સુરતમાં હીરાના કારખાનામાં ‘ગુંડાગીરી’: શિસ્તના પાઠ ભણાવનાર મેનેજર પર રત્નકલાકારોનો જીવલેણ હુમલો

By
Dharmishtha R. Nayaka
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and...
3 Min Read

સુરતના કાપોદ્રામાં હીરાના કારખાનામાં લોહિયાળ ખેલ: શિસ્તનું પાલન કરાવનારા મેનેજર પર રત્નકલાકાર ભાઈઓનો જીવલેણ હુમલો

સુરત: ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં રત્નકલાકારોની શિસ્તબદ્ધ કામગીરી માટે જાણીતા હીરાના કારખાનાઓમાં આજે કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા હતા. કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક જાણીતા હીરાના કારખાનામાં મેનેજરને માર મારવાની ઘટના સામે આવી છે. શિસ્તનું પાલન કરાવનારા મેનેજર પર જ રત્નકલાકાર ભાઈઓએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને ઢોર માર મારતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ આખી ઘટના કારખાનામાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતા હુમલાખોરોનો અસલી ચહેરો સામે આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો?

ઘટના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ‘પંકજ ડાયમંડ’ નામના હીરાના કારખાનામાં બની હતી. અહીં ગૌતમભાઈ ઇટાલીયા મેનેજર તરીકે ફરજ બજાવે છે. કારખાનામાં કામ કરતા રત્નકલાકારો માટે શિસ્ત અને પંચિંગના નિયમોનું પાલન કરવું ફરજિયાત હોય છે. મેનેજર ગૌતમભાઈએ જ્યારે રત્નકલાકાર અંકુશ આલ્ગોતરને પંચિંગ અને શિસ્તના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા માટે સૂચના આપી હતી, ત્યારે આ બાબત તેને ગમી ન હતી અને તે ઉશ્કેરાઈ ગયો હતો.

- Advertisement -

surat23.jpg

પૂર્વ આયોજિત કાવતરા હેઠળ મેનેજર પર હુમલો

મેનેજર દ્વારા ટપારવામાં આવતા જ અંકુશ આલ્ગોતરે અદાવત રાખી હતી. બદલાની ભાવના સાથે તેણે પૂર્વ આયોજિત કાવતરું ઘડ્યું અને પોતાના ભાઈ જય આલ્ગોતરને બોલાવી લીધો હતો. બંને ભાઈઓએ મળીને કારખાનાના મેનેજર ગૌતમભાઈને બાથરૂમમાં ખેંચી ગયા હતા. જ્યાં કોઈની નજર ન પડે તે રીતે બંનેએ મેનેજરને ઘેરીને લાત-મુક્કા અને ગડદાપાટુંનો ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું.

દોઢ મિનિટ સુધી ચાલ્યું મારપીટનું તાંડવ

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, હુમલાખોર ભાઈઓએ મેનેજર ગૌતમભાઈને ખૂબ જ નિર્દયતાથી માર માર્યો હતો. લગભગ દોઢ મિનિટ સુધી ચાલેલી આ માથાકૂટમાં મેનેજરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ આ દરમિયાન મેનેજરને ગાળો પણ આપી હતી અને જાહેરમાં તેમને પતાવી દેવાની ધમકી આપી હતી. કારખાનામાં હાજર અન્ય કર્મચારીઓ આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

- Advertisement -

surat2.jpg

પોલીસે નોંધી ફરિયાદ

આ ગંભીર ઘટના બાદ ઈજાગ્રસ્ત મેનેજર ગૌતમભાઈ ઇટાલીયાએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરજ દરમિયાન શિસ્તનું પાલન કરાવવાની સજા તેમને આ રીતે મળી તે બાબતે મેનેજરે પોતાની આપવીતી વર્ણવી હતી. ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે આરોપી અંકુશ આલ્ગોતર અને જય આલ્ગોતર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કારખાનાઓમાં સુરક્ષા અને શિસ્તનો પ્રશ્ન

આ ઘટનાને પગલે હીરા ઉદ્યોગમાં ચર્ચા જાગી છે કે શું હવે મેનેજરોએ શિસ્તનું પાલન કરાવતા પહેલા ડરવું પડશે? સુરત જેવા શહેરમાં જ્યાં લાખો લોકો હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા છે, ત્યાં આ પ્રકારની ઘટનાઓ ઉદ્યોગની છબી ખરડવા માટે પૂરતી છે. હાલ તો કાપોદ્રા પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે અને સીસીટીવીના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Share This Article
Dharmishtha R. Nayaka is a skilled and passionate Gujarati language content writer at Satya Day News. With a strong grasp of local culture, social dynamics, and current affairs, she delivers news and stories that are both informative and relatable for the Gujarati-speaking audience. Dharmishtha is committed to factual reporting, clear storytelling, and making important news accessible in the mother tongue. Her work reflects a deep sense of responsibility and connection with the readers. Stay connected with Dharmishtha for trusted and timely updates — in Gujarati, for Gujarat.