ટ્રમ્પની ધમકીથી ફફડ્યું યુરોપ: હવે પોતાની સેના બનાવવાની તૈયારીમાં 30 દેશો, શું નાટો તૂટી જશે?
દુનિયા અત્યારે દારૂગોળાના ઢગલા પર બેઠી છે. મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયેલનો સંઘર્ષ હોય કે વર્ષોથી ચાલતું રશિયા-યુક્રેન યુદ્ધ, વૈશ્વિક સુરક્ષાના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આ બધાની વચ્ચે સૌથી મોટી હલચલ પશ્ચિમના દેશોમાંથી આવી રહી છે. નાટો (NATO), જેને દાયકાઓથી વિશ્વનું સૌથી શક્તિશાળી સૈન્ય ગઠબંધન માનવામાં આવે છે, તે આજે તેના અસ્તિત્વના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, યુરોપિયન દેશો હવે એક ‘ઇમરજન્સી પ્લાન’ પર કામ કરી રહ્યા છે, જેથી જો અમેરિકા પોતાનો હાથ પાછો ખેંચી લે, તો પણ તેઓ રશિયા જેવા દેશો સામે ઘૂંટણ ન ટેકવે.
શું છે નાટો અને કેમ તેમાં પડી તિરાડ?
નાટો (North Atlantic Treaty Organization) એ 32 દેશોનું એક જૂથ છે, જેમાં 30 યુરોપિયન દેશો અને બે ઉત્તર અમેરિકન દેશો (અમેરિકા અને કેનેડા) સામેલ છે. તેની સૌથી મોટી તાકાત ‘આર્ટિકલ 5’ છે. આ નિયમ કહે છે કે જો નાટોના કોઈ પણ એક સભ્ય દેશ પર હુમલો થાય, તો તેને આખા ગઠબંધન પર હુમલો માનવામાં આવશે અને તમામ દેશો મળીને તેનો સામનો કરશે. આ જ ‘સુરક્ષા કવચ’ ના ભરોસે નાના યુરોપિયન દેશો આજ સુધી રશિયા સામે ટકી રહ્યા છે.
પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પની વ્હાઇટ હાઉસમાં વાપસીએ આ ભરોસાને હચમચાવી દીધો છે. ટ્રમ્પ લાંબા સમયથી કહી રહ્યા છે કે અમેરિકા બીજા દેશોની સુરક્ષાનો ખર્ચ એકલું કેમ ઉઠાવે? તેમણે નાટો સાથીઓને ‘કાયર’ અને ગઠબંધનને ‘કાગળનો સિંહ’ પણ કહ્યા છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો યુરોપિયન દેશો અમેરિકાની પ્રાથમિકતાઓ (જેમ કે ઈરાન સામે મોરચો) માં સાથે નહીં ઉભા રહે, તો અમેરિકા પોતાનું સમર્થન પાછું ખેંચી શકે છે.
‘યુરોપિયન નાટો’: સ્વનિર્ભરતા તરફ પહેલું ડગલું
ધ વોલ સ્ટ્રીટ જર્નલ ના અહેવાલ મુજબ, યુરોપિયન અધિકારીઓ હવે ‘યુરોપિયન નાટો’ ના પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા છે. આ પ્લાનના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે:
-
કમાન્ડમાં ફેરફાર: ગઠબંધનના મહત્વના કમાન્ડ-એન્ડ-કંટ્રોલ પદો પર હવે અમેરિકન અધિકારીઓના બદલે યુરોપિયન અધિકારીઓને તૈનાત કરવાની યોજના છે.
-
સૈન્ય સંપત્તિઓનું એકીકરણ: યુરોપિયન દેશો હવે પોતાની સૈન્ય શક્તિ અને હથિયારોને એવી રીતે જોડી રહ્યા છે કે તેઓ વોશિંગ્ટન વગર પણ ઓપરેશન ચાલુ રાખી શકે.
-
ન્યુક્લિયર ક્રેડિબિલિટી: જો અમેરિકા પોતાની પરમાણુ સુરક્ષાનું છત્ર હટાવી લે, તો યુરોપે પોતાની પરમાણુ પ્રતિરોધક ક્ષમતા (Nuclear Deterrence) જાળવી રાખવી પડશે.
જર્મની, જે લાંબા સમય સુધી અમેરિકા પર નિર્ભર રહ્યું છે, તે હવે આ ફેરફારનું સૌથી મોટું સમર્થક બનીને ઉભર્યું છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે સ્પષ્ટ કર્યું છે કે હવે સમય આવી ગયો છે જ્યારે યુરોપે પોતાની સુરક્ષાની જવાબદારી પોતે લેવી પડશે.
નેતાઓનું વલણ: ધીમો પણ મક્કમ ફેરફાર
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબે આ સ્થિતિને સંતુલિત રીતે રજૂ કરી છે. તેમનું કહેવું છે કે હવે બોજ અમેરિકાથી યુરોપ તરફ શિફ્ટ થઈ રહ્યો છે. તેમણે કહ્યું, “અમારા અમેરિકન મિત્રો માટે સંદેશ સાફ છે—દાયકાઓની નિર્ભરતા પછી હવે યુરોપ પોતાની સુરક્ષાની જવાબદારી લેવા માટે તૈયાર થઈ રહ્યું છે.”
જર્મનીના સંરક્ષણ મંત્રીએ પણ સ્વીકાર્યું કે નાટો અમેરિકા અને યુરોપ બંને માટે જરૂરી છે, પરંતુ યુરોપે હવે ‘જૂનિયર પાર્ટનર’ ના બદલે આત્મનિર્ભર ખેલાડીની જેમ વર્તવું પડશે.
માત્ર યુરોપ જ નહીં, ‘ઈસ્લામિક નાટો’ ની પણ ચર્ચા
બદલાતા વિશ્વ પરિવેશમાં માત્ર યુરોપ જ નહીં, પરંતુ સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કી વચ્ચે વધતા સૈન્ય સહયોગને લઈને પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જોકે સત્તાવાર રીતે આવું કોઈ ગઠબંધન જાહેર થયું નથી, પરંતુ નિષ્ણાતો તેને ‘ઈસ્લામિક નાટો’ નું નામ આપી રહ્યા છે. આ દર્શાવે છે કે હવે દુનિયાના અલગ-અલગ ક્ષેત્રો માત્ર મહાશક્તિઓના ભરોસે રહેવાને બદલે પોતાના પ્રાદેશિક બ્લોક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

