સરકારી કર્મચારીઓ અને ખાનગી નોકરીયાતો માટે દિવાળી જેવો માહોલ: PF ઉપાડવાની પ્રક્રિયા થઈ સાવ સરળ
દેશના કરોડો નોકરીયાત લોકો માટે કેન્દ્ર સરકાર અને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તરફથી એક ખુબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધી PF ના નાણાં ઉપાડવા માટે જે લાંબી પ્રક્રિયા અને રાહ જોવી પડતી હતી, તે હવે ભૂતકાળ બની જશે. EPFO હવે PF ઉપાડની સમગ્ર પ્રક્રિયાને અત્યંત સરળ, પારદર્શક અને ઝડપી બનાવવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ PF ફાઈનલ વિડ્રોઅલ ક્લેમનું સેટલમેન્ટ ‘ઓટોમેટિક’ રીતે થશે, જેનો અર્થ છે કે માનવીય હસ્તક્ષેપ વગર તમારા પૈસા સીધા તમારા બેંક ખાતામાં જમા થઈ જશે.
7 કરોડ સભ્યોને મળશે સીધો ફાયદો
EPFO ના આ ઐતિહાસિક નિર્ણયથી દેશના અંદાજે 7 કરોડ સભ્યોને સીધો લાભ મળવાની અપેક્ષા છે. હાલમાં EPFO માં માત્ર આંશિક અથવા એડવાન્સ PF ઉપાડ માટે જ ઓટો-સેટલમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. આ સુવિધા હેઠળ, 5 લાખ રૂપિયા સુધીના ક્લેમ માત્ર 3 દિવસની અંદર પતી જાય છે. હવે આ જ સફળ મોડેલને ‘ફાઈનલ સેટલમેન્ટ’ (જ્યારે કોઈ વ્યક્તિ નોકરી છોડે અથવા નિવૃત્ત થાય ત્યારે) માટે પણ લાગુ કરવામાં આવશે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, સંગઠનનો મુખ્ય લક્ષ્ય PF ક્લેમ પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવવાનો છે.
નોકરી બદલાશે તો PF આપોઆપ ટ્રાન્સફર થશે: ફોર્મ ભરવાની પળોજણ ખતમ
EPFO એ બીજો એક મોટો અને ક્રાંતિકારી ફેરફાર કર્યો છે જે નોકરી બદલતા કર્મચારીઓ માટે વરદાન સાબિત થશે. અગાઉ જ્યારે કોઈ કર્મચારી કંપની બદલે ત્યારે જૂના PF એકાઉન્ટને નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે અલગથી ફોર્મ ભરવું પડતું હતું અને ઘણીવાર આ પ્રક્રિયામાં મહિનાઓ નીકળી જતા હતા.
હવે EPFO ઓટો-ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યું છે. આ સિસ્ટમ હેઠળ:
-
જેવી તમે નવી નોકરી શરૂ કરશો અને તમારો નવો PF નંબર જનરેટ થશે, તેવી જ રીતે જૂના એકાઉન્ટની રકમ આપોઆપ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.
-
કર્મચારીઓએ કોઈ પણ મેન્યુઅલ રિક્વેસ્ટ કે ઓનલાઈન ફોર્મ ભરવાની જરૂર રહેશે નહીં.
-
આનાથી કર્મચારીઓનો કિંમતી સમય બચશે અને PF ટ્રાન્સફર કરવામાં થતી વિલંબની સમસ્યા જડમૂળથી ખતમ થઈ જશે.
નવા લેબર કોડ મુજબ યોજનાઓનું થશે અપડેટ
ભારત સરકાર દ્વારા તાજેતરમાં ચાર નવા લેબર કોડ (Labour Codes) ને મંજૂરી આપવામાં આવી છે. આ નવા શ્રમ કાયદાઓને ધ્યાનમાં રાખીને EPFO પોતાની મુખ્ય યોજનાઓને અપડેટ કરી રહ્યું છે. જે હેઠળ:
-
ઇપીએફ યોજના 1952
-
કર્મચારી પેન્શન યોજના 1995 (EPS)
-
કર્મચારી ડિપોઝિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ સ્કીમ 1976 (EDLI)
આ ત્રણેય મહત્વની યોજનાઓને નવા નિયમો હેઠળ ફરીથી નોટિફાય કરવામાં આવશે. અધિકારીઓના મતે, નવા સિસ્ટમમાં કોઈ પાયાના નકારાત્મક ફેરફાર નથી કરવામાં આવ્યા, પરંતુ જૂના કડવા અનુભવો અને ટેકનિકલ અવરોધોને ધ્યાનમાં રાખીને પ્રક્રિયાઓને ઘણી વધુ સરળ બનાવવામાં આવી છે જેથી સામાન્ય કર્મચારીને મુશ્કેલી ન પડે.
કર્મચારીઓ માટે ‘ઈઝ ઓફ લિવિંગ’
સરકારના આ સુધારા પાછળનો મુખ્ય હેતુ કર્મચારીઓને ઝડપી સેવાઓ પૂરી પાડવાનો છે. ઘણીવાર લોકો પોતાના જ પૈસા ઉપાડવા માટે EPFO ની ઓફિસોના ધક્કા ખાતા હોય છે અથવા ઓનલાઈન ક્લેમ રિજેક્ટ થવાને કારણે પરેશાન રહેતા હોય છે.
નવી સિસ્ટમ લાગુ થયા બાદ:
-
PF ઉપાડવામાં લાગતો સમય ન્યૂનતમ થઈ જશે.
-
ભ્રષ્ટાચાર અને વચેટિયાઓની ભૂમિકા ખતમ થશે.
-
લોકોને ઘરે બેઠા જ તેમના હકના નાણાં સમયસર મળી રહેશે.

