ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ: દિલ્હી સહિત 17 રાજ્યોમાં કોલ્ડ વેવ અને ગાઢ ધુમ્મસનું એલર્ટ
સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળો હવે તેના આકરા મિજાજમાં જોવા મળી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ૨૬ ડિસેમ્બરના રોજ દિલ્હી-NCR અને અન્ય ૧૭ રાજ્યો માટે આગામી દિવસોમાં ગાઢ ધુમ્મસ અને કાતિલ ઠંડીની ચેતવણી જારી કરી છે.
ધુમ્મસ અને વિઝિબિલિટી પર અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, આસામ, મેઘાલય, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તર છત્તીસગઢમાં રાત્રિ અને વહેલી સવારના સમયે ‘અતિ ગાઢ ધુમ્મસ’ રહેવાની શક્યતા છે. આ સિવાય પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ રહેશે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી (દૃશ્યતા) ઘટવાથી વાહનવ્યવહાર અને ટ્રેન સેવાઓ પર માઠી અસર પડી શકે છે.
કોલ્ડ વેવ અને તાપમાનમાં ઘટાડો
ઝારખંડ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં ઠંડીનું મોજું (Cold Wave) ફરી વળવાની આગાહી કરવામાં આવી છે. બિહાર, ઉત્તરાખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ‘સિવિયર કોલ્ડ ડે’ (અતિ ઠંડો દિવસ) રહેવાની સંભાવના છે, જ્યાં દિવસનું મહત્તમ તાપમાન પણ સામાન્ય કરતા ઘણું નીચું જઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર
હવામાન વિભાગે જણાવ્યું છે કે ૨૭ ડિસેમ્બર શનિવારથી એક નવું ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થઈ રહ્યું છે. આ સિસ્ટમને કારણે હિમાલયના પહાડી વિસ્તારો જેવા કે લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. તેની અસરથી મેદાની વિસ્તારોમાં ઠંડીનું જોર હજુ વધશે.
દિલ્હી-NCRનું હવામાન
રાજધાની દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં ૧°C થી ૪°C નો ઘટાડો નોંધાયો છે. ૨૬ અને ૨૭ ડિસેમ્બરે દિલ્હીમાં આકાશ આંશિક વાદળછાયું રહેશે અને વહેલી સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે. ૨૬ ડિસેમ્બરે દિલ્હીનું મહત્તમ તાપમાન ૨૩°C અને લઘુત્તમ તાપમાન ૮°C ની આસપાસ રહેવાની શક્યતા છે.

