ધરમપુર: બસ સુવિધાના અભાવે વિદ્યાર્થીઓમાં રોષ, ABVP નું આવેદન

2 Min Read

ધરમપુર બસ સ્ટેશનની અવ્યવસ્થા મુદ્દે ABVP ધરમપુરનું આવેદનપત્ર, આંદોલનની ચેતવણી

ધરમપુર શહેરના બસ સ્ટેશન ખાતે લાંબા સમયથી ચાલી રહેલી અવ્યવસ્થિત બસ વ્યવસ્થાના પ્રશ્નો અંગે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ધરમપુર એકમ દ્વારા ડેપો મેનેજરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધરમપુર તાલુકાના આશરે ૧૦૮ જેટલા ગામડાઓમાંથી અભ્યાસ અર્થે ધરમપુર આવતા વિદ્યાર્થીઓને બસ વ્યવસ્થાના અભાવે રોજિંદી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ધરમપુર-કપરાડા, ધરમપુર-અરણાઈ તથા અન્ય રૂટ પર સમયસર બસો ન આવવી, રસ્તામાં આવેલા ગામોના વિદ્યાર્થીઓને બસોમાં ચઢવા ન દેવા, તેમજ કેટલાક કન્ડક્ટરો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અયોગ્ય વર્તન થવાની ફરિયાદો ઉઠાવવામાં આવી છે.

- Advertisement -

IMG 20251227 WA0000.jpg

આ ઉપરાંત ડેપો કેમ્પસના પાછળના ભાગે લાઇટની સુવિધાનો અભાવ અને સુરક્ષાની અપૂરતી વ્યવસ્થાના કારણે વિદ્યાર્થીઓની સલામતીને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નાની વહીયાળ વિસ્તારના વિદ્યાર્થીઓને પાસ આપવામાં અને રૂટ ફિક્સ કરવામાં આવતી અનિયમિતતાઓ અંગે પણ ABVP દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે.

- Advertisement -

અહીં નોંધનીય છે કે ધરમપુર બસ ડેપોની અવ્યવસ્થા બાબતે અગાઉ પણ નગરજનો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક વખત રજૂઆતો કરવામાં આવી ચૂકી છે, તેમ છતાં આજદિન સુધી કોઈ ઠોસ અને કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

આ ઉપરાંત આજના 5G અને AIના આધુનિક યુગમાં પણ એસ.ટી. વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ તથા મુસાફરો માટે ઘર બેઠા ઓનલાઈન પાસ નીકળે તેવી સરળ વ્યવસ્થા કે બસની અંદર UPI મારફતે પેમેન્ટ કરવાની સામાન્ય સુવિધા પણ ઉપલબ્ધ ન હોવું એ એસ.ટી. વિભાગની વ્યવસ્થાકીય નિષ્ફળતા અને દુર્દશા દર્શાવે છે.

IMG 20251227 WA0002.jpg

- Advertisement -

આ તમામ મુદ્દાઓનું નિરાકરણ ન લાવવામાં આવે તો ABVP દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે તેમ પણ આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ અવસરે પ્રદેશ જનજાતિ કાર્ય સહ-પ્રમુખ તથા વલસાડ જિલ્લા સંયોજક મનનભાઈ પટેલ, ધરમપુર-કપરાડા ભાગ સંયોજક જયદીપભાઈ પવાર, ધરમપુર નગર મંત્રી રાજભાઈ ખરવાળ સહિત ધરમપુર નગરના અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Share This Article