‘Godzilla’ વજન ઘટાડવાની નવી દવા: ઓઝેમ્પિક કરતાં પણ બમણું વજન ઘટાડવાનો દાવો

By
Halima Shaikh
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a...
4 Min Read

વજન ઘટાડવામાં આવશે ક્રાંતિકારી બદલાવ! શું આ ચમત્કારિક ઇન્જેક્શનથી ખરેખર ઘટી જશે ચરબી?

વજન ઘટાડવાની દુનિયામાં છેલ્લા કેટલાક સમયથી ઓઝેમ્પિક (Ozempic) નામના ઇન્જેક્શને ભારે ચર્ચા જગાવી છે અને લગભગ દરેક સેલિબ્રિટી કે સામાન્ય વ્યક્તિ આ દવા વિશે જાણે છે. જોકે, હવે વેટ-લોસ માર્કેટમાં એક એવો ખુલાસો થયો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. પ્રખ્યાત ફાર્મા કંપની એલી લિલી (Eli Lilly) ની પ્રાયોગિક દવા ‘રેટાટ્રુટાઇડ’ (Retatrutide) ના ક્લિનિકલ ટ્રાયલના પરિણામોએ ખૂબ જ પ્રોત્સાહક આંકડા રજૂ કર્યા છે. આ દવાના માત્ર એક જ સાપ્તાહિક ઇન્જેક્શનથી વ્યક્તિના શરીરનું વજન ૩૦ ટકા સુધી ઘટી શકે છે. આ અદ્ભુત પરિણામોના કારણે જ આ દવાને વજન ઘટાડતી દવાઓની દુનિયામાં ‘ગોડઝિલા’ નું હુલામણું નામ આપવામાં આવ્યું છે.

drug .jpg

- Advertisement -

વિજ્ઞાન શું કહે છે? રેટાટ્રુટાઇડ ઓઝેમ્પિક કરતા કેવી રીતે અલગ છે?

આ દવાની કામ કરવાની પદ્ધતિ ઓઝેમ્પિક કરતા તદ્દન અલગ અને અદ્યતન છે. જ્યાં એક તરફ ઓઝેમ્પિક (સેમાગ્લુટાઇડ) માત્ર જીએલપી-૧ (GLP-1) રિસેપ્ટરને સક્રિય કરે છે, ત્યાં બીજી તરફ રેટાટ્રુટાઇડ એકસાથે ત્રણ મહત્વપૂર્ણ હોોર્મોન પાથવેઝ (GLP-1, GIP અને ગ્લુકાગોન) ને સક્રિય કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ત્રણેય હોર્મોન્સ મળીને વ્યક્તિની ભૂખને નિયંત્રિત કરે છે, બ્લડ શુગરને બેલેન્સ કરે છે અને શરીર ઉર્જાનો ઉપયોગ કેવી રીતે કરે છે તેને પ્રભાવિત કરે છે. આ ટ્રિપલ એક્શન મિકેનિઝમના કારણે જ આ દવા શરીરમાંથી ચરબી ઓગાળવામાં વધુ કારગર સાબિત થઈ રહી છે.

રેટાટ્રુટાઇડથી કેટલું વજન ઘટી શકે છે?

એલી લિલીના ફેઝ-૩ ‘TRIUMPH-1’ ટ્રાયલ દરમિયાન, મેદસ્વીતા અથવા વધુ વજન ધરાવતા અને વજન સંબંધિત ઓછામાં ઓછી એક સ્વાસ્થ્ય સમસ્યા ધરાવતા (પરંતુ ડાયાબિટીસ ન હોય તેવા) પુખ્ત વયના લોકોને ૮૦ અઠવાડિયા સુધી નિયમિતપણે આ દવાના સાપ્તાહિક ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જે લોકોએ ૧૨ એમજીનો સૌથી વધુ ડોઝ લીધો હતો તેમનું વજન સરેરાશ ૨૮.૩ ટકા જેટલું ઘટ્યું હતું. જ્યારે ૪ એમજીનો ડોઝ લેનારાઓનું સરેરાશ વજન ૧૯ ટકા ઘટ્યું હતું. આશ્ચર્યજનક વાત એ છે કે સૌથી વધુ ડોઝ મેળવનારાઓમાં લગભગ અડધા લોકોએ ઓછામાં ઓધું ૩૦ ટકા વજન ઘટાડવામાં સફળતા મેળવી હતી.

- Advertisement -

drug 1.jpg

તુલનાત્મક રીતે જોઈએ તો, મુખ્ય ઓબેસિટી ટ્રાયલ્સમાં સેમાગ્લુટાઇડે આશરે ૧૫ ટકા સુધી વજન ઘટાડ્યું હતું. આ દ્રષ્ટિએ રેટાટ્રુટાઇડના પરિણામો ટકાવારીની દ્રષ્ટિએ લગભગ બમણા છે. જોકે, એ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે આ બંને દવાઓની એક જ ક્લિનિકલ ટ્રાયલમાં સીધી સરખામણી કરવામાં આવી નથી. આ દવાએ ટાઇપ-૨ ડાયાબિટીસ અને મેદસ્વીતાથી પીડિત લોકોમાં પણ સંતોષકારક પરિણામો બતાવ્યા છે.

આ દવા પાછળ કેટલાક જોખમો અને પડકારો પણ છે

ભલે આ દવાના પરિણામો અત્યંત આશાસ્પદ હોય, પરંતુ રેટાટ્રુટાઇડ હજુ સુધી વજન ઘટાડવા માટે સત્તાવાર રીતે મંજૂર કરાયેલી દવા નથી. એલી લિલી કંપની આગામી વર્ષ ૨૦૨૭માં આ દવાને યુએસ રેગ્યુલેટરી રિવ્યુ માટે સબમિટ કરવાની યોજના બનાવી રહી છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કેટલાક આડઅસરો (Side Effects) પણ જોવા મળી છે, જેમાં ખાસ કરીને પાચનતંત્રને લગતી સમસ્યાઓ સામેલ છે.

- Advertisement -

‘TRIUMPH-2’ ટ્રાયલ દરમિયાન ડાયેરિયા, ઉબકા, કબજિયાત અને ઉલટી જેવી પ્રતિક્રિયાઓ સામાન્ય રીતે જોવા મળી હતી, જેમાંથી કેટલીક ઊંચા ડોઝ પર વધુ તીવ્ર હતી. આ ઉપરાંત, વજન તો ઘટે છે પરંતુ શરીરના આંતરિક બંધારણ (Body Composition) પર તેની શી અસર થાય છે અને ગુમાવાયેલું વજન ચરબીનું છે કે સ્નાયુઓ (Lean Tissue) નું છે, તેનો અભ્યાસ હજુ વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. હાલમાં જ્યારે દુનિયાભરમાં ઓઝેમ્પિકના લુક અને સંભવિત આડઅસરોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે લાંબા ગાળાની સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

હાલના તબક્કે રેટાટ્રુટાઇડ હજુ પ્રાયોગિક તબક્કામાં છે અને તેના પર વૈજ્ઞાનિક અભ્યાસો ચાલુ છે. તેના આશ્ચર્યજનક ટ્રાયલ પરિણામો દર્શાવે છે કે સ્થૂળતા (ઓબેસિટી) સામેની આગામી પેઢીની દવાઓ વર્તમાન સમયની GLP-1 દવાઓની મર્યાદાઓને પાર કરીને ક્રાંતિકારી પરિણામો આપી શકે છે. તેમ છતાં, તેની લાંબા ગાળાની સલામતી અને વાસ્તવિક દુનિયામાં તેની અસરકારકતા જ નક્કી કરશે કે આ દવા ભવિષ્યમાં કેટલી લોકપ્રિય અને ઉપયોગી સાબિત થાય છે.

Share This Article
Halima Shaikh is a talented Gujarati content writer at Satya Day News, known for her clear and compelling storytelling in the Gujarati language. She covers a wide range of topics including social issues, current events, and community stories with a focus on accuracy and cultural relevance. With a deep connection to Gujarati readers, Halima strives to present news that is informative, trustworthy, and easy to understand. Follow Halima Shaikh on Satya Day News for timely updates and meaningful content — all in your own language.