UPCC ના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ ઇમરાન મસૂદનું નિવેદન: ‘હાઇકમાન્ડ જે કહીશે તે કરીશ, કોંગ્રેસને મજબૂત બનાવવી જ મારો એકમાત્ર ધ્યેય’
ઉત્તર પ્રદેશમાં આગાઉ યોજાનારી રાજકીય આયોજનો અને સંગઠનાત્મક ફેરફારો વચ્ચે કોંગ્રેસ હાઇકમાન્ડે મોટો નિર્ણય લીધો છે. પક્ષના અગ્રણી અને પ્રભાવશાળી નેતા ઇમરાન મસૂદને ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ (UPCC) ના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી જવાબદારી સોંપાયા બાદ ઇમરાન મસૂદની પહેલી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પક્ષનું આદેશ અને હાઇકમાન્ડનો નિર્ણય તેમના માટે સર્વોપરી છે. કોંગ્રેસ પાર્ટી તેમને જે પણ ભૂમિકા આપશે તે સંપૂર્ણ સમર્પણ અને નિષ્ઠા સાથે નિભાવશે.
હાઇકમાન્ડના નિર્ણય પર સંપૂર્ણ વિશ્વાસ
નવી જવાબદારી મળ્યા બાદ મીડિયા સાથે વાતચિત કરતા ઇમરાન મસૂદે કહ્યું કે, પક્ષ હાઇકમાન્ડે તેમના પર મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા તેઓ પૂરતો પ્રયાસ કરશે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વડ્રા અને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા લેવામાં આવેલો દરેક નિર્ણય પક્ષના હિતમાં છે.
તેમણે ઉમેર્યું કે, “રાહુલજી, પ્રિયંકાજી કે ખડગે સાહેબનો નિર્ણય જે પણ હોય, તેના પર મારે કોઈ અલગથી ટિપ્પણી કરવાનો અર્થ રહેતો નથી. હાઇકમાન્ડ મને સંગઠનમાં જે પણ જગ્યાએ મૂકશે અને મારી પાસે જે પણ અપેક્ષાઓ રાખશે, હું તે અપેક્ષાઓ પર ખરા ઊતરવાનો પૂરો પ્રયત્ન કરીશ. મારો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર અને માત્ર કોંગ્રેસને ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત બનાવવાનો છે.”
આરાધના મિશ્રાની નિમણૂક અને અજય રાયના કામની સરાહના
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે આરાધના મિશ્રા ‘મોના’ ની નિમણૂક અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઇમરાન મસૂદે સકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ એક સારો નિર્ણય છે અને હાઇકમાન્ડે જેને યોગ્ય માન્યા તેમને જ આ જવાબદારી સોંપી છે. આમાં વ્યક્તિગત મંતવ્યો કરતાં પક્ષનું હિત અને નિર્ણય વધુ મહત્વ ધરાવે છે.
આ સાથે જ તેમણે પૂર્વ પ્રદેશ પ્રમુખ અજય રાયના કાર્યકાળ અને તેમના સંઘર્ષની પણ ખુલ્લા મનથી પ્રશંસા કરી હતી. ઇમરાન મસૂદે જણાવ્યું કે, અજય રાયે મુશ્કેલ સમયમાં પક્ષ માટે ખૂબ જ મહેનત કરી છે અને એક મજબૂત સંગઠન ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ સમય અનુસાર નિર્ણયો લેવાનો અધિકાર પક્ષનો હોય છે.
પંજાબના રાજકારણ અને ગઠબંધન પર સ્પષ્ટ વલણ
અન્ય રાજ્યોમાં થઈ રહેલા સંગઠનાત્મક ફેરફારો, ખાસ કરીને પરગટ સિંહને પંજાબ કોંગ્રેસના પ્રમુખ બનાવવા અંગે ઇમરાન મસૂદે જણાવ્યું કે, આ તમામ નિર્ણયો રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વ હેઠળ લેવામાં આવી રહ્યા છે. પક્ષ સમગ્ર દેશમાં સંગઠનને પુનર્જીવિત કરવા માટે વ્યૂહાત્મક પગલાં ભરી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના વર્તમાન રાજકીય સમીકરણો અને ભવિષ્યના ગઠબંધન અંગેના પ્રશ્નો પર વિરામ મુકતાં તેમણે કહ્યું કે, તેઓ માત્ર પક્ષની માર્ગદર્શિકાનું અનુસરણ કરશે. પ્રથમ દિવસથી જ તેમનું ધ્યાન આજુબાજુ જોવામાં સમય બગાડવાને બદલે માત્ર પોતાની પાર્ટીની તાકાત વધારવા પર રહ્યું છે. પક્ષ જે પણ આદેશ આપશે, તે મુજબ જ આગળની કામગીરી કરવામાં આવશે.
