એક ભારત, શ્રેષ્ઠ ભારતની દિશામાં’ પ્રેઝેન્ટેશન દ્વારા ટેકનોલોજીમાં ભારતનું યોગદાન વિષે માર્ગદર્શન અપાયું
‘‘એકતાથી વિકાસ અને વિકાસથી વૈશ્વિકતા’’ની થીમ આધારિત એક ભારત, શ્રેષ્ઠ ભારત- સોરથ સુધા મેગેઝિનનું અનાવરણ કરાયું
વલસાડના તિથલ રોડ પર કોલેજ કેમ્પસમાં સંસ્કાર કેન્દ્ર ખાતે નોલેજ કોન્સોર્ટિયમ ઑફ ગુજરાત, અમદાવાદ અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ, કપરાડા દ્વારા એક દિવસીય રાજ્યકક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષય અંતર્ગત યોજાયેલ સેમિનારમાં વક્તાશ્રી ડૉ. હર્ષદેવ માધવે ‘ભારતની અંદરનું આધ્યાત્મિક ભારત’ અંતર્ગત ‘જલદેવતા’ વિષય પર વિવિધ ઉદાહરણ દ્વારા જળ (પાણી) અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. ત્યારબાદ સેમિનારના બીજા વક્તાશ્રી ડૉ. સુનિલ મરજાદીએ ‘અનુસંધાનથી આત્મનિર્ભરતા, ટેકનોલોજીથી એકતા – એક ભારત, શ્રેષ્ઠ ભારતની દિશામાં’ પ્રેઝેન્ટેશન દ્વારા ટેકનોલોજીમાં ભારતનું યોગદાન વિષે ક્રમશ: પોતાની વાત સૌ સમક્ષ મૂકી હતી. સેમિનારના ત્રીજા વક્તાશ્રી ડૉ. નરેશ શુક્લાએ ‘ભારતીય કથા અને કથન પરંપરા (સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં)’ વિષય પર કથા પરંપરા અંગે પૌરાણિક કથા સાહિત્યથી શરૂઆત કરીને હાલની કથા સાહિત્ય સુધીની વાત શ્રોતા સમક્ષ મૂકી હતી. સેમિનારના અંતિમ વક્તાશ્રી ડૉ. હેમંત દવે એ ‘સંશોધનની પદ્ધતિ’ વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ પ્રથમ સત્રની પૂર્ણાહુતિ થઈ હતી.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલ ઉપસ્થિત રહ્યાં હતાં. કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ હીરાબેન માહલા, જિલ્લા પંચાયતના સભ્ય દક્ષાબેન ગાયકવાડ તેમજ રાજ્યભરમાંથી વક્તાશ્રીઓ, સંશોધકો તેમજ કૉલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન કૉલેજના આચાર્યશ્રી મનોજભાઈ પી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજના મદદનીશ પ્રધ્યાપિકા ડૉ. મેઘના કે ધારણે દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ કૉલેજના પ્રાધ્યાપક ડૉ. ભરત સાહની દ્વારા કરવામાં આવ્યું હતું.