કેલિફોર્નિયા પ્રાંતના ગવર્નર ગેવિન ન્યુસમે શુક્રવારે લોસ એન્જેલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેલી ભીષણ આગની અસર અને જોખમને ધ્યાનમાં રાખી રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે. કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આ આગ 5,000 એકર કરતા વધારે વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. બીજીબાજુ સોમવારે લોસ એન્જેલસથી 65 કિમી દૂર સેન્ટા ક્લેરિટામાં પણ આગ લાગી હોવાના અહેવાલ છે. ન્યૂસમે કહ્યું હતું કે હું લોસ એન્જલસ અને સોનોમા ક્ષેત્રમાં લાગેતી આગની ભીષણતાને જોતા ઈમર્જન્સીની જાહેરાત કરું છે. સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે અત્યાર સુધીમાં 500 જેટલા ઘર સળગી ગયા છે અને અનેક ઘર ક્ષતિગ્રસ્ત થયા છે.
એક મહિલાનું દાઝી જવાથી મૃત્યુ થયું
આ અગાઉ અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારના રોજ સેન્ટ પૌલ સ્થિત મહિલા વર્જીનિયા પેસોલા (70) નું દાઝી જવાથી મૃત્યુ થયું હતું. આગને લીધે મૃત્યુ પામવાની આ પ્રથમ ઘટના હતી. સાવચેતીના પગલારૂપે ફાયર બ્રિગેડે આશરે 50,000 લોકોના ઘર ખાલી કરવા આદેશ આપ્યો છે.
તબેલાઓમાં શ્વાસ રુંધાવાથી ઘોડાઓનું મૃત્યું
ગુરુવાર રાત્રે સેન ડિયાગોના તબેલાઓમાં શ્વાસ રુંધાવાને લીધે કેટલાક ઘોડાનું મોંત થયું છે, કેટલાક ઘોડાને સમયસર બચાવી લેવામાં આવ્યા છે. આગ ઓલવવા માટે 1,000 કર્મચારી, 500 ફાયર બ્રિગેડના વાહનો, એર ટેન્કરો અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી છે.
રવિવારે વધી શકે છે પવનની ઝડપ
રાષ્ટ્રીય હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે રવિવાર સુધી હવાની ઝડપ વધી શકે છે. આ અગાઉ ઉત્તરી કેલિફોર્નિયાના વાઈન કન્ટ્રી વિસ્તારમાં જંગલમાં આગ લાગી હતી. બાદમાં આ આગ 16,000 એકરમાં ફેલાઈ ગઈ હતી, જેને લીધે 2,000 લોકોને ઘર ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા હતા. લાખો ગ્રાહકોના વીજ પુરવઠાને અસર થઈ કેલિફોર્નિયાના ઉત્તરી વિસ્તારમાં વીજળી કંપનીઓએ આશરે 1,80,000 ગ્રાહકોનો વીજળી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. દુર્ઘટના અને આગ ફેલાવવાના જોખમને ઓછું કરવા માટે આ
વીજ પુરવઠો અટકાવ્યો છે.