EPF Account Merge Online: નોકરી બદલ્યા પછી જૂનું પીએફ ખાતું આપમેળે મર્જ નહીં થાય; જાણી લો ઓનલાઈન ટ્રાન્સફરની સરળ રીત
આજના સમયમાં નોકરી બદલવી એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે. ખાસ કરીને ખાનગી ક્ષેત્રમાં (Private Sector) કામ કરતા પ્રોફેશનલ્સ દર બે થી પાંચ વર્ષમાં વધુ સારા પેકેજ અને કરિયર ગ્રોથ માટે કંપની બદલતા હોય છે. જ્યારે પણ તમે નવી નોકરીની શરૂઆત કરો છો, ત્યારે તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) તો એ જ રહે છે, પરંતુ નવી કંપની તમારા માટે એક નવું પીએફ મેમ્બર આઈડી (PF Member ID) એટલે કે નવું ખાતું ખોલે છે.
મોટાભાગના કર્મચારીઓ એવું માની લેતા હોય છે કે નોકરી બદલ્યા પછી જૂના પીએફ ખાતાના પૈસા આપમેળે જ નવા ખાતામાં આવી જશે, પરંતુ એવું બિલકુલ નથી. જો તમે પોતે પ્રક્રિયા કરીને જૂના ખાતાને નવા ખાતા સાથે મર્જ (Merge) નહીં કરો, તો તમારા જૂના નાણાં અલગ જ પડ્યા રહેશે.
રિટાયરમેન્ટના સમયને સુરક્ષિત બનાવવા માટે પ્રોવિડન્ટ ફંડ (PF) એ પગારદાર કર્મચારીઓ માટે રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ છે. જો કે, વારંવાર નોકરી બદલવાના કારણે ઘણા લોકોના પીએફ ખાતા વિખરાયેલા રહે છે. નિષ્ણાતોના મતે, નોકરી બદલ્યા બાદ પીએફ ટ્રાન્સફર કરવું કાયદેસર રીતે ફરજિયાત નથી, પરંતુ ભવિષ્યની મોટી મુશ્કેલીઓ અને આર્થિક નુકસાનથી બચવા માટે તે અત્યંત ફાયદાકારક છે.
પીએફ ખાતાઓ મર્જ કરવાના મુખ્ય ફાયદા
તમામ જૂના પીએફ ખાતાઓને વર્તમાન ખાતા સાથે જોડવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારી નિવૃત્તિની બચત એક જ જગ્યાએ સંગ્રહિત થાય છે. આનાથી ખાતાનું સંચાલન કરવું ખૂબ સરળ બને છે અને અલગ-અલગ સભ્ય આઈડીને ટ્રેક કરવાની ઝંઝટ રહેતી નથી.
બીજો સૌથી મોટો અને ટેક્સ સંબંધિત ફાયદો એ છે કે જ્યારે તમે જૂનું એકાઉન્ટ ટ્રાન્સફર કરો છો, ત્યારે તમારી જૂની કંપનીનો સર્વિસ હિસ્ટ્રી (નોકરીના વર્ષો) પણ આપમેળે નવી કંપનીના ખાતા સાથે જોડાઈ જાય છે. આવકવેરાના નિયમો અનુસાર, જો કોઈ કર્મચારી સતત ૫ વર્ષની નોકરી પૂર્ણ કર્યા પછી પીએફના પૈસા ઉપાડે છે, તો તેના પર કોઈ ટેક્સ (Tax) લાગતો નથી. પરંતુ જો તમે ખાતા મર્જ નહીં કરો, તો દરેક નોકરીનો સમયગાળો અલગ ગણાશે અને ટૂંકા ગાળામાં પૈસા ઉપાડવા પર ટેક્સ કપાશે. ઉપરાંત, નિવૃત્તિ વખતે અંતિમ સમાધાન (Final Settlement) પ્રક્રિયા પણ સિંગલ એકાઉન્ટ હોવાથી ખૂબ ઝડપી બને છે.
ઓટોમેટિક ટ્રાન્સફર સિસ્ટમ ક્યારે કામ કરે છે?
તાજેતરમાં ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ પ્રક્રિયાઓને ઘણી હદ સુધી સ્વચાલિત (Automate) કરી છે. પરંતુ આ ઓટોમેટિક ટ્રાન્સફર ત્યારે જ શક્ય બને છે જ્યારે કેટલીક શરતો પૂરી થતી હોય. જેવી કે, તમારો યુએન (UAN) નંબર એક્ટિવ હોવો જોઈએ, તમારા કેવાયસી (KYC) દસ્તાવેજો જેવા કે બેંક વિગતો સંપૂર્ણપણે અપડેટ હોવા જોઈએ, અને અગાઉની કંપની છોડવાની તારીખ (Date of Exit) સિસ્ટમમાં યોગ્ય રીતે નોંધાયેલી હોવી જોઈએ. આ સાથે જ બંને એમ્પ્લોયર પીએફઓ સાથે ડિજિટલી રજિસ્ટર્ડ હોવા જોઈએ. જો આ બધું બરાબર હશે, તો નવો એમ્પ્લોયર પ્રથમ મહિનાનું પીએફ યોગદાન જમા કરશે કે તરત જ સિસ્ટમ ઓટો-ટ્રાન્સફરની વિનંતી જનરેટ કરી શકે છે.
પીએફ એકાઉન્ટ ઓનલાઈન મર્જ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત
જો તમારું ખાતું આપમેળે ટ્રાન્સફર નથી થયું, તો તમે પોતે ઈપીએફઓ ના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ (Unified Member Portal) પર જઈને આ કામ મિનિટોમાં કરી શકો છો:
૧. સૌથી પહેલા EPFO ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તમારા ૧૨ અંકના UAN નંબર અને પાસવર્ડની મદદથી લોગ-ઈન કરો.
૨. લોગ-ઈન થયા બાદ, હોમ પેજ પર ઉપર દેખાતા ‘Online Services’ ટેબમાં જાઓ અને ત્યાંથી ‘One Member, One EPF Account (Transfer Request)’ વિકલ્પ પર ક્લિક કરો.
૩. આનાથી એક નવું પેજ ખુલશે, જ્યાં તમારા વર્તમાન એમ્પ્લોયર અને પીએફ ખાતાની વિગતો દેખાશે, જ્યાં તમારા જૂના પૈસા ટ્રાન્સફર થઈને આવવાના છે.
૪. તમારી વર્તમાન વિગતો ચકાસ્યા બાદ, નીચે આપેલા સેક્શનમાં તમારા અગાઉના પીએફ ખાતાની વિગતો મેળવવા માટે ‘Get Details’ અથવા ફેચ વિકલ્પ પર ક્લિક કરો.
૫. હવે, વિગતો મેળવવા માટે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને UAN દાખલ કરીને ‘Get OTP’ પર ક્લિક કરો. તમારા મોબાઈલ પર આવેલો વન-ટાઇમ પાસવર્ડ (OTP) પોર્ટલ પર સબમિટ કરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરો.
૬. છેલ્લે, એક ઘોષણા પત્ર (Declaration Box) પર ટિક કરવાનું રહેશે. આ ક્લેમને વેરિફાય કરવા માટે તમે તમારા જૂના એમ્પ્લોયર અથવા વર્તમાન એમ્પ્લોયર બેમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો. ડિજિટલ હસ્તાક્ષર દ્વારા ઓથેન્ટિકેશન પૂર્ણ કરીને રિક્વેસ્ટ સબમિટ કરો.
એકવાર ઓનલાઈન અરજી સબમિટ થઈ ગયા પછી, તમારા એમ્પ્લોયર પોર્ટલ પરથી આ મર્જર વિનંતીને મંજૂરી આપશે. ત્યારબાદ EPFO વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને તમારા જૂના ખાતાનું તમામ બેલેન્સ ચાલુ ખાતામાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી દેશે.

