શું તમે પણ મોડી રાત્રે ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાવાના શોખીન છો? તો સાવધાન, આ આદત પડી શકે છે ભારે!
મોડી રાત્રે જ્યારે કામ કે અભ્યાસ દરમિયાન ભૂખ લાગે, ત્યારે રસોડામાં જઈને ફટાફટ ઇન્સ્ટન્ટ નૂડલ્સ બનાવી લેવા એ આજની પેઢી માટે એક સામાન્ય બાબત બની ગઈ છે. તે ક્ષણે તો આ ગરમ નૂડલ્સ જીભને સ્વાદિષ્ટ અને પેટને સંતોષ આપે છે, પરંતુ શું તમે જાણો છો કે રાત્રિના અંધારામાં લેવાયેલો આ ‘સ્વાદ’ તમારા સ્વાસ્થ્ય માટે કેટલો જોખમી સાબિત થઈ શકે છે? આ એક નાનકડી ભૂલ તમારા હૃદય, બ્લડ પ્રેશર અને મેટાબોલિક સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની ગંભીર અસરો છોડી શકે છે.
સોડિયમનું જોખમી સ્તર અને તમારું હૃદય
હૃદય રોગના નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઇન્સ્ટન્ટ નૂડલ્સના એક પેકેટમાં સોડિયમનું પ્રમાણ લગભગ ૮૦૦ થી ૧૨૦૦ મિલિગ્રામ જેટલું હોઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ના જણાવ્યા મુજબ, એક પુખ્ત વ્યક્તિ માટે આખા દિવસમાં ૨૦૦૦ મિલિગ્રામથી ઓછું સોડિયમ લેવાની સલાહ આપવામાં આવે છે. રાત્રે ખાધેલું નૂડલ્સનું એક બાઉલ એકસાથે તમારા શરીરમાં સોડિયમની મર્યાદાને પાર કરી શકે છે. શરીરમાં વધુ પડતું સોડિયમ જમા થવાથી બ્લડ પ્રેશર વધે છે. પરિણામે, તમારા હૃદયને લોહી પમ્પ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જે લાંબા ગાળે હાયપરટેન્શન અને હૃદયની બીમારીઓનું કારણ બની શકે છે.
રાત્રિનો સમય અને શરીરની કાર્યપદ્ધતિ
આ સમસ્યા માત્ર નૂડલ્સમાં રહેલા તત્વો પૂરતી સીમિત નથી, પરંતુ તેને ખાવાના ‘સમય’ સાથે પણ ઊંડો સંબંધ છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે આપણી કિડની શરીરમાંથી વધારાનું સોડિયમ ફિલ્ટર કરીને બહાર કાઢવાનું કામ કરે છે, પરંતુ રાત્રિના સમયે આ પ્રક્રિયા ધીમી પડી જાય છે. પરિણામે, જે સોડિયમ તમે દિવસે લો છો તે સરળતાથી બહાર નીકળી જાય છે, જ્યારે રાત્રે લીધેલું સોડિયમ શરીરમાં લાંબા સમય સુધી ટકી રહે છે. આનાથી બ્લડ પ્રેશર પર તેની અસર વધુ તીવ્ર અને લાંબા સમય સુધી રહે છે.
આ ઉપરાંત, રાત્રિના સમયે આપણા શરીરની ‘ઇન્સ્યુલિન સેન્સિટિવિટી’ પણ ઓછી હોય છે. જો તમે મોડી રાત્રે નૂડલ્સ જેવા કાર્બોહાઇડ્રેટથી ભરપૂર ખોરાક લો છો, તો શરીરમાં બ્લડ સુગર અને ઇન્સ્યુલિનનું સ્તર દિવસના પ્રમાણમાં ખૂબ જ ઝડપથી વધે છે. જે લોકો પહેલાથી જ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસની સમસ્યા ધરાવે છે, તેમના માટે આ એક ગંભીર જોખમ બની શકે છે.
શા માટે આ આદત બદલવી જરૂરી છે?
ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં રહેલા પ્રિઝર્વેટિવ્સ અને અન્ય કૃત્રિમ તત્વો તમારા મેટાબોલિઝમને પણ ધીમું કરે છે. મોડી રાત્રે ભારે અને પ્રોસેસ્ડ ખોરાક ખાવાથી પાચનતંત્ર પર વધારાનું ભારણ આવે છે, જે તમારી ઊંઘની ગુણવત્તાને પણ બગાડે છે. ઘણીવાર ઊંઘ ન આવવી કે સવારે ઉઠ્યા પછી થાક અનુભવવો એ તમારી રાત્રિની આ ખાવાની આદતનું જ પરિણામ હોઈ શકે છે.
નૂડલ્સના બદલે અપનાવો આ હેલ્ધી વિકલ્પો
જો તમને મધ્યરાત્રિએ ભૂખ લાગે, તો તેનો અર્થ એ નથી કે તમારે કંઈ ન ખાવું. પરંતુ ખોરાકની પસંદગીમાં સમજદારી રાખવી જરૂરી છે:
સાજી દાળ: એક નાની વાટકી સાદી દાળ રાત્રે પચવામાં ખૂબ જ હળવી હોય છે અને તે તમને તૃપ્તિ પણ આપે છે.
મખાના: શેકેલા મખાના એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં સોડિયમ ઓછું હોય છે અને તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
ફળો અને મેવા: એક કેળું અથવા મુઠ્ઠીભર મીઠું વગરના ડ્રાયફ્રૂટ્સ કુદરતી સુગર અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે, જે બ્લડ પ્રેશરને અસર કર્યા વિના ભૂખ શાંત કરે છે.
હળદરવાળું દૂધ: જો ભૂખ હળવી હોય તો ગરમ દૂધમાં ચપટી હળદર ઉમેરીને પીવાથી ઊંઘ સારી આવે છે અને શરીરને આરામ મળે છે.

