ઢાકાની કોર્ટમાં અરજી દાખલ: શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક મકાનને સળગાવવાના માસ્ટરમાઇન્ડ યુનુસ?
બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં મોટો ભુકંપ આવ્યો છે. દેશની પૂર્વ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર અને નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ તથા તેમના નજીકના સહયોગીઓ સામે અત્યંત ગંભીર ગુનાહિત આરોપો સાથે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઢાકાના ધનમોન્ડી ૩૨ ખાતે આવેલા બાંગ્લાદેશના રાષ્ટ્રપિતા શેખ મુજીબુર રહેમાનના ઐતિહાસિક મેમોરિયલ મ્યુઝિયમમાં થયેલી ભારે તોડફોડ, આગચંપી અને લૂંટફાટ પાછળ મોહમ્મદ યુનુસ અને તેમની ટીમનો મુખ્ય હાથ હોવાનો આક્ષેપ આ અરજીમાં કરવામાં આવ્યો છે. ઢાકાના મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં યુનુસ ઉપરાંત પૂર્વ કાનૂની સલાહકાર ડૉ. આસિફ નજરુલ સહિત ૨૭ લોકો સામે નામજોગ ગુનો નોંધવા માંગ કરવામાં આવી છે.
કોર્ટમાં અરજી અને આરોપીઓની યાદી
ઢાકા ટ્રિબ્યુનના અહેવાલ અનુસાર, તમન્ના ચૌધરી પ્રિયંકા નામની મહિલાએ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ મોહમ્મદ જ્વેલ રાણાની અદાલતમાં આ અરજી દાખલ કરી હતી. કોર્ટે અરજદારનું નિવેદન નોંધીને આ મામલે આગળના આદેશો પેન્ડિંગ રાખ્યા છે.
આ કેસમાં માત્ર મુહમ્મદ યુનુસ જ નહીં પરંતુ તેમની વચગાળાની સરકારના ઘણા ઉચ્ચ અધિકારીઓ અને સલાહકારોના નામ પણ શામિલ છે. જેમાં પૂર્વ સલાહકાર ડૉ. રિઝવાના હસન, પૂર્વ પ્રેસ સચિવ શફીકુલ આલમ, પૂર્વ ગૃહ સલાહકાર લેફ્ટનન્ટ જનરલ જહાંગીર આલમ ચૌધરી, સાંસ્કૃતિક બાબતોના સલાહકાર મુસ્તફા સરવર ફારૂકી, એનસીપી કન્વીનર નાહિદ ઇસ્લામ, પ્રવક્તા આસિફ મહમૂદ અને મહફુઝ આલમ જેવા અગ્રણી ચહેરાઓનો સમાવેશ થાય છે.
ધનમોન્ડી ૩૨ ખાતે તોડફોડ અને બુલડોઝરથી વિનાશના આરોપો
અરજીમાં કરાયેલા વિગતવાર આરોપો મુજબ, ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ ના રોજ આશરે ૩,૦૦૦ થી ૫,૦૦૦ લોકોનું હિંસક ટોળું લાકડીઓ, હથોડા, સળિયા અને અન્ય ધારદાર શસ્ત્રો સાથે ગેરકાયદેસર રીતે ધાનમંડી ૩૨ સ્થિત મેમોરિયલ મ્યુઝિયમ પર ત્રાટક્યું હતું. આરોપ છે કે આ હિંસક જૂથને મોહમ્મદ યુનુસ અને તેમની સરકારના ઉચ્ચ અધિકારીઓનું સીધું સમર્થન અને ઉશ્કેરણી હતી.
રાત્રે ૧૦ વાગ્યાના સુમારે આ હિંસક ટોળું મ્યુઝિયમની ઐતિહાસિક ઇમારતમાં ઘૂસી ગયું હતું. તેમણે અંદર રહેલી કિંમતી વસ્તુઓની લૂંટફાટ કરી, તોડફોડ મચાવી અને આખી ઇમારતને આગને હવાલે કરી દીધી હતી. એટલું જ નહીં, આ ઐતિહાસિક ધરોહરને જમીનદોસ્ત કરવા માટે બુલડોઝર અને ભારે મશીનરી લાવવામાં આવી હતી. બીજા દિવસે સાંજે ૫ વાગ્યા સુધીમાં આખી ઇમારત માત્ર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. ફરિયાદમાં દાવો કરાયો છે કે સોશિયલ મીડિયા જેવા કે યૂટ્યુબ અને ફેસબુક લાઇવસ્ટ્રીમનો ઉપયોગ કરીને આ વિનાશક કૃત્યને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને અગાઉથી ચેતવણીઓ હોવા છતાં સુરક્ષા એજન્સીઓએ તેને રોકવા કોઈ પગલાં લીધા નહોતા.
ભારત સાથેના કૂટનીતિક સંબંધોમાં તણાવ અને આંતરરાષ્ટ્રીય ચિંતા
મુહમ્મદ યુનુસના શાસનકાળ દરમિયાન બાંગ્લાદેશની આંતરિક સ્થિતિ જ નહીં પરંતુ દ્વિપક્ષીય વિદેશ નીતિ પર પણ ગંભીર અસરો પડી હતી. વચગાળાના શાસક તરીકે યુનુસે ઉગ્રવાદી અને કટ્ટરપંથી રાજકીય બળોને તેમની શરતો લાદવાની છૂટ આપી હતી, જેના કારણે ઢાકા અને નવી દિલ્હી વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ સર્જાયો હતો.
તેમના પર એવા પણ ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે તેમણે ભારત વિરોધી નિવેદનો આપવાની સાથે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ને ભારત વિરુદ્ધ કાવતરાં ઘડવા માટે બાંગ્લાદેશની ધરતીનો ઉપયોગ કરવા દીધો હતો. રાજકીય વિશ્લેષકોના મતે, યુનુસે પ્રાદેશિક સુરક્ષા અને દરિયાઈ વેપારના માર્ગો અંગે આપેલા વિવાદિત નિવેદનોએ દક્ષિણ એશિયાઈ પ્રદેશની સ્થિરતા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા હતા. હવે ઢાકા કોર્ટમાં દાખલ થયેલી આ અરજી બાદ યુનુસ અને તેમની ટીમના ભવિષ્ય પર કાનૂની અને રાજકીય તલવાર લટકી રહી છે.
