વલસાડની સરકારી પોલીટેક્નિકમાં આયુર્વેદિક કેમ્પ યોજાયો: વિદ્યાર્થીઓને અપાયું સ્વાસ્થ્ય માર્ગદર્શન
રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વલસાડના માર્ગદર્શન હેઠળ સરકારી પોલીટેક્નીક વલસાડમાં સરકારી આયુર્વેદિક દવાખાનું, તિથલના સહયોગથી વિદ્યાર્થી અને સ્ટાફ માટે આયુર્વેદ ચિકિત્સા કેમ્પ સંસ્થાના આચાર્યા રીંકુ શુક્લાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આયુર્વેદ દવાખાનાના ડૉ.ધર્મિષ્ઠા પટેલે કુમાર અને કન્યા છાત્રાલયના વિદ્યાર્થીઓને જણાવ્યું કે, સુખી જીવન ઉત્તમ સ્વાસ્થ્ય પર નિર્ભર કરે છે. સ્વસ્થ અને સુખી રહેવા માટે આવશ્યક છે કે, શરીરમાં કોઈ વિકાર ન હોય અને જો વિકાર થઇ જાય તો એને તરત જ દૂર કરવામાં આવે. આયુર્વેદનું મુખ્ય લક્ષ્ય વ્યક્તિ કે સ્વાસ્થ્યનું રક્ષણ તેમજ રોગીઓના વિકારનું શમન કરવાનું છે. સાથે દિનચર્યા અને ઋતુચાર્ય વિશે પણ સમજણ આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આવેલા આયુર્વેદ દવાખાના તથા હોમિયોપેથીક જેવા સરકારી આયુષ દવાખાના અને રાજ્ય વ્યાપી સરકારી સગવડ અંગેની વિગતવાર માહિતી પણ આપવામાં આવી હતી.
સંસ્થાના રેક્ટર ડૉ. અમિત ધનેશ્વરે આ પ્રસંગે જણાવ્યું કે, આયુર્વેદ અન્ય ચિકિત્સા પદ્ધતિની જેમ એક ચિકિત્સા પદ્ધતિ માત્ર નહી, પરંતુ સમ્પૂર્ણ આયુષ્યનું જ્ઞાન છે. અને તેને જીવન શૈલી બનાવવાથી અવશ્ય લાભ થાય છે. હાલમાં બદલાતી ઋતુ અને હવામાનના દૈનિક ફેરફારમાં સર્વેની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય અને સીઝનલ બિમારી સામે રક્ષણ મળી રહે તે માટે ઉપસ્થિત સર્વેને ઇમ્યુનીટી બુસ્ટર ડોઝની ગોળીઓનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં પોલીટેકનિકના વિદ્યાર્થીઓ તથા સ્ટાફે તત્કાલ રોગ નિદાન અને તે માટેની દવાઓ પણ મેળવી કાર્યક્રમને બહોળો પ્રતિસાદ આપ્યો હતો. વિવિધ રોગોના અને પથ્યાપથ્યના પેમ્પલેટ્સનું વિતરણ કરાયુ હતું. કેમ્પમાં ફાર્માસિસ્ટ દીપિકા પટેલ તથા સેવક ચૈતાલી બરોડિયાએ સેવા આપી હતી. પોલીટેકનિકના સ્ટાફ કુ. કે. બી. પટેલ અને હેતલ બહેનના સંચાલનમાં સંસ્થાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
