અંડર-૯માં સાહિલ ચૌધરીએ રાજ્યમાં પ્રથમ ક્રમ અને સાહિલ જાદવે ૧૧ મો ક્રમ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું
ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે સીધી રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા ૪.૦નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એથ્લેટિક્સ વિભાગમાં અંડર- ૯ માં ૨૦૦ મીટર દોડમાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી ચાવશાળા પ્રાથમિક શાળામાં ધો. ૪ માં અભ્યાસ કરતા બાળ રમતવીર સાહિલકુમાર પ્રકાશભાઈ ચૌધરીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક અને સાહિલ લક્ષ્મણભાઈ જાદવ એ ૧૦૦ મીટર દોડમાં રાજ્ય કક્ષાએ ૧૧મું સ્થાન પ્રાપ્ત કરી શાળા તથા જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે.
આ બંને બાળ એથ્લેટિક્સને તૈયાર કરનાર ખેલ સહાયક ચેન્દરીબેન રામજીભાઈ જાદવ કે, જેઓ પોતે સગર્ભા હોવા છતાં પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર, ટાઢ હોઈ તડકો હોય કે વરસાદ હોય સતત બાળકોને સમય આપી નિયમિત પ્રેકટીસ કરાવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે એમની રમત પ્રત્યેનો પ્રેમ અને પોતાના કાર્ય પ્રત્યેની નિષ્ઠાના દર્શન કરાવે છે.
આ તબક્કે શાળાના આચાર્યાશ્રી હિરલબેન પટેલે વિદ્યાર્થી અને ખેલ સહાયક બંનેને અભિનંદન પાઠવ્યા હતા. સાથે રાજ્ય સરકારનો પણ ખેલ સહાયકની ભરતી કરવા બાબતે આભાર વ્યક્ત કર્યો હતો. ખેલ સહાયક આવવાથી શાળા સતત રાજ્ય કક્ષાએ ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે એમ જણાવ્યું હતું. કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનોજ ટંડેલ અને કપરાડાના બીઆરસી કો-ઓર્ડિનેટર સંજય મકવાણાએ બંને બાળ રમતવીરોને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
