નેશનલ સેમિકન્ડક્ટર મિશનને વેગ: વડાપ્રધાન દ્વારા 28 ફેબ્રુઆરીએ માઇક્રોન પ્લાન્ટનું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત ભારત હવે ચિપ ઉત્પાદન ક્ષેત્રે વિશ્વમાં પોતાની ઓળખ બનાવવા સજ્જ છે. ૨૮ ફેબ્રુઆરી ૨૦26ના રોજ સાણંદમાં માઇક્રોન ટેક્નોલોજીના અત્યાધુનિક પ્લાન્ટનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. અંદાજે ૨૨,૫૧૬ કરોડના રોકાણ સાથે શરૂ થયેલો આ પ્લાન્ટ ભારતમાં ટેક્નોલોજીના નવા યુગની શરૂઆત કરશે. આ સુવિધામાં એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ (ATMP) જેવી મહત્વની કામગીરીઓ હાથ ધરવામાં આવશે.
૨૦૦૦ લોકોની ટીમ અને દિવ્યાંગો માટે રોજગારીની નવી તકો
સાણંદનો આ પ્લાન્ટ માત્ર ટેક્નોલોજી જ નહીં, પણ રોજગારીનું પણ મોટું કેન્દ્ર બન્યો છે. હાલમાં અહીં ૨૦૦૦ લોકો કામ કરી રહ્યા છે, જે સંખ્યા આગામી સમયમાં વધીને ૫૦૦૦ સુધી પહોંચશે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે અહીં દિવ્યાંગ નાગરિકોને પણ તેમની કુશળતા મુજબ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે નોકરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થતાં ગુજરાત હવે દેશનું સેમિકન્ડક્ટર હબ બની રહ્યું છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માટે મેમરી અને સ્ટોરેજનું મહત્વ
માઇક્રોન ટેક્નોલોજીના સીઇઓ સંજય મેહરોત્રાના જણાવ્યા મુજબ, આજના આધુનિક યુગમાં અને ખાસ કરીને AI ટેક્નોલોજી માટે મજબૂત મેમરી અને સ્ટોરેજ ખૂબ જ જરૂરી છે. મેમરી સપોર્ટ વગર AI સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી શકતી નથી. સાણંદ પ્લાન્ટમાં તૈયાર થનારી SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ) અને રેમ પ્રકારના ઉત્પાદનો વિશ્વભરમાં AIની વધતી જતી માંગને પૂરી કરશે, જેનાથી સ્માર્ટ ગેજેટ્સ અને કમ્પ્યુટર્સ વધુ ઝડપી બનશે.
રેતીમાંથી ચીપ બનવા સુધીની રસપ્રદ અને જટિલ પ્રક્રિયા
સેમિકન્ડક્ટર ચીપ બનાવવાની શરૂઆત સામાન્ય રેતીમાંથી થાય છે. રેતીમાંથી પ્યૉર સિલિકોન અલગ કરી તેના મોટા સિલિન્ડર (ઇનગોટ) બનાવાય છે, જેને બારીક પ્લેટ્સ એટલે કે ‘વેફર્સ’માં કાપવામાં આવે છે. ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરી લાખો ટ્રાન્ઝિસ્ટર્સ ગોઠવવામાં આવે છે. આ વેફર્સના નાના ટુકડા એટલે કે ‘ચીપ’ જ્યારે ATMP પ્લાન્ટમાં આવે છે, ત્યારે તેના પર ફાઇનલ ટેસ્ટિંગ અને પેકેજિંગ કરીને તેને બજારમાં વેચવા માટે તૈયાર કરવામાં આવે છે.
