અફેરનો ખુલાસો થાય તે પહેલાં જ Nvidia CEO જેન્સન હુઆંગે PR ફર્મની મદદ લીધી હોવાનો રિપોર્ટનો દાવો!

4 Min Read

Nvidia CEO જેન્સેન હુઆંગે કથિત વિવાદ વચ્ચે એક વર્ષ પહેલાં જ હાયર કરી હતી ક્રાઇસિસ PR ફર્મ: રિપોર્ટમાં મોટો દાવો

દુનિયાની અગ્રણી ટેકનોલોજી કંપની Nvidiaના CEO જેન્સેન હુઆંગને લઈને એક કથિત અંગત વિવાદે ટેક જગતમાં ચર્ચા જગાવી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હુઆંગે પોતાના અંગત અને વ્યાવસાયિક સંદેશાવ્યવહારને સંભાળવા માટે કટોકટી સંચાર (ક્રાઇસિસ PR) ફર્મ હેલરની મદદ લીધી હતી. ખાસ વાત એ છે કે આ ફર્મને ઓક્ટોબર 2025થી જ તેમની સાથે જોડવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સમયગાળો તેમના અંગત જીવન સાથે જોડાયેલા વિવાદો જાહેર ચર્ચામાં આવ્યા તેના લગભગ એક વર્ષ પહેલાંનો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

WIREDના અહેવાલમાં આ મામલાથી પરિચિત બે વ્યક્તિઓને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે હુઆંગે રીસા હેલરની PR ફર્મને પોતાના સંદેશાવ્યવહારનું સંચાલન સોંપ્યું હતું. જોકે, ફર્મને શરૂઆતમાં સોંપવામાં આવેલી જવાબદારીઓમાં કથિત અફેરનો સમાવેશ થતો હતો કે નહીં તેની સ્પષ્ટ પુષ્ટિ કરવામાં આવી નથી. આથી સમગ્ર મામલે અનેક સવાલો ઊભા થયા છે.

- Advertisement -

ceo0.jpg

કોણ છે રીસા હેલર અને શા માટે તેમની ફર્મ ચર્ચામાં છે?

રીસા હેલર અમેરિકામાં ક્રાઇસિસ કોમ્યુનિકેશન ક્ષેત્રનું જાણીતું નામ છે. તેમની ફર્મ ખાસ કરીને એવા પ્રભાવશાળી લોકો સાથે કામ કરવા માટે જાણીતી છે, જેઓ અંગત અથવા વ્યાવસાયિક વિવાદોનો સામનો કરી રહ્યા હોય છે.

- Advertisement -

2023માં ન્યૂયોર્ક મેગેઝિનમાં પ્રકાશિત પ્રોફાઇલ અનુસાર, હેલરના અગાઉના ગ્રાહકોમાં અમેરિકાના પૂર્વ કોંગ્રેસમેન એન્થોની વેઇનર, જાણીતા શેફ મારિયો બટાલી અને લેખક જેફરી ટૂબિનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફર્મ શરૂ કરતાં પહેલાં તેમણે કેલિફોર્નિયાની પૂર્વ ડેમોક્રેટિક કોંગ્રેસવુમન જેન હાર્મન સાથે કામ કર્યું હતું. ત્યારબાદ તેઓ ન્યૂયોર્કના ડેમોક્રેટિક સેનેટર ચક શૂમરના પ્રેસ સેક્રેટરી પણ રહ્યાં હતાં.

WIREDના અહેવાલ મુજબ, હુઆંગે શરૂઆતમાં હેલરની ટીમને તેમના અંગત જીવન સાથે જોડાયેલી બાબતો તેમજ પરિવારના પરોપકારી કાર્યો અંગે સંચાર વ્યવસ્થિત રાખવા માટે રાખી હતી. ફર્મના પ્રતિનિધિઓ હુઆંગ અને તેમની પુત્રી મેડિસન સાથે પણ સંપર્કમાં રહેતા હતા. મેડિસન Nvidia સાથે જોડાયેલી એક અગ્રણી વ્યક્તિ છે.રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઓક્ટોબર 2025ના અંત સુધીમાં Nvidiaની આંતરિક સંચાર ટીમને હુઆંગ સંબંધિત કોઈપણ મીડિયા પૂછપરછમાં હેલરની ફર્મનો સમાવેશ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આમાં તેમના અંગત જીવન અને વ્યવસાયિક બાબતો બંનેનો સમાવેશ થતો હતો.

એલિસ હુઆંગ સાથેના સંબંધો અને Nvidia પર વધતું દબાણ

આ સમગ્ર વિવાદમાં એલિસ હુઆંગનું નામ પણ સામે આવ્યું છે. અહેવાલો અનુસાર, એલિસ સિંગાપોર સ્થિત ટેક કંપની મેગાસ્પીડ ઇન્ટરનેશનલનાં ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ હતાં. આ કંપની Nvidiaની અદ્યતન AI ચિપ્સની ખરીદી સાથે જોડાયેલી હતી. ચિપ્સની ચીનમાં ગેરકાયદેસર હેરફેરના સંદર્ભમાં કંપનીની તપાસ થઈ રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.ઓક્ટોબર 2025માં ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલમાં જેન્સેન હુઆંગના મેગાસ્પીડ સાથેના વ્યવસાયિક સંબંધો અને એલિસ સાથેના જોડાણ અંગે વિગતો પ્રકાશિત થઈ હતી. આ અહેવાલે Nvidiaના ઉચ્ચ સ્તરે ચર્ચા અને તણાવ ઊભો કર્યો હોવાનું જણાવાયું હતું.

- Advertisement -

શરૂઆતમાં Nvidiaએ એલિસ સાથે હુઆંગના સંપર્કને ગ્રાહકો સાથેના સામાન્ય વ્યવસાયિક વ્યવહારોનો ભાગ ગણાવ્યો હતો. જોકે, ત્યારબાદ હુઆંગના અંગત જીવન અંગે પણ અનેક દાવા સામે આવ્યા હતા. આપેલા અહેવાલમાં કર્મચારીઓને મોકલવામાં આવેલા તેમના એક ઇમેઇલનો ઉલ્લેખ છે, જેમાં તેમણે પત્ની લોરી અને પરિવારને થયેલા દુઃખ બદલ માફી માગી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ceo.jpg

અમેરિકામાં તપાસની ચર્ચા, ચીને આરોપો નકાર્યા

આ મામલે અમેરિકાની રાજકીય વ્યવસ્થામાં પણ ચર્ચા શરૂ થઈ હોવાનો અહેવાલ છે. એક્સિઓસના જણાવ્યા અનુસાર, અમેરિકાની હાઉસ કમિટીના ત્રણ રિપબ્લિકન અધ્યક્ષોએ હુઆંગ સાથે બંધ બારણે બેઠક કરીને એલિસ સાથેના કથિત સંબંધો અંગે ચર્ચા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

આ ઉપરાંત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે FBI દ્વારા આ મામલે તપાસ થઈ રહી હોવાનો દાવો કર્યો હોવાનું અહેવાલમાં જણાવાયું છે. જોકે, આ તપાસ અંગેના દાવાની સ્વતંત્ર પુષ્ટિ જરૂરી છે.બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયે જાસૂસી સાથે જોડાયેલા આરોપોને ફગાવી દીધા હતા. પ્રવક્તા ગુઓ જિયાકુને આવા અહેવાલોને પાયાવિહોણી અટકળો ગણાવતાં કહ્યું હતું કે આ ચીનને બદનામ કરવાનો પ્રયાસ છે.

Share This Article