74મા પદવીદાન સમારોહમાં સંઘર્ષ અને પ્રતિભાનો સંગમ, ધૈર્યા અને રવિનાની સિદ્ધિ
“મંઝિલ ઉસી કો મિલતી હૈ જિનકે સપનોમેં જાન હોતી હૈ” એવી કહેવત ગુજરાત યુનિવર્સિટીની એક વિદ્યાર્થીની પર સાચી ઠરે છે. ઉપાસના સ્કૂલ ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સમાં અભ્યાસ કરતી ધૈર્યા માંકડે પોતાની એક આંખમાં માત્ર દસ ટકા દ્રષ્ટિ હોવા છતાં અભ્યાસમાં અદભુત સિદ્ધિ મેળવી છે. સામાન્ય રીતે બે આંખે સંપૂર્ણ દ્રષ્ટિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે પણ જે માર્ગ મુશ્કેલ લાગે, તે માર્ગ પર ધૈર્યાએ આત્મવિશ્વાસ સાથે પગલા ભર્યા. તેના સંઘર્ષ અને ધીરજએ તેને સફળતાની ઊંચી સપાટીએ પહોંચાડ્યા.
74મા પદવીદાન સમારોહમાં ઝળહળ્યું ધૈર્યાનું નામ
ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલા 74મા પદવીદાન સમારોહમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી હતી. આ સાથે જ 200 જેટલા વિદ્યાર્થીઓને કુલ 342 ગોલ્ડ મેડલ એનાયત થયા હતા. આ ગૌરવભર્યા પ્રસંગમાં ધૈર્યા માંકડનું નામ વિશેષ રીતે ચર્ચામાં આવ્યું. તેણે માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સમાં ગોલ્ડ મેડલ મેળવી સૌને આશ્ચર્યમાં મુકી દીધા. તેની આ સિદ્ધિ માત્ર શૈક્ષણિક નથી પરંતુ માનવ હિંમતનું ઉત્તમ ઉદાહરણ બની છે.
સાત ગોલ્ડ મેડલની સફર, એક આંખે દેખાતી દુનિયામાં
ધૈર્યા માટે આ ગોલ્ડ મેડલ પહેલો નથી. તે અગાઉ બીએ અને એમએ સંસ્કૃતમાં કુલ છ ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે. માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સનો ગોલ્ડ તેના જીવનનો સાતમો મેડલ છે. ધૈર્યા જણાવે છે કે એક આંખમાં મર્યાદિત દ્રષ્ટિ હોવાને કારણે વાંચન ખૂબ પડકારજનક હતું. છતાં તેણે ક્યારેય પરિસ્થિતિને પોતાની કમજોરી બનવા દીધી નહીં.
પ્રકાશ, પરિવાર અને અડગ મનોબળનો સહારો
અભ્યાસ માટે ધૈર્યા દિવસના સમયનો ખાસ ઉપયોગ કરતી હતી. ઘરમાં બારી પાસે બેસીને સૂર્યપ્રકાશમાં તે વાંચન કરતી જેથી અક્ષરો સ્પષ્ટ દેખાય. રાત્રિના સમયે જરૂર પડતી ત્યારે તેની માતા તેને પાઠ્યપુસ્તકો વાંચી સંભળાવતા. મોટા અક્ષરોવાળું લખાણ તેના માટે સહેલું બનતું, જ્યારે ઝીણા અક્ષરો માટે પરિવારની મદદ લેવી પડતી. આ રીતે પરિવાર અને આત્મવિશ્વાસના સહારે તેણે પોતાની તૈયારી સતત ચાલુ રાખી.
પદવીદાનમાં અન્ય પ્રતિભાઓનું પણ સન્માન
આ પદવીદાન સમારોહમાં એક અન્ય વિદ્યાર્થીની રવિના રાજપુરોહિતે પણ ખાસ સિદ્ધિ મેળવી. રવિનાએ એલએલબીના અભ્યાસ દરમિયાન કુલ આઠ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. સેમેસ્ટર પાંચ અને છના ઉત્તમ પરિણામો સાથે તે ગુજરાત યુનિવર્સિટીની ટોપર પણ રહી ચૂકી છે. ગોલ્ડ મેડલ અંગેનું પત્ર ઘરે પહોંચ્યું ત્યારે સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.

