બદલાતા હવામાનમાં શાકભાજીની ખેતી માટે પ્રાકૃતિક ખેતી બનશે સંજીવની: ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં વધારો
ગુજરાતીઓ માટે શિયાળો એટલે તાજા અને લીલાછમ શાકભાજીની મોસમ. પાલક, ટામેટાં, વાલોળ અને રીંગણ જેવા શાકભાજી વિના શિયાળુ ભાણું અધૂરું ગણાય છે. જોકે, બદલાતા વાતાવરણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે શાકભાજીના ઉત્પાદન પર ખતરો મંડરાઈ રહ્યો છે. આવા સમયે પ્રાકૃતિક કૃષિ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો એ માત્ર જરૂરિયાત જ નહીં પણ અનિવાર્યતા બની ગઈ છે.
ગ્લોબલ વોર્મિંગના પડકારો અને પ્રાકૃતિક ઉપચાર
ભારત વિશ્વના કુલ શાકભાજી ઉત્પાદનમાં ૧૫ ટકા હિસ્સો ધરાવે છે, પરંતુ વધતું તાપમાન પરાગરજની ગુણવત્તા બગાડે છે, જેનાથી ફળ બેસવાનું પ્રમાણ ઘટે છે. આ સમસ્યાના ઉકેલ માટે ‘પ્રાકૃતિક ખેતી’ (Natural Farming) શ્રેષ્ઠ વિકલ્પ છે. જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા વધારવાની સાથે છોડની રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.
આચ્છાદન અને પિયત વ્યવસ્થાપન
વધતી ગરમીમાં જમીનનો ભેજ જાળવી રાખવા માટે ‘આચ્છાદન’ (Mulching) પદ્ધતિ આશીર્વાદરૂપ છે. તે જમીનના તાપમાનને નિયંત્રિત કરી છોડને સુકાતા બચાવે છે. શિયાળામાં હિમ (Frost) થી પાકને બચાવવા માટે તાપમાન ઘટે ત્યારે ૨-૩ દિવસના અંતરે પિયત આપવું જોઈએ. આ ‘માઈક્રો ક્લાઈમેટ’ જાળવણી પાકને ઠંડી સામે રક્ષણ આપે છે.
પોસ્ટ હાર્વેસ્ટ ટેકનોલોજી અને મૂલ્યવર્ધન
ખેતીમાં સૌથી મોટું નુકસાન કાપણી પછીની બેદરકારીને કારણે થાય છે, જે અંદાજે ૩૦ ટકા જેટલું છે. આ બગાડ અટકાવવા માટે શાકભાજીની યોગ્ય સમયે વીણી, પ્રિ-કૂલિંગ અને કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ અનિવાર્ય છે. ગ્રેડિંગ અને આધુનિક પેકેજિંગ દ્વારા શાકભાજીનું મૂલ્યવર્ધન (Value Addition) કરીને ખેડૂતો બજારમાં ઊંચા ભાવ મેળવી શકે છે.
સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો સંગમ
પ્રાકૃતિક ખેતી દ્વારા પકવેલા શાકભાજી ઝેરમુક્ત અને પોષણક્ષમ હોવાથી બજારમાં તેની ભારે માંગ છે. ખેડૂતો જો રાસાયણિક ખાતરોનો ત્યાગ કરી પ્રાકૃતિક પદ્ધતિઓ અને આધુનિક માર્કેટિંગ અપનાવશે, તો વાતાવરણના તણાવ વચ્ચે પણ શાકભાજીની ખેતી નફાકારક સાબિત થશે.

