24 થી 26 સપ્ટેમ્બર વચ્ચે શું થવાનું છે? મોદી સરકારે અચાનક સંસદનું સત્ર બોલાવવાની કેમ કરી તૈયારી?
દેશના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર આ મહિનાના અંત સુધીમાં સંસદનું ત્રણ દિવસનું વિશેષ સત્ર (Special Session) બોલાવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ વિશેષ સત્ર બોલાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય અત્યંત મહત્વપૂર્ણ અને ચર્ચિત ‘ડીલિમિટેશન બિલ’ (સીમા પુનઃનિર્ધારણ બિલ) ને સંસદના બંને ગૃહમાં પસાર કરાવવાનો છે. જો આ નિર્ણય અમલમાં આવશે, તો દેશના રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે.

એનડીએ (NDA) ના સહયોગી પક્ષોને સંકેત, ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર વચ્ચે સત્ર શક્ય
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના એક મહત્વપૂર્ણ સહયોગી પક્ષના વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે, સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાધમાં સંસદનું વિશેષ સત્ર યોજાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, “ભાજપ નેતૃત્વ સાથે અમારી આ વિશેષ સત્ર અંગે ટૂંકી ચર્ચા થઈ છે. અમને કહેવામાં આવ્યું છે કે સત્ર ૨૪ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની સંભાવના છે.”
એનડીએના અન્ય એક મુખ્ય ઘટક પક્ષે પણ પુષ્ટિ કરી છે કે તેમને પણ આ સંભવિત વિશેષ સત્ર અંગે આંતરિક રીતે માહિતગાર કરવામાં આવ્યા છે. જેથી કરીને સરકાર પોતાની રણનીતિ મુજબ બિલને સંસદમાં રજૂ કરીને કાનૂની રૂપ આપી શકે.
સંસદીય સચિવાલય હજુ પણ મૌન: તૈયારીઓનો અભાવ
એક તરફ રાજકીય વર્તુળોમાં સત્રની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, તો બીજી તરફ સંસદના અધિકારીઓ આ મામલે હજુ કશું પણ કહેવાનું ટાળી રહ્યા છે. સંસદીય સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી વિશેષ સત્ર માટેની તૈયારીઓ કરવા સંબંધિત હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના કે નિર્દેશ મળ્યા નથી.
સામાન્ય રીતે સંસદનું કોઈ પણ સત્ર બોલાવવાનું હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા અને અન્ય લોજિસ્ટિક્સ પૂરા કરવા માટે દિવસો અગાઉથી સંસદ સચિવાલયને જાણ કરવામાં આવતી હોય છે. પરંતુ હાલના તબક્કે અધિકારીઓનું કહેવું છે કે તેમની પાસે હજુ સુધી આવી કોઈ લેખિત કે મૌખિક સ્પષ્ટતા આવી નથી. આ પહેલાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તાજેતરમાં જ સંકેત આપ્યો હતો કે સરકાર તમામ વિકલ્પો માટે તૈયાર છે અને ચોમાસું સત્ર સમાપ્ત થયા પછી પણ ગૃહને સ્થગિત (Prorogue) કરવાની પ્રક્રિયામાં સમય લાગી શકે છે.
કોંગ્રેસનો આક્ષેપ: “સરકારે કોઈ ઔપચારિક ચર્ચા કરી નથી”
બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે સરકાર પર સિક્રસી જાળવવાનો અને વિપક્ષને અંધારામાં રાખવાનો આરોપ લગાવ્યો છે. મીડિયામાં રિપોર્ટ્સ વહેતા થયા હતા કે કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતૃત્વનો સંપર્ક કર્યો છે, પરંતુ કોંગ્રેસના ઉચ્ચ સૂત્રોએ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.

કોંગ્રેસની સંસદીય વ્યૂહરચના સાથે જોડાયેલા એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, વિશેષ સત્ર અંગે સરકાર તરફથી ઔપચારિક કે અનૌપચારિક કોઈ જ સંચાર થયો નથી. તેમણે ઉમેર્યું કે, “અમારું વલણ સ્પષ્ટ છે. કોંગ્રેસ અધ્યક્ષે આ અગાઉ પણ વડાપ્રધાનને પત્ર લખીને માંગ કરી છે કે ડીલિમિટેશન બિલના મુદ્દે તાત્કાલિક સર્વપક્ષીય બેઠક (All-Party Meeting) બોલાવવામાં આવે.”
મલ્લિકાર્જુન ખડગેની વડાપ્રધાનને રજૂઆત
અગાઉ ૨૭ ઓગસ્ટના રોજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને ફરી એકવાર સર્વપક્ષીય બેઠકની માંગણી દોહરાવી હતી. ખડગેએ પત્રમાં લખ્યું હતું કે, “સરકાર પાસે ડીલિમિટેશનને લઈને જે કંઈ પણ પ્રસ્તાવ કે યોજના હોય, તેના પર ચર્ચા કરવા માટે તમામ રાજકીય પક્ષો અને રાજ્ય સરકારોને પૂરતો સમય આપવામાં આવે.”
વિપક્ષનું માનવું છે કે સીમા પુનઃનિર્ધારણ જેવો સંવેદનશીલ મુદ્દો દેશના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભા બેઠકોના ભૌગોલિક અને રાજકીય સમીકરણો બદલી શકે છે, તેથી આટલા મહત્વના બિલને ઉતાવળે કે વિપક્ષની સંમતિ વિના પસાર કરાવવું યોગ્ય નથી.
બંધારણ (૧૩૧મું સુધારો) બિલ ૨૦૨૬ અને વિપક્ષનું બદલાતું ગણિત
અત્રે નોંધનીય છે કે, પ્રસ્તાવિત સીમા પુનઃનિર્ધારણ કાયદો – ‘બંધારણ (૧૩૧મું સુધારો) બિલ ૨૦૨૬’ – મહિલા અનામત બિલ સાથે પણ સીધી રીતે જોડાયેલો છે. આ અગાઉ ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષોના વિરોધ અને એકજુટતાના કારણે આ બિલ અટકી ગયું હતું અને પસાર થઈ શક્યું નહોતું.
પરંતુ હવે સંસદીય રાજકારણના આંકડા અને ગણિત બદલાતા નજરે પડી રહ્યા છે. ‘આઈએનડીઆઈએ’ (I.N.D.I.A.) ગઠબંધનની અંદર આંતરિક સમીકરણોમાં ફેરફાર થયો છે. ખાસ કરીને તામિલનાડુમાં વિજયની ‘ટીવીકે’ (TVK) સરકારને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવાના નિર્ણય બાદ ડીએમકે (DMK) અને કોંગ્રેસ વચ્ચે થોડી ખટાશ આવી છે. આ બદલાયેલી પરિસ્થિતિમાં એવી પ્રબળ સંભાવના સેવાઈ રહી છે કે તામિલનાડુનો શાસક પક્ષ DMK આ વખતે ડીલિમિટેશન બિલ પર સરકારને સમર્થન આપી શકે છે.
