પરિણિત યુગલો માટે પોસ્ટ ઓફિસની શ્રેષ્ઠ ભેટ: ‘યુગલ સુરક્ષા’ પોલિસી હેઠળ એક જ કવરમાં પતિ-પત્ની બંનેને મળશે ₹૫૦ લાખ સુધીનું જીવન વીમા કવરેજ
આજના મોંઘવારીના યુગમાં પરિવાર અને જીવનસાથીના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત બનાવવું દરેક વ્યક્તિ માટે પ્રાથમિકતા બની ગયું છે. વધતા જતાં વીમા બજારમાં જ્યાં ખાનગી કંપનીઓ ઊંચા પ્રીમિયમ વસૂલીને મર્યાદિત લાભ આપે છે, ત્યાં દેશની સૌથી જૂની અને ભરોસાપાત્ર વીમા યોજના સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ભારતીય ટપાલ વિભાગ (India Post) હેઠળ ચાલતી પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) પોતાની ‘યુગલ સુરક્ષા’ (Yugal Suraksha) સ્કીમ દ્વારા પતિ-પત્ની બંનેને એક જ પોલિસી હેઠળ ₹૫૦ લાખ સુધીનું જંગી કવરેજ અને સૌથી આકર્ષક બોનસ ઓફર કરી રહી છે.
૧૪૨ વર્ષથી પણ વધુ જૂનો ભરોસો અને ઐતિહાસિક મહત્વ
પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સ (PLI) ભારતની સૌથી જૂની લાઇફ ઇન્સ્યોરન્સ સર્વિસ છે, જેની શરૂઆત ૧ ફેબ્રુઆરી ૧૮૮૪ ના રોજ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ યોજના માત્ર ટપાલ વિભાગના કર્મચારીઓ પૂરતી સીમિત હતી. ત્યારબાદ ૧૮૮૮ માં ટેલિગ્રાફ ડિપાર્ટમેન્ટ અને પછીથી અર્ધ-સરકારી ક્ષેત્રોને પણ આમાં આવરી લેવામાં આવ્યા હતા.
ઐતિહાસિક રીતે આ યોજનાનું મહત્વ ખૂબ વિશેષ રહ્યું છે. તત્કાલીન P&T ડિપાર્ટમેન્ટે વર્ષ ૧૮૯૪ માં જ પોતાની મહિલા કર્મચારીઓને વીમા કવર આપવાનું શરૂ કરી દીધું હતું, જ્યારે તે સમયે કોઈ પણ ખાનગી કે સરકારી કંપની મહિલાઓને લાઇફ ઇન્સ્યોરન્સ કવરેજ આપતી નહોતી. આજે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન હેઠળ ચાલતી આ સ્કીમનો દાયરો ખૂબ વધી ગયો છે અને હવે ગામડાંના ખેડૂતો, મજૂરો તથા દરેક ક્ષેત્રના પ્રોફેસનલ્સ આ યોજનાનો લાભ લઈ શકે છે.
શું છે ‘યુગલ સુરક્ષા’ પોલિસી અને તેની ખાસિયતો?
પોસ્ટલ લાઇફ ઇન્સ્યોરન્સની ‘યુગલ સુરક્ષા’ પોલિસી ખાસ કરીને પરિણિત યુગલો (દંપતીઓ) માટે ડિઝાઇન કરવામાં આવી છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિએ પોતાના અને જીવનસાથી માટે અલગ-અલગ પોલિસી લેવી પડતી હોય છે, પરંતુ આ સ્કીમ હેઠળ એક જ કવરમાં પતિ અને પત્ની બંને સુરક્ષિત બને છે.
જો પોલિસી સમયગાળા દરમિયાન કોઈ અણધારી ઘટના ઘટે અથવા પોલિસી પાકતી મુદતે (મેચ્યોરિટી પર) પહોંચે, તો ગેરંટીડ રકમ સાથે જંગી બોનસનો લાભ સીધો જીવનસાથીને અથવા પોલિસીધારકને મળે છે. આ યોજનાના કારણે યુગલોનું નાણાકીય ભવિષ્ય સુનિશ્ચિત બને છે.
પાત્રતા, વય મર્યાદા અને કવરેજની વિગતો
યુગલ સુરક્ષા યોજનામાં જોડાવા માટે ટપાલ વિભાગ દ્વારા અમુક ચોક્કસ અને સરળ શરતો નક્કી કરવામાં આવી છે:
વય મર્યાદા: આ સ્કીમનો લાભ લેવા માટે પતિ-પત્નીની ઉંમર ૨૧ વર્ષથી ૪૫ વર્ષની વચ્ચે હોવી જોઈએ. પોલિસી લેતી વખતે સિનિયર પોલિસીહોલ્ડરની મહત્તમ ઉંમર ૪૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
સમયગાળો (Tenure): આ પોલિસીનો લઘુત્તમ સમયગાળો ૫ વર્ષ અને મહત્તમ સમયગાળો ૨૦ વર્ષનો નક્કી કરવામાં આવ્યો છે.
પાત્રતા શરત: સ્કીમનો લાભ મેળવવા માટે પતિ કે પત્નીમાંથી કોઈ પણ એક વ્યક્તિ PLI ની પ્રાથમિક પાત્રતાના દાયરામાં આવતી હોવી જરૂરી છે.
વીમા રકમ (Sum Assured): યુગલ સુરક્ષા યોજના હેઠળ લઘુત્તમ વીમા કવર ₹૨૦,૦૦૦ થી શરૂ થાય છે, જ્યારે મહત્તમ કવરેજ મર્યાદા ₹૫૦ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે.
ઓછું પ્રીમિયમ, વધુ બોનસ અને લોનની સુવિધા
આ સ્કીમ અન્ય ખાનગી વીમા કંપનીઓની સરખામણીએ એટલે વધુ લોકપ્રિય છે કારણ કે આમાં પ્રીમિયમનો દર ખૂબ ઓછો છે અને સરકારી સમર્થન હોવાને કારણે બોનસનો દર અત્યંત આકર્ષક રહે છે. આ ઉપરાંત, જો પોલિસીધારકને ભવિષ્યમાં અચાનક નાણાકીય જરૂરિયાત ઊભી થાય, તો પોલિસી શરૂ થયાના સતત ૩ વર્ષ પૂર્ણ થયા બાદ આ પોલિસી પર લોન લેવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે.
ઓછા ખર્ચે પોતાના પરિવારને આર્થિક સુરક્ષા છત્ર પૂરું પાડવા માંગતા પરિણિત દંપતીઓ માટે પોસ્ટ ઓફિસની આ ‘યુગલ સુરક્ષા’ સ્કીમ અત્યંત ઉપયોગી અને સુરક્ષિત રોકાણનો વિકલ્પ સાબિત થઈ રહી છે.
