નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન (NLMC) નો મોટો નિર્ણય: ₹૫,૦૦૦ કરોડથી વધુની બિનઉપયોગી સરકારી જમીન અને મિલકતોમાંથી કમાણી કરવાની ભલામણ
કેન્દ્ર સરકાર દેશમાં રહેલી પોતાની બિનઉપયોગી અને ઓછી ઉપયોગમાં લેવાતી સરકારી સંપત્તિઓમાંથી નાણાકીય મૂલ્ય મેળવવાની (એસેટ મોનેટાઇઝેશન) પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી રહી છે. આ દિશામાં એક મોટું કદમ ઉઠાવતા નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન (NLMC) એ ₹૫,૦૦૦ કરોડથી વધુની કિંમત ધરાવતી વધારાની સરકારી જમીન અને બિલ્ડિંગ એસેટ્સમાંથી નાણાં કમાવવાના પ્રસ્તાવને મંજૂરી આપીને તેની મહત્વપૂર્ણ ભલામણ કરી છે.

નાણા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી એક અધિકૃત યાદી અનુસાર, ૧૮ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી NLMC ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ૨૧મી બેઠકમાં આ ઐતિહાસિક ભલામણો કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોર્પોરેશને તેના એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રાન્સ, નાણાકીય કામગીરી અને સંસ્થાકીય પહેલોની પ્રગતિની વ્યાપક સમીક્ષા પણ કરી હતી.
બિનઉપયોગી મિલકતોમાંથી કમાણી કરવાનો સરકારનો મોટો લક્ષ્યાંક
NLMC ની આ ૨૧મી બેઠક દરમિયાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સે યોગ્ય સરકારી સંપત્તિઓની ઓળખ કરવા, તેમની જરૂરી તપાસ (ડ્યુ ડિલિજન્સ) હાથ ધરવા, ચોક્કસ મૂલ્યાંકન (વેલ્યુએશન) કરવા અને મોનેટાઇઝેશન પ્રક્રિયા તૈયાર કરવા માટે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ (CPSEs) અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે મળીને કરાયેલા કામોની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી.
બોર્ડ દ્વારા તમામ પ્રક્રિયાઓને ઝડપથી આગળ ધપાવવા, પ્રક્રિયાગત જરૂરિયાતોને પૂર્ણ કરવા અને ઓળખવામાં આવેલી મિલકતો પર અત્યંત પારદર્શક અને ન્યાયી પદ્ધતિઓથી કામ થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વિવિધ હિસ્સેદાર સંસ્થાઓ સાથે વધુ સારું તાલમેલ જાળવવા સૂચના આપવામાં આવી છે જેથી આ સમગ્ર પ્રક્રિયામાં ગતિ જળવાઈ રહે અને વધારાની જમીન તથા બિલ્ડિંગોનું સમયસર મોનેટાઇઝેશન થઈ શકે.
શું છે NLMC અને તે કઈ રીતે કામ કરે છે?
આ તાજેતરની ભલામણો વધારાની સરકારી સંપત્તિઓમાંથી કમાણી કરવા માટે એક સુવ્યવસ્થિત અને કાનૂની માળખું તૈયાર કરવાની NLMC ની સતત કોશિશનું એક વધુ મજબૂત કદમ છે.
આ કોર્પોરેશન વિવિધ સરકારી મંત્રાલયો, વિભાગો, CPSEs અને અન્ય સરકારી સંસ્થાઓ સાથે સીધા સંપર્કમાં રહીને એવી મિલકતોની ઓળખ કરવામાં મદદ કરે છે જેની હવે સરકારને જરૂર નથી અથવા જેનો અત્યંત ઓછો ઉપયોગ થઈ રહ્યો છે.
નાણા મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે NLMC ની કાર્યશૈલી મુખ્યત્વે પારદર્શિતા, કાર્યક્ષમતા અને યોગ્ય મૂલ્યની પ્રાપ્તિ (વધારેમાં વધારે નાણાકીય વળતર) પર કેન્દ્રિત છે. આ કોર્પોરેશન મિલકતોની માલિકી ધરાવતી સંસ્થાઓને ઓળખથી લઈને વેચાણ કે લીઝ પર આપવાની આખી પ્રક્રિયામાં કાનૂની અને માળખાકીય મદદ પૂરી પાડે છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ ના સ્ટેટમેન્ટને મંજૂરી
આ બેઠક દરમિયાન બોર્ડ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે NLMC ના વાર્ષિક નાણાકીય સ્ટેટમેન્ટ (એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ) અને ડિરેક્ટર્સની વાર્ષિક રિપોર્ટને પણ સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે.
મંત્રાલયે ઉમેર્યું હતું કે NLMC ભવિષ્યમાં પણ ન્યાયી અને સુવ્યવસ્થિત પદ્ધતિઓ દ્વારા વધારાની જમીન અને ઈમારતોની ઓળખ કરવા અને તેમાંથી મહત્તમ આર્થિક મૂલ્ય જનરેટ કરવા માટે મિલકત માલિક સંસ્થાઓ સાથે મળીને સતત કામ કરતું રહેશે.

સરકારની પૂર્ણ માલિકીની કંપની તરીકે NLMC ની ભૂમિકા
નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશન (NLMC) એ સંપૂર્ણપણે ભારત સરકારની માલિકીની એક ખાસ કંપની છે. તે નાણા મંત્રાલય હેઠળના ‘ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ’ (DPE) ના વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે. તેની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સીપીએસઈ અને અન્ય સરકારી વિભાગો પાસે પડતર પડેલી બિનઉપયોગી જમીન અને ઇમારત સંપત્તિઓમાંથી સફળતાપૂર્વક મોનેટાઇઝેશન કરાવવાનો છે.
આ નવું કદમ ભારત સરકારના વ્યાપક ‘એસેટ મોનેટાઇઝેશન પ્રોગ્રામ’નો એક મહત્વપૂર્ણ ભાગ છે. આ પ્રોગ્રામનો હેતુ સરકારી તિજોરી પર બોજ બનવાને બદલે અણવપરાયેલી સરકારી અસ્કયામતોમાંથી મોટો આર્થિક લાભ મેળવવાનો અને દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે નવો નાણાકીય સ્ત્રોત ઊભો કરવાનો છે.
