુ સમગ્ર સાંપ્રદાયિક જીવનયાત્રાની દિશા નક્કી કરતી હતી. તેમની વિનમ્રતા અને શુદ્ધ જીવનશૈલીને કારણે તેઓ ઝડપથી સંતો અને ભક્તોના પ્રીય બની ગયા.
કરોડો ભક્તોના હૃદયમાં સ્થાપિત નામ
અધ્યક્ષપદ પ્રાપ્ત કર્યા પછી શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી ‘પ્રમુખસ્વામી મહારાજ’ તરીકે લોકહૃદયમાં સ્થિર થયા. તેમની સરળતા, મમતા અને સેવાભાવને કારણે સંસ્થાના વૈશ્વિક વિસ્તરણને નવી શક્તિ મળી. પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞા – દેહની પરવા કર્યા વિના સેવા કરવા – તેમના સમગ્ર જીવનમાં સાકાર થઈ. હજારો લોકકલ્યાણ અભિયાનો અને અવનવા પ્રદાન આજે પણ તેમની યાદ અપાવે છે.
આંબલીવાળી પોળનું ધાર્મિક અને ઐતિહાસિક સ્થાન
બી.એ.પી.એસ. સંસ્થાના અનેક મહત્વના નિર્ણયો આંબલીવાળી પોળમાંથી લેવાયા છે, જેને યજ્ઞપુરુષ પોળ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1938માં અહીંથી ‘સ્વામિનારાયણ પ્રકાશ’ સામાયિકની શરૂઆત થઈ હતી, જે બાદમાં આંતરરાષ્ટ્રીય પ્રકાશનનું કેન્દ્ર બની ગયું. 1939માં અહીં પ્રમુખસ્વામી મહારાજને પાર્ષદ દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ સંસ્કૃત અધ્યયન માટે આજ્ઞાપત્ર મળ્યું. અનેક મંદિર નિર્માણના નિર્ણયો પણ આ જ સ્થાનમાંથી લીધા હતા.
નવા રૂપમાં દર્શાવાયેલ પવિત્ર સ્થાન
2022માં મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી પ્રમુખસ્વામી મહારાજના જન્મશતાબ્દી વર્ષે આંબલીવાળી પોળનું સુંદર નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પોળના આધ્યાત્મિક વાતાવરણને જાળવીને તેને આધુનિક સુવિધાઓ સાથે વિકસાવવામાં આવ્યું. ભક્તો માટે આ સ્થાન આજે પણ પવિત્ર સ્મૃતિઓનું કેન્દ્ર છે અને પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે.
પ્રમુખવરણી અમૃત મહોત્સવના પાવન પ્રસંગો
2025માં પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીના 75 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર વર્ષ દરમિયાન ભક્તોએ પદયાત્રા, ચાદર અર્પણ અને વિવિધ સેવારૂપે ભક્તિ વ્યક્ત કરી. કાર્યક્રમોમાં પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્યોને મૂર્ત સ્વરૂપમાં દર્શાવવા માટે વિશાળ સાંસ્કૃતિક રજૂઆતોનું આયોજન થયું છે. મહોત્સવમાં તેમના પુરુષાર્થ, કરુણા અને ધાર્મિક દ્રષ્ટિકોણને વિશેષ સ્થાન અપાયું છે.
સેવાભાવી વ્યવસ્થાઓ અને વિશાળ આયોજન
મહોત્સવ માટે છેલ્લા બે મહિનાથી 20 જેટલા સેવાવિભાગો અને 5500થી વધુ સ્વયંસેવકો સેવારત છે. રિવરફ્રન્ટ નજીક પાર્કિંગથી લઈને ટ્રાફિક નિયંત્રણ સુધીની વ્યવસ્થા અત્યંત સુવ્યવસ્થિત રીતે ગોઠવાઈ છે. આશરે 40 હજાર ભક્તો નિર્ધારિત સમય મુજબ કાર્યક્રમ સ્થળે પહોંચી પોતાના સ્થાન ગ્રહણ કરશે.
મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે. 7 ડિસેમ્બર અને રવિવારની સાંજ દરમિયાન નદીકિનારે અલંકૃત તરતાં ફ્લોટસ દ્વારા પ્રમુખસ્વામી મહારાજને ભક્તિભરી વંદના અર્પણ થશે.
વિશ્વભરના ભક્તો માટે જીવંત પ્રસારણ
કાર્યક્રમની બેઠક ક્ષમતા અગાઉથી આરક્ષિત હોવાથી દેશ-વિદેશના લાખો ભક્તો પોતાના નિવાસસ્થાનેથી જીવંત પ્રસારણ દ્વારા આ ભવ્ય મહોત્સવનો આનંદ લઈ શકશે. આસ્થા ભજન ચેનલ, live.baps.org અને અન્ય પ્લેટફોર્મ દ્વારા કાર્યક્રમનું વિશાળ પ્રસારણ કરવામાં આવશે, જેથી દરેક ભક્ત આ આધ્યાત્મિક ક્ષણનો સાક્ષી બની શકે.

