ચોરાયેલા મોબાઈલ રિકવર કરવામાં ગુજરાત પોલીસ દેશભરમાં ત્રીજા ક્રમે

3 Min Read

ચોરાયેલો મોબાઈલ પાછો મળશે જ! ગુજરાત પોલીસની આ નવી સિસ્ટમે આખા દેશમાં મચાવી ધૂમ

રાજ્યમાં ચોરાયેલા મોબાઈલ શોધી કાઢવામાં ગુજરાત પોલીસ સમગ્ર દેશના મોટા રાજ્યોમાં ત્રીજા ક્રમે આવ્યું છે. રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચો રિકવરી રેટ મેળવીને ગુજરાત પોલીસે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ગુજરાત પોલીસે ૪૬.૭૧ ટકાના રિકવરી રેટ સાથે ૫૩,૫૬૪ હેન્ડસેટ સફળતાપૂર્વક મૂળ માલિકને પરત કર્યા. ગુજરાતમાં મોબાઈલ રિકવરીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લાના નોડલ અધિકારીઓને રાજ્ય પોલીસ વડા ડો. કે . એલ. એન. રાવ દ્વારા સન્માનિત કરાયા હતા.

ટેલિકોમ વિભાગ (DoT) અને ગુજરાત પોલીસના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત રાજ્યે મોબાઈલ હેન્ડસેટ રિકવરીમાં રાષ્ટ્રીય ફલક પર નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના ‘સંચાર સાથી’ પોર્ટલ અને CEIR મોડ્યુલના અસરકારક ઉપયોગ દ્વારા ગુજરાત, દેશના મોટા રાજ્યોની યાદીમાં રિકવરીની ટકાવારીમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે.

- Advertisement -

mobile stoll.jpg

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મોબાઈલ રિકવરી ક્ષેત્રે ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે અભૂતપૂર્વ સફળતા મેળવી છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીમાં ૫૦,૪૮,૫૧૬ મોબાઈલ બ્લોક કરવામાં આવ્યા છે, જેની સામે ગુજરાતમાં કુલ ૧,૮૩,૯૮૫ હેન્ડસેટ બ્લોક કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય કક્ષાએ મોબાઈલ રિકવરીનો દર ૩૨.૬ ટકા છે, જ્યારે ગુજરાત પોલીસે ૪૬.૭૧ ટકાના રિકવરી રેટ સાથે ૫૩,૫૬૪ હેન્ડસેટ સફળતાપૂર્વક પરત મેળવ્યા છે. આ પ્રભાવશાળી દેખાવને કારણે મોટા રાજ્યોની યાદીમાં ગુજરાત સમગ્ર દેશમાં ત્રીજા સ્થાને રહ્યું છે.

- Advertisement -

વર્ષ ૨૦૨૫-૨૬ ના ડેટા મુજબ CEIR રેન્કિંગમાં અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જીલ્લાએ શ્રેષ્ઠ કામગીરી કરી છે. જિલ્લાવાર કામગીરીની વિગતો જોઈએ તો, અમદાવાદ શહેરે સૌથી વધુ ૨૫,૫૦૦ બ્લોક વિનંતીઓ સામે ૪,૯૩૫ હેન્ડસેટ રિકવર કરીને ૫૬.૭૦ ના ફાઈનલ સ્કોર સાથે રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ડાંગ જિલ્લો ૩૨૮ બ્લોક વિનંતીઓ અને ૭૭.૩૩ ટકાના ઊંચા એક્યુરસી સ્કોર સાથે ૫૪.૮૯ પોઈન્ટ્સ મેળવીને બીજા ક્રમે રહ્યો છે.

Smartphone Tips

આ ઉપરાંત ભાવનગર જિલ્લાએ ૬૩૪ બ્લોક વિનંતીઓ સામે ૨૭૩ મોબાઈલ રિકવર કરી ૫૩.૪૪ ના સ્કોર સાથે રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ડેટા દર્શાવે છે કે બ્લોક થયેલા ૧,૧૪,૬૭૦ ટ્રેસ થયેલા હેન્ડસેટને શોધવામાં ગુજરાતના વિવિધ જિલ્લાના નોડલ અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી છે. અમદાવાદ શહેર ૨૫,૫૦૦ બ્લોક વિનંતીઓ સાથે વોલ્યુમ સ્કોરમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી પ્રથમ સ્થાને રહ્યું છે.

- Advertisement -

ગુજરાત LSA દ્વારા અમલમાં મૂકાયેલા ‘CEIR રેન્કિંગ ફ્રેમવર્ક’ અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે અમદાવાદ શહેર, ડાંગ અને ભાવનગર જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. રાજ્ય પોલીસ વડા ડો. કે. એલ. એન. રાવે આ જિલ્લાના નોડલ અધિકારીઓને તેમની અનન્ય કામગીરી બદલ શીલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા વધારવાનો, ચોરાયેલા હેન્ડસેટનો દુરુપયોગ રોકવાનો અને ટેલિકોમ સંબંધિત છેતરપિંડી પર અંકુશ મેળવવાનો છે.

Share This Article